નવસારીમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત- એકસાથે 5 વાહનોને લીધા અડફેટે, કારમાંથી મળી આવી દારૂની બોટલ

Published on Trishul News at 11:52 AM, Thu, 31 August 2023

Last modified on August 31st, 2023 at 11:53 AM

Navsari Accident News: હાલ આખા રાજ્યભરમાં નશામાં ધૂત નબીરાઓ બેફામ ગતિએ કાર ચલાવીને વાહનોને અડફેટે લઈ રહ્યા હોવાનું ઘણી ઘટના સામે આવી રહી છે.હાલ નડિયાદ બાદ હવે રાજ્યના નવસારી જિલ્લામાં(Navsari Accident News) નશામાં ધૂત નબીરાએ બેફામ ગતિએ કાર ચલાવીને વાહનોને અડફેટે લીધા હોવાની ઘટના સામે આવી રહી છે.કારમાંથી દારૂની બોટલ મળી આવ્યા પછી હાલ પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

ખત્રીવાડ વિસ્તારમાં ગતરાત્રે નબીરાએ સર્જ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર, નવસારીના જુનાથાણામાં આવેલા ખત્રીવાડ વિસ્તાર ગઈકાલે રાતે બલેનો કારચાલકે બેફામ કાર ચલાવીને પાર્ક કરેલી બે કાર અને ત્રણ બાઈકને અડફેટે લીધા હતા. મોડી રાત્રે અકસ્માતનો અવાજ સંભળાયા પછી લોકો પોત-પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતા. જોકે, અકસ્માત સર્જનાર કાર ચાલક કાર ત્યાં મૂકીને જ ફરાર થઈ ગયો હતો.

જાણ થતાં પોલીસની ટીમ દોડી આવી
સ્થાનિકો લોકો દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પણ દોડી આવી હતી. જે પછી કારની તપાસ કરતા કારમાંથી દારૂ અને બિયરની બોટલો પણ મળી આવી હતી. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. અકસ્માત કરનાર કાર ચાલક NRI હોવાની ચર્ચા ચાલી રહી છે. હાલ પોલીસે ફરાર કારચાલકને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

નડિયાદમાં નબીરાએ સર્જ્યો હતો અકસ્માત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલે જ નડિયાદના કૉલેજ રોડ પર આવેલી આયુર્વેદિક હોસ્પિટલ સામે કાર ચાલકે બેફામ કાર હંકારીને ત્રણ પૈડાવાળી લારી સહિત 3 વાહનોને અડફેટે લીધા હતા. જે પછી બેકાબૂ બનેલી કાર ધડાકાભેર ડિવાઈડર અને વીજપોલ સાથે અથડાઈ ગઈ હતી.

ભારે ચહેલપહેલવાળા વિસ્તારમાં અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. આ અકસ્માતમાં લારીચાલક ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. તો અકસ્માતની જાણ થતાં નડિયાદ ટાઉન પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

દારૂબંધીને લઈને ઉભા થયા સવાલ
સતત બીજા દિવસે ગુજરાતમાં નશામાં ધૂત નબીરાએ અકસ્માત સર્જ્યો હોવાનો ઘટના સામે આવતા દારૂબંધી સામે ઘણા સવાલો ઉભા થયા છે. ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં રાજ્યમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ સતત સામે આવી રહ્યા છે. તો શું આ નબીરાઓ પાતાળમાંથી દારૂ શોધીને લાવતા હશે, જો નબીરાઓને દારૂની બોટલો મળી જતી હોય તો, પોલીસને દારૂ વેચનારા બુટલેગરની કેમ જાણ નથી હોતી તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે. આ પ્રકારના ઘટનાઓ પછી સૌથી મોટો સવાલ એ થાય કે શું ખરેખર ગુજરાતમાં દારૂબંધી છે ખરી?

Be the first to comment on "નવસારીમાં વધુ એક નશામાં ધૂત નબીરાએ સર્જ્યો અકસ્માત- એકસાથે 5 વાહનોને લીધા અડફેટે, કારમાંથી મળી આવી દારૂની બોટલ"

Leave a comment

Your email address will not be published.


*