બપોર સુધીમાં જ 8 લાશો સ્મશાનમાં પહોંચતા હૈયાફાટ રૂદનની ચીસોથી ધ્રુજી ઊઠી સિવિલ હોસ્પિટલની દીવાલો

Published on: 4:46 pm, Wed, 7 April 21

હાલમાં સમગ્ર રાજ્યમાં જયારે કોરોનાનો કહેર સતત વકરતો જઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં આવેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ફરી એકવખત કોરોના કબ્રસ્તાન બની છે. હોસ્પિટલમાં દર્દીઓના ટપોટપ મોતનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે. છેલ્લા માત્ર 4 દિવસમાં 30થી વધારે કોવિડ ડેડબોડી સ્મશાનમાં ગઈ છે.

મંગળવારનાં રોજ પણ કોવિડ ડેડબોડી વિભાગ પાસે ખોફનાક દ્રશ્યો જોવા મળ્યા હતા.સવારથી લઈને બપોર સુધીમાં 8 જેટલી લાશો સ્મશાન ગૃહમાં પહોંચી હતી. આટલું જ નહિ પણ લાશ જે રૂમમાં રાખવામાં આવે છે ત્યાં મૃતકના સંબંધિઓ આવ્યા હતા.

આની સાથે જ એમણે એવો ચિતાર રજૂ કર્યો હતો કે, હજુ અંદર 12 જેટલી ડેડબોડી પડી છે, જેને સ્મશાન ગૃહમાં મોકલવામાં આવશે. મંગળવારનાં રોજ 20 જેટલી લાશો સ્મશાનમાં પહોંચી હતી. છેલ્લા 5 જ દિવસમાં 50થી વધારે લાશો સિવિલમાંથી સ્મશાન ગૃહમાં પહોંચી છે.

આની સાથે જ અંતિમ વિધિ કોવિડ ગાઈડ લાઈન મુજબ કરવામાં આવી છે. જયારે મોતનો આંકડો જે સામે આવી રહ્યો છે કે, તે હજુ ખુબ ઓછો છે, સાચો આંકડો આનાથી વધારે હોઈ શકે છે. નફ્ફટ સરકારી તંત્ર આનાં વિશે ફોડ પાડવા તૈયાર નથી.

ડેડબોડી વિભાગ નજીક મૃતકોના સગાઓની ભીડ એકત્ર થઈ હતી, મૃતકોના સગાઓના કાળજું કંપાવે એટલી હદે હૈયાફાટ રૂદનના દ્રશ્યો, ચીસોથી આજુબાજુનો માહોલ ગમગીન બન્યો હતો જયારે સ્વજનોને દૂરથી જ મૃતકનું મોં બતાવાય છે. ત્યારપછી પરિવારજનોને PPE કિટ પહેરાવીને એમ્બ્યુલન્સમાં બેસાડાય છે.

સિવિલમાં હાલમાં જે મોત થઈ રહ્યા છે એમાં કો-મોર્બિડ તથા જૈફ વયના વધારે લોકો છે, મોટે ભાગે મોડી રાતના સમયે મોત વધારે થઈ રહ્યા છે. તબીબો તથા અધિકારીઓની એક ટીમ ડેડબોડી ઝોનમાં પહોંચી હતી. ડેડબોડી વિભાગ પાસે મૃતકના સંબંધિઓએ હોબાળો મચાવ્યો હતો.

શાહપુરમાં રહેતાં 71 વર્ષનાં મંગુભાઈ પરમારને સિવિલમાં લઈ જવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ હોસ્પિટલ સુધી પહોંચે એની પહેલાં જ તેમના સગાનું મોત નીપજ્યું હતું. જો કે, ડેડબોડી આપવાનો ઈન્કાર કર્યો હતો તેમજ કોરોના છે કે કેમ એ ચકાસ્યા પછી જ ડેડબોડી આપવામાં આવશે.

ત્યારપછી આ પરિવારને ડેડબોડી માટે રાહ જોવી પડી હતી. સૂત્રોનું જણાવવું છે કે, સિવિલમાં હજુ સ્ટાફમાં વધારો કરવાની જરૂરિયાત રહેલી છે કે જે, દર્દીઓની સંખ્યા સામે સ્ટાફ ખુબ ઓછો છે, બાકી ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ લોકોના જીવ બચાવવા માટે રાત-દિન કામ કરી રહ્યા છે.

RTPCR ટેસ્ટ રિપોર્ટમાં વિલંબથી દર્દીના સગાં હેરાન:
સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં કોવિડ શંકાસ્પદ દર્દીઓના RTPCR રિપોર્ટમાં ખુબ વિલંબ થઈ રહ્યો છે, જેને કારણે ધોળકાના 66 વર્ષનાં દર્દી રામસંગભાઈ મકવાણાના પરિવારજનો ખુબ ચિંતાતુર બન્યાં હતા. આ વૃદ્ધ દર્દીને 4 એપ્રિલનાં રોજ દાખલ કરવામાં આવ્યા હતા.

જો કે, દાખલ થયાના ત્રીજા જ દિવસે બપોર સુધી રિપોર્ટ માટે ધક્કા ખાવા પડ્યા હતા. જો કે, સાંજે રિપોર્ટ નેગેટિવ આવતાં રજા આપ્યા પછી પરિવારને હાશકારો અનુભવાયો હતો. બાકી આ પરિવારે ખાનગીમાં RTPCR રિપોર્ટ કરાવ્યો હતો જે રિપોર્ટ બીજા દિવસે જ એટલે કે 5 એપ્રિલે આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.