અલ્પેશ ઠાકોરે ઠાકોર સમાજના પરિવારો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવીને તે પાછા નથી આપ્યા:

કોંગ્રેસના તમામ હોદ્દા પરથી એકાએક રાજીનામા આપી દઈને અલ્પેશ ઠાકોર એવા આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસમાં પૈસાથી ટિકિટ વેચવામાં આવે છે. કોંગ્રેસે મને માત્ર વિશ્વાસઘાત જ આપ્યો છે. કોંગ્રેસે મારું કે મારા સમાજનું કોઈ જાતનું સન્માન કર્યું નથી. મારા સમાજનું પણ અપમાન કર્યું છે.

iAds

ત્યારબાદ તેઓએ ભાજપમાં જોડાવા અંગેની પણ ના પાડી હતી. જોકે સૂત્રો જણાવે છે કે ભાજપની યોજના મુજબ અને અલ્પેશ ઠાકોરે કરેલા સેટિંગ મુજબ લોકસભાની ચૂંટણી સુધી અલ્પેશ ઠાકોર અને અન્ય બે ધારાસભ્યો ધવલસિંહ ઝાલા અને ભરત ઠાકોર કોંગ્રેસ વિરોધી પ્રવૃત્તિ કરશે તેમજ ભાજપની બી ટીમ તરીકે કામ કરશે. અલ્પેશ ઠાકોરના આ વલણને લઇને ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજમાં ભારે આક્રોશ ફેલાયો છે.

ચાણસ્મા અને પાટણમાં ઠાકોર સમાજના આગેવાનો અને નાગરિકો ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરે સમાજના નામે પોતાના રાજકીય રોટલા શેકી લીધા છે. ક્યારેય રાજકારણમાં નહીં જવાનું વચન આપનાર અલ્પેશ ઠાકોર પાછલા બારણેથી કોંગ્રેસના ધારાસભ્ય પણ બની ગયો હતો, પરંતુ હવે જરૂરિયાતના સમયે જ અલ્પેશ ઠાકોરે કોંગ્રેસને દગો આપ્યો છે.

ઠાકોર સમાજમાં દારૂની બદીને ડામવાની વાતો કરી હતી તેમજ રોજગારી આપવાનું વચન આપ્યું હતું. જેના માટે દરેકના કાર્ડ બનાવી તેના પેટે સો-સો રૂપિયા ઉઘરાવ્યા હતા. આ રીતે કરોડો રૂપિયા ઉઘરાવી લીધા છે પરંતુ તેનો હિસાબ અલ્પેશ ઠાકોરે આપ્યો નથી અને નાણાનું ચીટીંગ કરી લીધું છે. સમાજને ગેરમાર્ગે દોરી સમાજના ભાગલા પાડી દીધા છે. પોતાના સ્વાર્થ માટે સમાજના નામનો ખૂબ જ ખરાબ રીતે દુરુપયોગ કર્યો છે.

સમાજના છોકરાઓ પાસેથી કે મહિલાઓ પાસેથી ઉઘરાવેલા નાણાં અલ્પેશ ઠાકોરે પાછા આપ્યા નથી. રાજકારણમાં નહીં જવાના સોગંદ લીધા હતા. પરંતુ અલ્પેશ ઠાકોર પોતાના સ્વાર્થને કારણે પહેલા સમાજમાં અને હવે રાજકારણમાં પણ સાવ નિષ્ફળ ગયો છે.સમાજને હાથો બનાવીને અલ્પેશ ઠાકોર ભાગલા પડાવવા નીકળી પડ્યો છે.

ઠાકોર એકતા સમિતિના હોદ્દેદારો આક્ષેપ કરે છે કે સમાજના ભાગલા પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા અલ્પેશ ઠાકોરની કોઈ વાત અમે હવે માનવાના નથી અને અમે ભાજપને પણ કોઈપણ રીતે સપોર્ટ નહીં કરીએ પરંતુ કોંગ્રેસને જ સમર્થન આપીએ છીએ. હવે પછીના અલ્પેશ ઠાકોરના કોઈ પણ કાર્યક્રમમાં અમે ભાગ લેવા જઈશું નહીં.

ઠાકોરસેનાને અન્યાય થઇ રહ્યો છે તેવુ બહાનુ ધરીને અલ્પેશ ઠાકોરે રાજીનામુ ધરી કોંગ્રેસ પર આક્ષેપો કર્યા હતાંકે,ટિકિટ વેચાય છે. અલ્પેશ ઠાકોરની સાથેે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા અને બહેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ બગાવતના સૂર સાથે ટેકો આપ્યો છે જેથી આ બંન્ને ધારાસભ્યો પર હવે સસ્પેન્શનની તલવાર લટકી રહી છે.

સૂત્રોના મતે, સોમવારે હાઇકોર્ટમાં કોંગ્રેસની લિગલ ટીમ અલ્પેશ ઠાકોરનુ ધારાસભ્યપદ રદ કરવા પિટીશન કરી શકે છે. લિગલ ટીમે ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. અલ્પેશ ઠાકોરે બનાસકાંઠામાં કોંગ્રેસના વિરોધમાં કરેલા પ્રચાર કર્યો હતો જેના પુરાવા પણ એકઠાં કરાયાં છે. આ ઉપરાંત ગાંધીનગરમાં વિધાનસભા અધ્યક્ષને મળીને ધારાસભ્યપદ રદ કરવા રજૂઆત કરાશે .

કોંગ્રેસ હાઇકમાન્ડે આ ત્રણેય ધારાસભ્યો સામે પક્ષવિરોધી પ્રવૃતિ કરવા બદલ પગલાં લેવા લીલીઝંડી આપી દીધી છે. કોંગ્રેસમાંથી પ્રાથમિક સભ્યપદેથી હકાલપટ્ટી કરવા તૈયારીઓ કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ મંજૂરી આપી છે. આમ, લોકસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસે પક્ષવિરોધી કરનારાં ધારાસભ્યો સામે કડક વલણ દાખવવા નક્કી કર્યુ છે.

Trishul News