નવસારીનો આ પટેલ પરિવાર ખેતીની આ ખાસ પદ્ધતિ દ્વારા કરી રહ્યો છે અઢળક કમાણી- અન્ય ખેડૂતોની આવક વધારવા કરે છે મદદ

નવસારી(Navsari) નજીકના અંભેટી ગામના કમલેશ પટેલ (Organic Farmer) વર્ષોથી તેમની એક એકર જમીનમાં રાસાયણિક ખેતી (Chemical farming) કરીને શેરડી ઉગાડતા હતા. 2015 સુધી, તે ખેતીમાંથી…

નવસારી(Navsari) નજીકના અંભેટી ગામના કમલેશ પટેલ (Organic Farmer) વર્ષોથી તેમની એક એકર જમીનમાં રાસાયણિક ખેતી (Chemical farming) કરીને શેરડી ઉગાડતા હતા. 2015 સુધી, તે ખેતીમાંથી સામાન્ય નફા કરતાં પણ ઓછું કમાતા હતા અને ખેતીને ખોટનો સોદો ગણતા હતા. રાસાયણિક ખાતર અને જંતુનાશકો વિના પણ ખેતી કરી શકાય છે, તેની કલ્પના પણ તેમણે નહોતી કરી અને આ ખેતી વિશે તેમને કોઈ જ પ્રકારની માહિતી પણ ન હતી. પરંતુ તેઓનું કહેવું છે કે, સારા લોકોનો સંગાથ કે યોગ્ય જ્ઞાન, વ્યક્તિની વિચારસરણીમાં મોટું પરિવર્તન લાવી શકે છે.

કમલેશ એ જણાવ્યું કે, તેની સાથે પણ આવું જ થયું, તેનો મિત્ર જતિન તેને બળજબરીથી સુભાષ પાલેકરના ઝીરો વેસ્ટ કેમ્પમાં લઈ ગયો. ત્યારે કમલેશ કહે છે, “હું કુદરતી ખેતીમાં બિલકુલ માનતો ન હતો, મારા મિત્રે ત્રણ દિવસના કેમ્પ માટે પૈસા ચૂકવ્યા અને હું તેના કહેવા પર ત્યાં ગયો. પણ સુભાષ પાલેકર જીના શબ્દોની મારા પર જાદુઈ અસર થઈ અને ત્યારબાદ આ એક પડાવને કારણે તેમના જીવનનો ટર્નિંગ પોઈન્ટ અને સફળતાની શરૂઆત થઈ.

આ ઝીરો વેસ્ટ કેમ્પના ત્રણ દિવસ પછી, ચોથા દિવસે જ કમલેશ ગાય લઈને ઘરે પાછો ગયો અને સમગ્ર ગ્રામજનોને કહ્યું કે ‘આજથી મારા ખેતરમાં કેમિકલ નહિ આવે’ ગામના લોકો તેને ગાંડો સમજતા હતા. કમલેશ કહે છે કે જે દિવસે તેના ખેતરમાં શેરડીની લણણી થઈ તે દિવસે આખું ગામ પાક જોવા માટે આવી ગયું. એક વીઘા જમીનમાં 45 ટન શેરડી નીકળી તે જોઈને સૌને આશ્ચર્ય થયું. મળતી માહિતી અનુસાર અગાઉ કમલેશભાઈએ ક્યારેય 35 ટનથી વધુ પાક લીધો ન હતો.

આ સફળતા મેળવ્યા બાદ કમલેશ ઓર્ગેનિક ખેતીને પોતાના પુરતું મર્યાદિત રાખવાને બદલે તમામ ખેડૂતો સુધી પહોચાડવા માંગતો હતો. પરંતુ ગામના ખેડૂતો લાભ જોઈને પણ સ્વીકારવા તૈયાર ન હતા. ઘણા ખેડૂતોએ કમલેશભાઈને કહ્યું કે ખાતર બનાવીને આપે તો પ્રયત્ન કરીએ. કમલેશભાઈએ આ પડકારને પણ સ્વીકાર્યો અને ખૂબ જ ઓછી કિંમતે 3000 બેગ ઘન જીવામૃત એટલે કે ગાયના છાણ અને કુદરતી વસ્તુઓમાંથી બનાવેલ ખાતર બનાવીને લોકોને આપ્યા.

ત્યારબાદ વાત એક ગામથી બીજા ગામ સુધી પહોંચી અને કમલેશભાઈએ વધુમાં વધુ ખેડૂતોને ઓર્ગેનિક ખેતી સાથે જોડવાનો સંકલ્પ પણ કર્યો. આજે તે 25 થી 30 હજાર બેગ ઓર્ગેનિક ખાતર બનાવે છે, જેના માટે તે ગૌશાળામાંથી ગાયનું છાણ ખરીદે છે અને ઘન જીવનમૃતનું 220 રૂપિયા પ્રતિ થેલીમાં વેચાણ કરે છે. તેમજ હવે તેમની પાસે સાત એકર જમીન છે જેમાં તેઓ ખેતી કરે છે અને તેમની પત્ની પૂનમ પટેલ તેમને ખાતર બનાવવામાં મદદ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *