અનંત ચતુર્દશીઃ ગણેશ પૂજન અને પ્રતિમાના વિસર્જનના આ છે શુભ મૂહૂર્ત, જાણો ઘરે વિસર્જન કરવાની રીત

Published on: 11:47 am, Sun, 19 September 21

આપડે ગણેશજીની ધૂમધામથી ઉજવણી કરી રહ્યા હતા, તે દરમિયાન આજે ગણેશજીનો છેલ્લો દિવસ હોવાથી પ્રતિમાના વિસર્જનના શુભ મૂહૂર્ત જોઇને બાપાનું વિસર્જન કરવામાં આવે છે. ત્યારે આ અંગે જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા મુજબ, રવિવારે એટલે કે આજે ગણેશ પ્રતિમાના વિસર્જન કરવા માટે 3 શુભ મૂહૂર્ત છે.

વિસર્જનના શુભ મૂહૂર્ત:
સવારે – 9થી 12 વાગ્યા સુધી
બપોરે – 1.30થી 3 વાગ્યા સુધી
સાંજે – 6 વાગ્યાથી સૂર્યાસ્ત સુધી

મહત્વનું છે કે, તમે સૂર્યાસ્ત પહેલા ગણેશજીને વિસર્જિત કરો. જો સૂર્યાસ્ત સુધી પ્રતિમા વિસર્જિત ન થાય તો તેને બીજા દિવસે વિસર્જિત કરો. વિસર્જન પહેલા ગણેશજીનું વિધિવત પૂજન કરવું મહત્વનું છે.

પૂજન માટે જરૂરી વસ્તુઓ:
તાંબાનો લોટો, ગંગાજળ, પંચામૃત, મૌલી, વસ્ત્ર, ચંદન, ચોખા, જનોઈ, અબીલ, ગુલાલ, કંકુ, અષ્ટગંધા, હળદર, મહેંદી, અત્તર, હાર- ફૂલ, દુર્વા, ઘીનો દીવો, ધૂપ બત્તી, સિઝનલ ફ્રૂટ, ગોળ, મોદક, લાડુ કે કોઈ મિઠાઈ, ડ્રાયફ્રૂટ્સ, પાન, લવિંગ – એલચી.

ગણેશજીની પૂજા કરો આ રીતે:
અનંત ચતુર્દશીના દિવસે સ્નાન કરીને ઘરના મંદિરમાં ગણેશજીની સામે પૂજા કરવાનો સંકલ્પ કરો. સંકલ્પ બાદ ભગવાન ગણેશને ગંગાજળ ચઢાવો. જનોઈ પહેરાવો અને વસ્ત્ર, લાલ દોરો અર્પણ કરો. અબીલ, ગુલાલ અને કંકુની સાથે ચંદન, સિંદુર, અત્તર, ફળ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો. ગણેશ મંત્ર શ્રી ગણેશાય નમઃ બોલવાની સાથે દુર્વાની 21 ગાંઠને ભગવાનને ચઢાવો. મોદક, લાડુ અને અન્ય મિઠાઈનો ભોગ લગાવો. કપૂર સળગાવો. દીવો અને અગરબત્તી કરીને ભગવાનની આરતી કરો.

ભગવાની પૂજામાં ગણેશ ઉત્સવમાં અજાણતા થયેલી ભૂલો માટે માફી માંગો અને પૂજા બાદ પ્રસાદ વહેચો. જળમાં દરેક તીર્થના અને પવિત્ર નદીના આહ્વાહન કરો. તેમાં ફૂલ, ચોખા, કંકુ ઉમેરો. ત્યારબાદ ગણેશજીનો મંત્ર બોલવાની સાથે ગણેશજીની પ્રતિમાને જળમાં વિસર્જિત કરો. પાણીમાં માટીની પ્રતિમા ઓગળી જાય તો તે માટી ઘરના કુંડામાં ભેળવી લો, તેમાં કોઈ પણ છોડ લગાવી શકો છો. અનંત ચતુર્દશીએ જરૂરિયાત વાળા લોકોને ધન અને ભોજનનું દાન કરો. આ પછી સ્વયં ભોજન ગ્રહણ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.