રાજ્યના ખેડૂતોને સહાય આપવા માટે આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં આપ્યા આવેદન- જાણો શું કરી માંગ

Published on Trishul News at 1:02 PM, Wed, 1 September 2021

Last modified on September 1st, 2021 at 1:19 PM

આગામી સમયમાં ગુજરાત રાજ્યમાં વર્ષ 2022 વિધાનસભાની ચુંટણી યોજાવાની છે. જેને લઈને અત્યારથી જ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખુબ જ મોટા મોટા દવાઓ કરી રહી છે અને દિલ્હીના કેજરીવાલની નજર પણ ગુજરાત રાજ્યની વિધાનસભાની ચુંટણી પર છે.

અલગ અલગ જીલ્લા, તાલુકા અને શહેરના લોકો અને સાથે સામાજિક અગ્રણીઓ તથા અન્ય રાજકીય પક્ષના નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. લોકો હવે સરકારથી કંટાળીને લોકો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાય રહ્યા છે. જેને લીધે આમ આદમી પાર્ટી ખુબ જ મજબુત બનીને આગળ વધી રહી છે. આગામી સમયમાં પણ કેટલાય લોકો આમ આદમી પાર્ટીમાં જોડાશે તેવું આમ આદમી પાર્ટીની લોકપ્રિયતા જોઇને લાગી રહ્યું છે.

ત્યારે હવે આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતને લઈને આગળ આવી છે. આમ આદમી પાર્ટી કહી રહી છે કે, ગુજરાતના ખેડૂતોની સ્થિતિ આ વર્ષે ખુબ કફોડી છે. પહેલા તૌક તે વાવાઝોડાએ વિનાશ વેર્યો, હવે વરસાદ પણ હાથ-તાળી દઈ રહ્યો છે. મોટાભાગના ડેમ અને તળાવો ખાલીખમ્મ થઇ ગયા છે. પથરાળ વિસ્તારોમાં વાવાઝોડાના માવઠા અને આગોતરા વરસાદે જે તળ વધ્યા હતા એ હવે છેડે આવી ગયા છે. એકધારા વાદળછાયા વાતાવરણને કારણે જીવાતના ઉપદ્રવે દવા ખર્ચમાં વધારો કર્યો, મોંઘા ભાવના ડીઝલ બાળ્યા પછી હવે પાક મરી પરવાર્યો છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની વેબસાઈટ પર આંકડા કહે છે કે, જૂન-જુલાઈ-27 ઓગસ્ટ સુધીની – જિલ્લાવાર વરસાદની ટકાવારી ખુબ ચિંતાજનક છે. આંકડાઓ અનુસાર ગુજરાતના 5 વિસ્તારોમાં 27 ઓગસ્ટ સુધીમાં કચ્છમાં સરેરાશ 31.74 %, ઉત્તર ગુજરાતમાં 31.98%, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 37.93%, સૌરાષ્ટ્રમાં 37.05% અને દક્ષિણ ગુજરાતમાં 51.31% વરસાદ થયો છે. એટલે કે કચ્છમાં 68.26%, ઉત્તર ગુજરાતમાં 68.02 %,પૂર્વ-મધ્ય ગુજરાતમાં 62.07 %, સૌરાષ્ટ્રમાં 62.95 % અને દક્ષિણ ગુજરાતમાં 68.69 % વરસાદની ઘટ છે. આખા ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 41.71% છે એટલે રાજ્યમાં વરસાદની 30 વરસની સરેરાશ સામે આ વર્ષે વરસાદની 58.29 %ની ઘટ છે.

આમ આદમી પાર્ટી-ગુજરાતની સરકાર પાસે સાફ માંગણી છે કે, સરકાર પાસે હાલ જે યોજનાઓ છે તેનો વખતસર અમલ શરુ કરે, લોકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી જરૂર પડે તો નવી યોજનાઓ બનાવી તાત્કાલિક અમલ શરૂ કરે. આમ આદમી પાર્ટીએ સરકાર પાસેથી અમુક મુદ્દાઓને લઈને માંગણી કરી છે.

એસડીઆરએફ હેઠળ ખેડૂતોના ખેતરે ખેતરે સર્વે કરાવીને હેક્ટરદીઠ રોકડ રકમ ચૂકવવી, રકમમાં ભાવવધારાને ધ્યાને રાખી વધારો કરવો જરૂરી છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ એસડીઆરએફના ધોરણે જ સર્વે કરી જે જે ખેડૂતોને નુકશાન થયું હોય એ પ્રમાણે ભાવવધારાને ધ્યાનમાં રાખી વળતર ચૂકવવું. ગામ માટે પીવાના પાણીની વ્યવસ્થા નિશ્ચિત કરવી, ગામનું કોઈ પરિવાર રાશનકાર્ડ ના ધરાવતું હોય છતાં જો સસ્તા અનાજની દુકાનેથી અનાજ ખરીદવા માગતું હોય તો તમામ માટે પૂરતા અનાજની જોગવાઈ કરવી, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી, જરૂરિયાત મંદો માટે તરત જ રાહતકામો શરૂ કરવા જોઈએ.

સાથે વધુમાં જણાવતા આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે, જો પાછોતરો વરસાદ પૂરતો ના થાય તો પીવાના પાણીના અંતરિયાળ ગામોમો ગંભીર પ્રશ્નો ઉભા થાય તેવી સ્થિતિ છે ત્યારે સરકાર વખતસર પગલાં ભરે તે જરૂરી છે. આશા છે કે સરકાર આ બાબતમાં ત્વરિત ઘટતાં પગલાં ભરશે અન્યથા લોકહિતને ધ્યાને રાખી, ના છૂટકે, આમ આદમી પાર્ટી (ગુજરાત) સરકાર સામે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો હાથ ધરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "રાજ્યના ખેડૂતોને સહાય આપવા માટે આમ આદમી પાર્ટીએ રાજ્યભરમાં આપ્યા આવેદન- જાણો શું કરી માંગ"

Leave a comment

Your email address will not be published.


*