યોગીની રેલી કરતા તો અલ્પેશ કથીરિયાના ડોર-ટુ-ડોર પ્રચારમાં વધુ લોકો હોય છે: આમ આદમી પાર્ટી

Published on: 10:26 am, Thu, 24 November 22

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022) જંગમાં ભાજપનો પ્રચાર કરવા માટે આવેલા યુપી(UP)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath) બુધવારેના રોજ વરાછા(Varachha) વિસ્તારમાં લગભગ 8 કિમીનો રોડ શો કર્યો હતો. આ રોડ શોને લઈ મોડી રાતે વરાછામાં જ આમ આદમી પાર્ટી(AAP)ના ઉમેદવાર અલ્પેશ કથીરિયા(Alpesh Kathiriya)ની એક જનસભા યોજાઈ હતી.

મહત્વનું છે કે, આ જન સભામાં સ્થાનિક નગરસેવક ધર્મેન્દ્ર વાવલીયાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, આ રોડ શો યોજવા પાછળ ભાજપે કરોડો રૂપિયાનું આંધણ તો કરી નાંખ્યું, પણ આના કરતા વધારે લોકો તો અલ્પેશ કથીરિયાના ડોર ટુ ડોર સંપર્કમાં જાય છે ત્યારે હોય છે. વધુમાં તેણે કહ્યું કે, ભાજપના રોડ શોમાં 29 જણા ટુ વ્હીલરવાળા અને 125 લોકો હતા અને બાકી 35 જેટલી ફોર વ્હીલર હતી. રોડ શો સાંજે 4:00 વાગ્યાની જાહેરાત હતી ને 7.45 વાગ્યા તો પણ એટલા ને એટલા જ લોકો હતા. રોડ શો દરમિયાન 29 જણાનો 30મો ન થયો. આખરે ના છૂટકે 8 વાગ્યે રેલી કાઢવી પડી હતી.

વધુમાં ઉમેરતા કહ્યું હતું કે, પાલિકાની ચૂંટણીમાં આપના કોર્પોરેટરોને માત્ર એક લાખ રૂપિયા સુધીનો ખર્ચ થયો હતો. જ્યારે ભાજપના કોર્પોરેટરોએ માત્ર ટિકિટ લેવા માટે જ 25-25 લાખ રૂપિયા આપવા પડ્યા હતા અને કોંગ્રેસવાળાનો 20 લાખ રૂપિયાનો ભાવ ચાલી રહ્યો હતો.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.