AAPના સસ્પેન્ડ કરાયેલા કોર્પોરેટર રાજેશ મોરડિયાની હાલત ‘ના ઘરના ના ઘાટના’ જેવી… ભાજપ પણ નથી પૂછી રહ્યું ભાવ

Published on: 12:01 pm, Sun, 23 April 23

સુરત(Surat): આમ આદમી પાર્ટી (AAP)માં સતત કોર્પોરેટરો ભાજપ (BJP)નો કેસરિયો ધારણ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પોતાની જ પાર્ટી વિશે પ્રશ્નો ઊભા કરીને હવે ભાજપમાં જોડાઈ રહ્યા છે, હવે વાત એવી થઈ છે કે આ બધાને ભરમાવવા માટે આમ આદમી પાર્ટીનો જે કોર્પોરેટર કામે લાગ્યો હતો તે રાજેશ મોરડિયા(Rajesh Moradiya)ની સ્થિતિ અત્યંત દયનીય થઈ ગઈ છે. એક બાજુ આમ આદમી પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધા અને બીજી તરફ ભાજપ એમને હજી સુધી પોતાના પક્ષમાં જોડ્યા નથી.

રાજેશ મોરડીયાની ઓડિયો કલીપ વાયરલ:

મહત્વનું છે કે, પાર્ટીના કોર્પોરેટર રાજેશ મોરડિયાની કોઈ અજાણ્યા વ્યક્તિ સાથેની વાતચીત પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યુ હતુ કે, તેઓને ભાજપમાં લઈ જવા માટે સતત ફોન આવી રહ્યા છે અને આ અંગે તેમને અજાણ્યા વ્યક્તિને વાત કરી હતી અને અજાણ્યા વ્યક્તિએ પણ તેમને જબરજસ્ત શિખામણ આપી હતી. અજાણ્યા વ્યક્તિએ પણ ખેલ કરી લેવાની જણસી કાપતા હોય તે રીતે વાતો કરતા ઝડપાયા હતા અને આ ઓડિયો કલીપ વાયરલ થઇ હતી.

રાજેશ મોરડીયાએ જુઓ શું કહ્યું:

ત્યારે આ અંગે રાજેશ મોરડીયા જણાવતા કહ્યું હતું કે, હું કોઈપણ પ્રકારે પાર્ટીને નુકસાન નહોતો કરી રહ્યો તેમ છતાં પણ મને પાર્ટી દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, તેમાં હું કેટલા રૂપિયા માગવા બાબતની કોઈ વાત કરતો નથી અને મને હોદ્દો જોઈ છે એ પ્રકારની પણ વાત નથી કરી રહ્યો. હું કોઈ કોર્પોરેટરો સાથે મળીને તેમને ભ્રમિત કરી રહ્યો છું, એ પ્રકારની પણ કોઈ વાતનો ઉલ્લેખ કરાયો નથી. મને ખોટી રીતે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે માત્ર એક ઓડિયો ક્લિપના આધારે આ રીતે પગલાં લેવા યોગ્ય ન કહી શકાય.

AAPના વધેલા 14 નગરસેવક પાટીદાર:

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં AAPના હવે 14 નગરસેવક જ રહ્યા છે, જે તમામ પાટીદાર છે અને એ પણ પાટીદાર વિસ્તારના છે. એમાંથી 9 નગરસેવક મહિલા છે, જ્યારે 5 નગરસેવક પુરુષ છે. હાલ તો સુરતમાં ચર્ચા ચાલી રહી છે કે લોકસભા ચૂંટણી અગાઉ વધુ 10 જેટલા નગરસેવક AAPમાંથી ભાજપમાં જોડાઈ શકે છે. ત્યારે બીજી બાજુ AAP દ્વારા પણ સંઘર્ષ કરવાની વાત ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.