તારાપુર રેલ્વેસ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરવા જતા વૃદ્ધનું કપાઈ જતા નીપજ્યું કમકમાટી ભર્યું મોત

Published on: 2:46 pm, Wed, 13 October 21

તારાપુર(ગુજરાત): આજકાલ વધી રહેલા અકસ્માતના બનાવો દરમિયાન ફરીવાર એક અકસ્માત(Accident)નો બનાવ સામે આવ્યો છે. જેમાં તારાપુર(Tarapur) રેલવે સ્ટેશન(Railway station) પર ચાલુ ટ્રેન(Train)માંથી ઉતરવા જતાં આકસ્મિક રીતે પટકાયેલા વૃદ્ધનું ટ્રેન નીચે કપાઇ જતાં મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ વુદ્ધ પેટલાદ(Petlad)નો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે પોલીસ(Police) દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણવા મળ્યું છે કે, તારાપુર રેલવે સ્ટેશન પર સવારે 8:30 કલાકના અરસામાં આણંદથી ખંભાત જતી ટ્રેનમાં પેટલાદના ટાવર નજીક ઘંટીની બાજુમાં રહેતા બાબુભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા(ઉ.વ.65) આરસાના તારાપુર સરકારી દવાખાને દવા લેવા આવ્યાં હતાં. આ દરમિયાન, તેઓ ટ્રેનમાં તારાપુર રેલવે-સ્ટેશન આવી પહોંચતાં પ્લેટફોર્મ પર ઉતરતી વખતે આકસ્મિક રીતે નીચે પાટા પર પડી જતા ટ્રેનની નીચે આવી ગયાં હતાં.

જેથી બાબુભાઇ મકવાણા કમરના ભાગેથી કપાઈ ગયાં હતાં અને સ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું. આ અંગે કોઈએ રેલવે પોલીસને જાણ કરતા પેટલાદ રેલવે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોચી હતી અને મૃતકનો કબજો મેળવીને પરીવાર જનોને જાણ કરવામાં આવતાં પરિવારજનો પણ સ્થળે આવી પહોંચ્યાં હતાં. આ અંગે પેટલાદ રેલવે પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.