ચાલુ વરસાદે એકટીવા ચાલક પોલીસકર્મી પર વૃક્ષ પડતા નીપજ્યું મોત, પરિવારના હૈયાફાટ રુદનથી છવાયો સન્નાટો

Published on: 3:16 pm, Fri, 24 June 22

વડોદરા(ગુજરાત): હાલ સમગ્ર રાજ્યમાં વરસાદની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે એવા અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે જેમાં વીજળી પડવાથી અથવા તો વૃક્ષો પડવાથી ઘણા લોકોના મોત નીપજતા હોય છે. ત્યારે વડોદરા(Vadodara)માં સાંજના સમયે ભારે પવન સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો હતો. આ દરમિયાન શહેરના અજબડી મીલ(Ajabadi mile) પાસેથી એક્ટીવા(Activa) ઉપર પસાર થઈ રહેલા પોલીસ જવાન ઉપર ઝાડ પડતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા. બાદમાં એક્ટિવા સવાર ઉપર ઝાડ પડતા ફાયરબ્રિગેડ(Fire brigade)ની મદદ લેવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, આજે સાંજે છ વાગ્યાના અરસામાં શહેરમાં ભારે વંટોળ સાથે કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શરૂઆત થઇ હતી. આ સમયે અજબડી મીલ રોડ ઉપરથી એકટીવા ઉપર પસાર થઈ રહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ ગોરધનભાઈ રાજપૂત ઉપર ઝાડ પડતાં માથામાં ગંભીર ઇજા પહોચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

કડાકા સાથે એકટીવા ઉપર ઝાડ પડતાની સાથે જ સ્થાનિક લોકો તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા. પરંતુ, ઝાડનું થડ વજનદાર હોવાના કારણે સ્થાનિક લોકો ઉઠાવી શકે તેમ ન હોવાથી ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા અને એક્ટીવા ઉપરથી ઝાડને દૂર કરી લોહીલુહાણ થઇ ગયેલા પોલીસ જવાન અમરસિંહ રાજપૂતને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે પાણીગેટ પોલીસ સહિત શહેર પોલીસતંત્રમાં જાણ થતાં પોલીસ તંત્રમાં પણ શોકનો માહોલ છવાયો હતો. તો બીજી તરફ આ બનાવ અંગેની જાણ અમરસિંહના પરિવારજનોને કરવામાં આવતા તેઓ પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં પરિવારજનોના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. મળતી માહિતી મુજબ, હાલ  આ બનાવ અંગે સ્થાનિક પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.