આજે BAPS સંસ્થાના ચોથા આધ્યાત્મિક અનુગામી યોગીજી મહારાજનો ૧૨૮મો પ્રાગટ્ય પર્વ, જાણો તેમની કેટલીક રોચક વાતો

Published on Trishul News at 1:22 PM, Tue, 19 May 2020

Last modified on May 19th, 2020 at 1:22 PM

આજ રોજ BAPS સંસ્થાના ચોથા આધ્યાત્મિક અનુગામી એવા યોગીજી મહારાજની 128મી જન્મજયંતી છે. એક સદા સ્મરણીય એવી મહાન સંત વિભૂતિ યોગીજી મહારાજના મુખારવિંદ પર તેજસ્વિતા અને અખંડ દિવ્ય આનંદ છલકાતો રહેતો હતો. એક વખત મુંબઈના જાણીતા અર્થશાસ્ત્રી મનુ સૂબેદાર યોગીજી મહારાજના દર્શને આવ્યા હતા. એમને યોગીજી મહારાજના દિવ્ય આનંદની અનુભૂતિ થઈ. તેથી યોગીજી મહારાજને સહસા પૂછ્યું : સ્વામીજી! મેં ઘણા મહાત્માઓ જોયા છે, ઘણા મહાનુભાવોના પ્રસંગોમાં પણ આવ્યો છું, પરંતુ બ્રહ્મનો આવો અખંડાનંદ મેં કોઈના મુખારવિંદ ઉપર જોયો નથી.

આપની આ અખંડ આનંદની સિદ્ધિનું શું કારણ છે? નમ્રતાની મૂર્તિ સમાયોગીજી મહારાજે હાથ જોડી કહ્યું: “મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજની મારા ઉપર દ્રષ્ટિ પડી ગઈ છે”, તે સાંભળી પાસે બેઠેલા નિર્ગુણદાસ સ્વામીએ હસતા-હસતા જણાવતા કહ્યું:  “એ તો યોગીજી મહારાજ સાચું કહે છે, પરંતુ મારા અનુભવ પ્રમાણે તો તેમની આ સિદ્ધ સ્થિતિ સહજ જન્મજાત છે.” યોગીજી મહારાજનું એકાદવારનું દર્શન પણ સૌ માટે જીવનભરનું સ્મૃતિભાથું બની રહેતું.

સ્નેહરશ્મિ તરીકે પ્રસિદ્ધ લેખક કવિ ઝીણાભાઈ દેસાઈ એક વખત પોતાના મિત્ર ફડિયામામા સાથે યોગીજી મહારાજનું માપ કાઢવા માટે આવ્યા અને ઘાયલ થઈ ગયા. સ્વાનુભવની ઘટનાને વર્ણવતા તેમણે લખ્યું હતું: બાળક જેવી એમની સરળતા, મુગ્ધતા અને એથી પણ વધુ આકર્ષક કરુણાસભર એમની દ્રષ્ટિની પ્રથમ દર્શને જ મારા મન પર ઊંડી છાપ પડી. એમને જોતાની સાથે જ એમના વ્યક્તિત્વની કોઈપણ એક બાજુ લઈ તેનું અવલોકન કરી, બીજી બાજુ પર નજર ફેરવી તેમના વ્યક્તિત્વનું માપ કાઢવાની કોઈ વાત જ મને યાદ ન આવી. એક અહોભાવથી મન સભર બની ગયું ને પ્રેમપ્લાવિત માનવતાની પરમ ભાગીરથીમાં લીન થઇ જવાની ધન્યતા મેં અનુભવી.

જ્યારે હું એમને મળ્યો ત્યારે માત્ર મને યાદ રહ્યું એમના વાત્સલ્યથી મઘમઘતું ચોમેર હુંફાળું વાતાવરણ. એમની વાતચીતમાં જ નિર્વ્યાજ મનોહારીતા છે તે તો એમના સાનિધ્યથી જ સમજાય. આ અનુભવને શબ્દોમાં હું નહીં મૂકી શકું, એટલે હું એટલું જ પ્રાર્થું છું કે મારા જેવો અનુભવ અન્ય સૌને થાઓ ને મને એ અનુભવ ફરીથી ને ફરીથી લાધો.

સન 1961માં તેમના હસ્તે દીક્ષિત થનાર સુશિક્ષિત યુવાનોમાંના એક એટલે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ. મહંત સ્વામીજી સ્વાનુભવ વર્ણવતાંલખે છે: યોગીજી મહારાજ નખથી શિખા પર્યંત દિવ્યતાની મૂર્તિ હતા. તેમનામાં ક્યાંય ખૂણેખાંચરે પણ માનવી મર્યાદાઓ જોઈ નથી. સંપૂર્ણ વ્યક્તિત્વ સમગ્રપણે, ઉપર અને અંદર, અણુ અણુમાં દિવ્યતાથી જ વ્યાપેલું છે, દિવ્યતાથી તરબતર નિહાળ્યું છે.

એક સજ્જને કહ્યું હતું: યોગીજી મહારાજ એટલા બધા નિર્દોષ હતા કે તેમની આગળ બે વર્ષનું બાળક પણ ચાલાક લાગે. આવા નિર્દોષમૂર્તિ હતા. વૈશાખ વદ બારશના દિને સૌરાષ્ટ્રના ધારી ગામે જન્મેલા યોગીજી મહારાજની 128મી જન્મ જયંતીએ સમસ્ત સત્સંગ મંડળોમાં હરિભક્તો ઓનલાઈન વિશેષ આયોજનો કરી આ પર્વની ઉજવણી કરશે. તેઓની દિવ્યતાને આપણા જીવનની ધડકન બનાવી શકીએ એ અભ્યર્થના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

About the Author

Mayur Lakhani
Mayur Lakhani is Editor and Journalist at Trishul News.

Be the first to comment on "આજે BAPS સંસ્થાના ચોથા આધ્યાત્મિક અનુગામી યોગીજી મહારાજનો ૧૨૮મો પ્રાગટ્ય પર્વ, જાણો તેમની કેટલીક રોચક વાતો"

Leave a comment

Your email address will not be published.


*