સુરતના 46 વિદ્યાર્થીઓ કોના પાપએ પરીક્ષા નહીં આપી શકે? ધારાસભ્ય, શિક્ષણમંત્રી શંકાના ઘેરામાં!

સુરતના રાંદેરની પ્રભાત તારા સ્કુલની માન્યતા રદ કર્યા બાદ શાળાના સંચાલકો સામે ફોજદારી ગુનો તો દાખલ કર્યો, પરંતુ આ શાળામાં ધો-૧૦ અને ૧૨ માં ભણતા ૪૬ વિદ્યાર્થીઓ આખુ વર્ષ ભણ્યા બાદ પરીક્ષા આપવાનો સમય આવ્યો ત્યારે પરીક્ષાના ૧૫ કલાક પહેલા જ હોલ ટિકિટ ના મળતા આ વિદ્યાર્થીઓના અંધકારમય ભાવી માટે જિલ્લા શિક્ષણાધિકારી, ધારાસભ્ય કે શિક્ષણમંત્રી કે પછી શિક્ષણ વિભાગ આમાંથી કોણ જવાબદાર ? વિદ્યાર્થીઓનો શું વાંક હતો ? એ પ્રશ્ન જોરશોરથી ચર્ચાઇ રહયો છે. સાંજે વિદ્યાર્થીઓએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ હલ્લો કરીને હાય..હાય બોલાવી ગેટને તાળુ મારી દીધું હતું.

દરમ્યાન મોડી સાંજે તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ ધસી આવ્યા હતા. અને કચેરીનો મુખ્ય ગેટ બંધ કરી દઇને કચેરીમાં જ ધરણા પર બેસીને શિક્ષણમંત્રી, ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની હાય હાય બોલાવી હતી. ગેટને તાળુ મારી દઇને કોઇને અંદર કે બહાર જવા દેવાયા ના હતા. વિદ્યાર્થીઓએ એવી માંગણી કરી હતી કે જયાં સુધી અમારી હોલ ટિકિટ ના આવે ત્યાં સુધી ધરણાં પર જ બેસવાના છે. એમ કહીને ભારે સુત્રોચ્ચાર કરતા પોલીસ બોલાવવી પડી હતી. રાત્રીના આઠ વાગ્યે પણ વાલીઓ અને વિદ્યાર્થીઓ કચેરીમાં જ અંડિગો જમાવીને બેઠા રહયા હતા. અને એક જ વાતનું રટણ કરતા રહયા કે, જયાં સુધી હોલ ટિકિટ ના મળશે ત્યાં સુધી અંહિયાથી જવાના નથી. મોડેથી શિક્ષણાધિકારી અને વાલીઓ વચ્ચે મંત્રાણા થઇ હતી.

વાલીઓ કહે છે કે ગમે તે હોયપરંતુ આ વિદ્યાર્થીઓના ભાવી અંધકારમય બનાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારી, ધારાસભ્ય, શિક્ષણ મંત્રી કે પછી ગાંધીનગર શિક્ષણ વિભાગ જવાબદાર છે. આ તમામ પાસે ૧૫ દિવસથી વધુનો સમય હોવા છતા કોઇએ વિદ્યાર્થીઓ તરફ ધ્યાન ના આપતા વિદ્યાર્થીઓનું વર્ષ બગડે તેમ છે.

રાતે જ નિર્ણય આવી જશે તેવી લોલીપોપ આપનાર ધારાસભ્ય પર વાલીઓ ધુંઆપુંઆ

પ્રભાતતારા સ્કૂલના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓના વાલીઓએ સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીને બે દિવસ પહેલા રજૂઆત કરી હતી. ત્યારે તેમણે આજે  રાતે જ ઉકેલ આવી જશે તેમ ટેલિફોનીક વાતચિતમાં વાલીઓને કહયું હતું. વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા દેવાશે. વાલીઓએ સામે પ્રશ્નો કર્યા હતો કે, ગુરુવારથી પરીક્ષા છે. ડીઇઓ કચેરીમાંથી કહેવાયું છે કે, હાલમાં કેસ ચાલી રહયો છે આથી કશુ થશે નહીં.

ટ્રસ્ટીઓ કહે છે કે છોકરાઓ લઇને ગાંધીનગર આવો. છોકરાઓ પરીક્ષાની તૈયારી કરશે કે ગાંધીનગર જશે ? પ્રતિસાદમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી એ વાલીઓને જણાવ્યું હતું કે,  તમે કશે જતા નહીં, તમે એકઝામની ફૂલ તૈયારી કરો, આખા દિવસમાં ૧૦ વખત મિનિસ્ટર બાપુને ફોન કર્યા છે. નિર્ણય રાત્રીના પોઝીટીવ લેવાઇ જશે. આ પ્રતિસાદથી વાલીઓ ખુશ થઇ ગયા હતા. જોકે, બીજા દિવસે ઓફિસે પહોંચેલા વાલીઓને તાળું જોવા મળતા રોષે ભરાયા હતા. અને સાંજ સુધીમાં સરકારમાંથી કોઇ પોઝીટીવ નિર્ણય ન લેવાતા ૪૬ વિદ્યાર્થીઓના ભાવી સામે જોખમ તોળાતા કેટલીક વિદ્યાર્થિનીઓ રડી પડી હતી. વાલીઓએ ડીઇઓ કચેરીએ પણ આક્રોશ વ્યકત કર્યો હતો કે ધારાસભ્યએ ખોટી હૈયાધરપત આપવી જોઇતી નહોતી.

બીજી બાજુ રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુરતના 54 વિદ્યાર્થીઓ સાથે બનેલી ઘટનાને પગલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, સુરતના રાંદેરની પ્રભાતતારા હિન્દી માધ્યમ સ્કૂલ અમાન્ય છે, તેના પર કેસ પણ કરવામાં આવ્યો છે. અમે કોર્ટના આદેશનું પાલન કરી રહ્યા છીએ. પરંતુ કોર્ટના નિર્ણય પ્રમાણે, હાલ સુરતના 54 વિદ્યાર્થીઓ શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.

તો આજે સુરતના આ 54 વિદ્યાર્થીઓએ DEO કચેરીની બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. તમને જણાવી દઇએ કે, આજથી ધોરણ-10 અને 12ની પરીક્ષા શરૂ થઇ ગઇ છે, ત્યારે દરેક મનમાં એવો સવાલ ઉભો થઇ રહ્યો છે કે આ નિર્દોષ બાળકોનું શું? સ્કૂલની ભૂલના કારણે બાળકો સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે? પરંતુ હવે કંઇ થઇ શકે તેમ નથી. શિક્ષણ મંત્રીએ પણ કોર્ટના નિર્ણયને જણાવી દીધો છે. જેથી સુરતના આ 54 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં.

તમને જણાવી દઇએ કે, આ ઘટનામાં સુરતના રાંદેરમાં ચાલતી પ્રભાતતારા હિન્દી માધ્યમ શાળાની બોર્ડની માન્યતા 2016માં રદ થઇ ગઇ હોવા છતાં છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીઓને બેરોકટોક પ્રવેશ આપતી હતી. સમગ્ર પ્રકરણમાં હાઇકોર્ટના હુકમ બાદ સફાળે જાગેલા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુએ રાંદેર પોલીસ મથકમાં મા દુર્ગા ટ્રસ્ટના ટ્રસ્ટી મંજુબેન સૂર્યદેવ સિંઘ (રહે. 10, લીલાવિહાર સોસાયટી, તાડવાડી), પ્રમુખ અંકિત સુર્યદેવ સિંઘ અને પ્રભાતતારા હિન્દી માધ્યમ શાળાના આચાર્યા ચૌધરી રીટાબેન ઠાકોરભાઇ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં પોતાના આર્થિક લાભ, મોભા માટે સગીર વિદ્યાર્થીઓને સ્કૂલમાં પ્રવેશ આપીને વિદ્યાર્થી અને વાલીઓ સાથે છેતરપિંડી કરી વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડાં કરવાનો ઉલ્લેખ કરાયો છે.

જોકે, હવે શિક્ષણાધિકારીની ફરિયાદ અને બેજવાબદાર સંચાલકો વચ્ચે ધોરણ-10 અને 12 બોર્ડના વિદ્યાર્થીઓનો મરો થઇ ગયો છે. શાળામાં ધોરણ-10માં 34 અને ધોરણ-12માં ભણતા 20 વિદ્યાર્થીઓને ગુરુવારથી શરૃ થતી બોર્ડ પરીક્ષાની હોલટિકિટ મળી નથી.

છેલ્લા એક અઠવાડિયાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાએ ચક્કર મારી રહ્યા છે, તેમ છતાં તેઓને હોલટિકિટના નામે વાયદા જ કરવામાં આવી રહ્યા છે. અંતે હવે બુધવારે મોડી સાંજ સુધી હોલટિકિટ ન આવતા શાળા પરિસરમાં એકત્રિત થયેલા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ આંખોમાં પાણી આવી ગયા હતા. તેઓની ઉજ્જવળ કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જાઇ ગયો હતો.

Facebook Comments