ભાજપના વળતા પાણીના એંધાણ, રામ મંદિરનો મુદ્દો કામ ન લાગ્યો- કાશી, અયોધ્યા, મથુરામાં કારમી હાર

Published on: 11:16 am, Tue, 4 May 21

હિરેન જોષી: ઉત્તર પ્રદેશ પંચાયતની ચૂંટણીમાં ભાજપને હળવો ઝટકો લાગ્યો છે. બંગાળની કળ હજુ વળી નથી ત્યાં ભાજપને બીજો ઝટકો લાગ્યો છે.અયોધ્યા,કાશી અને મથુરા સહિતના પ્રમુખ શહેરોની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે સમાજવાદી પક્ષ સામે હારનો સામનો કરવો પડ્યો છે. યોગી સરકારે પાછલા ચાર વર્ષોથી જે શહેરોને પોતાના પ્રમુખ એજન્ડામાં શામેલ કર્યા છે ત્યાં આવી હાર થતા સ્વાભાવિક છે કે ભાજપ અને યોગી સરકારના મિશન યુપી ૨૦૨૨ માં અડચણ ઉભી કરશે.

ભારત ગામડાઓમાં વહેંચાયેલો દેશ છે. ભારતમાં ગામડાઓમાં જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણીઓ જ બહુધા ક્યા પક્ષનું પલડું ભારી રહેશે એ નક્કી કરતી હોય છે. ઉત્તર પ્રદેશમાં પણ મોટાભાગે ગ્રામ્ય વસતી જ વધુ છે અને જયારે ઉત્તરપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી આડે આઠ-દસ મહિનાની વાર હોય ત્યારે આ પંચાયતની ચૂંટણીઓ સત્તા મેળવવાની સેમિફાઇનલ મેચ સમાન ગણવામાં આવતી હોય છે. યુપી જિલ્લા પંચાયતની ચૂંટણીઓએ યોગી સરકારની ઊંઘ ઉડાડીને રાખી દીધી છે, જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં સમાજવાદી પક્ષ એક મોટી તાકાત બનીને ઉભરેલ છે.

વડાપ્રધાન મોદીના સંસદીય ક્ષેત્ર કાશીમાં ભાજપ વેન્ટીલેન્ટર ઉપર છે, જિલ્લા પંચાયતની 40 સિટમાંથી માત્ર 8 સિટ ભાજપ જીતી શક્યું છે. સમાજવાદી પક્ષને 13 અને બસપાને 5 સીટ ઉપર જીત મળી છે. આમ આદમી પાર્ટી અને સોહેલદેવ ભાસપાને 1-1 સીટ જીતવામાં સફળતા મળી છે. ૨૦૧૫માં કાશી પંચાયત ચૂંટણીઓમાં ભાજપ હાર્યું જ હતું, પરંતુ યોગી સરકાર બન્યા બાદ સપા પાસેથી ભાજપે જિલ્લા પંચાયત જીતવામાં સફળતા મેળવી હતી.

યોગી સરકારે જ્યાં બધી જ સરકારી મશીનરી સહિત પોતાના એજન્ડાનું પ્રમુખ સ્થાન બનાવ્યું એ અયોધ્યામા 40 સિટ પૈકી 24 સીટો ઉપર સમાજવાદી પક્ષને વિજયનો સ્વાદ ચાખવા મળ્યો છે. ભાજપને માત્ર 6 સીટથી સંતોષ માનવો પડ્યો છે. ભાજપના સૂત્રોનું માનીએ તો ભાજપમાંથી જ અસંતુષ્ટ થઈને ભાજપ સામે જ અપક્ષ ઉભા રહીને લડેલા 13 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા હતા, તે પૈકી 12 ઉમેદવારો જીતી પણ ગયા છે. હવે અયોધ્યા જિલ્લા પંચાયતમાં અધ્યક્ષની ખુરશી માટે ભાજપ અને સપા વચ્ચે કસોકસનો જંગ છે.

ભગવાન કૃષ્ણની નગરી એવા મથુરામાં પણ ભાજપને હારનો સામનો કરવો પડ્યો છે. મથુરામાં બહુજન સમાજ પક્ષ(બસપા)એ બાજી મારી લીધી છે. બસપાના 12 ઉમેદવારોને મથુરા જિલ્લા પંચાયતમાં જીત મળેલ છે, બીજા નંબરે આરએલડીના 8 ઉમેદવારો જીત્યા છે. બીજેપીના 9 અને સપાનો 1 ઉમેદવાર જીતેલ છે. મથુરામાં ભાજપની હાર ખેડૂતોની નારાજગીના કારણે થઈ તેવું માનવામાં આવી રહ્યું છે.

મહત્વનું છે કે જ્યારથી યોગી સરકાર બની છે ત્યારથી અયોધ્યા, કાશી અને મથુરા આ ત્રણેય શહેરો ભાજપના માત્ર યુપીના જ નહીં, રાષ્ટ્રીય એજન્ડામાં પણ શામેલ છે. ભાજપ આ ત્રણેય શહેરોના નામે રાજકારણ આખાય દેશમાં કરી રહ્યું છે, રામ મંદિર હોય કે કૃષ્ણ ભૂમિ મથુરા હોય કે વડાપ્રધાનનું કાશી વિશ્વનાથ મંદિરમાં કેમેરામેનના ટોળાઓ સાથે પૂજા કરવા જવું! ભાજપને આ ત્રણેય શહેરોના જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં મળેલ હાર આવનારા દિવસોમાં યુપીના રાજકારણમાં મોટી ફેરદખલ થઈ શકે તેવો ઈશારો કરી દીધો છે. બીજી બાજુ, સમાજવાદી પક્ષ સતત ભાજપને પંચાયત ચૂંટણીઓમાં હાર આપતી રહી છે અને મથુરામાં બસપાનું નંબર વન પાર્ટી બનવું એ દર્શાવે છે કે માયાવતીને હજી યુપીના રાજકારણમાંથી ઇગ્નોર ન કરી શકાય.