વકીલાત ના દમ પર તબીબ પાસે તોડબાજી કરતા હાઇકોર્ટ નો વકીલ ભેરવાયો

Published on: 1:54 pm, Wed, 13 March 19

તમે પ્રાઇવેટ પ્રેકટીસ કરો છો, તો તમારે મને સમાધાન માટે પાંચ લાખ રૂપિયા આપવા પડશે નહીં તો તમારી કેરિયર ખતમ કરી નાંખીશ. શહેરની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા ડૉકટરને ધમકાવીને રૂપિયા પડાવવાની કોશિશ કરવાના ગુનામાં એડવોકેટ અને હ્યુમન રાઇટ એકટીવીસ્ટ કે.ડી.સેલડીયા અને તેના બે મિત્રો મળીને પોલીસે ત્રણની ધરપકડ કરી હતી.

ચોક બજાર પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ સુરતના રીંગરોડ વિસ્તારમાં આવેલી હોસ્પિટલના હેલ્થ સેન્ટરમાં ફરજ બજવતા મહિલા ડૉકટરને એડવોકેટ અને હ્યુમન રાઇટ એકટીવીસ્ટ તરીકે ઓળખ આપીને કે.ડી. શેલડીયા (રહે. લલીતાપાર્ક સો. આંબા તલાવડી કતારગામ)એ ડૉકટરને ધમકીભર્યા સ્વરમાં જણાવ્યુ હતુ કે, તમે પ્રાઇવેટ પ્રેકટીસ કરો છો, તો તમારે મને પાંચ લાખ રૃપિયા આપવા પડશે.

પાંચ લાખ રૂપિયા નહીં આપો તો તમારી કેરિયર ખતમ કરી નાંખીશ. મીડિયામાં તમારી વિગત આપી તમને પેપરના પાને ચડાવી તમારી આબરૃ ના ધજાગરા ઉડાડી નાંખીશ. તેમજ ડૉકટરના પતિને પણ જાનથી મારવાની ધમકી આપી હતી.

મહિલા ડૉકટર જે હેલ્થ સેન્ટરમાં ફરજ બજાવતા હતા,ત્યાં કે.ડી.સેલડીયાએ તેના બે માણસો મનિષ દેવરાજ ભુવા (રહે.સોનલપાર્ક સો.કતારગામ) તથા સંજય અમૃત પરમાર (રહે.સરીતા પાર્ક સો.કતારગામ) મોકલ્યા હતા. અને બળજબરીથી રૃપિયા પાંચ લાખ કઢાવવાની કોશિશ કરતા મહિલા મહિલા ડૉકટરે આખરે ચોકબજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કે.ડી.સેલડીયા અને તેના બન્ને માણસોની ધરપકડ કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ જ કે ડી શેલાડિયા એક સમયે પાટીદાર અનામત આંદોલન ચલાવવામાં હાર્દિક પટેલની સાથે રહી ચુક્યા છે. અને તે સમયે પણ તેઓ પર આંદોલનના નામે રૂપિયાની ઉચાપતના આરોપ લાગી ચુક્યા છે.