ભાજપ આવતીકાલે કરશે વિધાનસભા ચૂંટણી પહેલાની આ સૌથી મોટી જાહેરાત

Published on: 12:59 pm, Fri, 25 November 22

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણી(Gujarat Election 2022) પૂર્વે ભાજપ દ્વારા લોકો પાસે અભિપ્રાય મેળવીને પોતાનું ‘સંકલ્પ પત્ર’ એટલે કે ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી નાખ્યું છે. જો વાત કરવામાં આવે તો આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ(CR Patil) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા(JP Nadda), કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલા(Parshotam Rupala), મનસુખ માંડવીયા(Mansukh Mandaviya) પણ ઉપસ્થિત રહી શકે છે.

‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન કરવામાં આવ્યું હતું લૉન્ચ:
હકીકતમાં ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા 05 નવેમ્બરના રોજ ‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 15 નવેમ્બર સુધી ગુજરાતની જનતા પાસે ભાજપ દ્વારા સૂચનો માંગવામાં આવ્યા હતા. આ માટે ખાસ સૂચન પેટી અનેક જગ્યાએ મૂકવામાં આવી હતી. તેમજ એક ફોન નંબર 78781 82182 અને ખાસ વેબસાઈટ www.agresargujarat.com પણ લોન્ચ કરવામાં આવી હતી. જેથી લોકો પોતાના સૂચનો આપી શકે અને જેના કારણે ભાજપ વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરી શકે.

લોકો પાસેથી લેવામાં આવ્યા હતા સૂચનો:
‘અગ્રેસર ગુજરાત’ કેમ્પેન લૉન્ચ કર્યા બાદ સી.આર.પાટીલે જણાવતા કહ્યું કે, ‘પ્રજાના સૂચનો એ ભાજપનો સંકલ્પ રહ્યો છે અને એટલે તારીખ 5 થી તારીખ 15 દરમિયાન જનતા જનાર્દનના સૂચનો લઇ ભારતીય જનતા પાર્ટી વિચારવિમર્શ કર્યા પછી સંકલ્પ પત્ર તૈયાર કરી જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.’

ભાજપનું ‘સંકલ્પ પત્ર’ તૈયાર:
જો વાત કરવામાં આવે તો ફોન નંબર, વેબસાઈટ ઉપરાંત સોશિયલ મીડિયા મારફતે અને સૂચન પેટી દ્વારા પણ લોકોના સૂચન લેવામાં આવ્યા હતા. જોકે, જનતા પાસેથી મળેલા અભિપ્રાયના આધારે ભાજપનું ‘સંકલ્પ પત્ર’ એટલે કે ચૂંટણી ઢંઢેરો તૈયાર થઈ ગયું છે.

આવતીકાલે જાહેર કરવામાં આવશે સંકલ્પ પત્ર:
પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપ આવતીકાલે વર્ષ 2022 વિધાનસભાનું સંકલ્પ પત્ર જાહેર કરશે. ગાંધીનગર કમલમ ખાતેથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રેસ કોન્ફરન્સને સંબોધશે. આ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા ઉપસ્થિત રહી શકે છે. તો કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા, મનસુખ મંડવીયા પણ ઉપસ્થિત રહી શકે છે.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.