બાળકોને સ્કૂલે મોકલવા મોંઘાં પડશે! નવું સત્ર શરુ થતાની સાથે જ સ્કુલ વાન-રીક્ષાના ભાડામાં ઝીંકાયો વધારો

Increase Rent school van-rickshaw: 2024નું નવું શૈક્ષણિક સત્ર 13 જુનથી શરુ થવા જઈ રહ્યું છે, ત્યારે આ વર્ષથી સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં એસોસિયેશન દ્વારા વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સ્કૂલ- વાનમાં એક કિમીદીઠ 200 અને સ્કૂલ-રિક્ષામાં(Increase Rent school van-rickshaw) કિમીદીઠ 100 રૂપિયા ભાડારૂપે વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ વધારો RTOમાં થયેલા વધારાને કારણે લેવામાં આવ્યો છે.

RTOમાં પાસિંગ ખર્ચનો બોજો, ઇન્શ્યોરન્સ, પરમિટ સહિતના ખર્ચને લઈને ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે. તેથી હવે આ વર્ષથી વાલીઓએ વાન-રીક્ષાના ભાડામાં 200 અને 100 રૂપિયાનો વધારો કરીને ચૂકવવો પડશે.  તમને જણાવી દઈએ કે છેલ્લે 2021માં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે ફરી ત્રણ વર્ષે ભાવવધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ સ્કૂલ વરધી એસોસિયેશન દ્વારા 3 વર્ષ બાદ વાન અને રીક્ષા ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. RTO દ્વારા સ્કૂલ-વાન અને રિક્ષાચાલકો સામે લાલ આંખ કરી કડકપણે નિયમોનું પાલન કરવા જાહેરાત કરતા અમદાવાદ સ્કૂલ વરધી એસોસિયેશનની બેઠક મળી હતી. જેમાં RTOના નિયમોને લઈને 50 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ રહ્યો છે,તેમ ચર્ચા થઇ હતી. જેને લઈને સ્કૂલ વરધી એસોસિયેશન દ્વારા સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે.

સ્કૂલ વરધી એસોસિયેશન સાથે અમદાવાદના 15 હજાર અને રાજ્યના 80 હજાર જેટલા વાન અને રિક્ષાચાલકો જોડાયેલા છે. તમને જણાવી દઈએ કે સ્કૂલ રિક્ષાના ભાડામાં એક કિલોમીટર દીઠ 100 રૂપિયા જયારે સ્કૂલ વાનના ભાડામાં 200 રૂપિયાનો વધારો કરાયો છે. જે પહેલા એક કિલોમીરના સ્કુલ રીક્ષા ભાડું 650 હતું જે વધીને 750 રૂપિયા થયું છે. જયારે સ્કુલ વાન ભાડું એક કિલોમીટર દીઠ 1000 રૂપિયા હતું તે હવે 1200 રૂપિયા થઇ ગયું છે.

દર ત્રણ વર્ષે સ્કૂલ વરધી એસોસિયેશન દ્વારા સ્કૂલ-વાન અને રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવે છે. ત્રણ વર્ષ દરમિયાન CNG, પેટ્રોલ, ડીઝલના ભાવમાં વધારો થાય છતાં સ્કૂલ-વાન અને રિક્ષાનાં ભાડાંમાં વધારો કરવામાં આવતો નથી. નવો ભાવવધારો આગામી શૈક્ષણિક સત્રથી લાગુ થશે.