રાજ્યના અનેક શહેરના વાતાવરણમાં પલટો: જાણો ક્યાં પડ્યા વરસાદી ઝાપટાઅને ઉડી ધૂળની ડમરી

Published on Trishul News at 4:12 AM, Tue, 16 April 2019

Last modified on April 16th, 2019 at 4:12 AM

ગુજરાત હવામાન ખાતાની આગાહી પ્રમાણે સોમવારથી જ રાજ્યના અનેક શહેરના વાતાવરણમાં પટલો આવ્યો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. મંગળવારે સવારે રાજ્યના અનેક શહેરોમાં ધૂળની ચાદર છવાઈ ગઈ છે, તેમજ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. અમદાવાદ મોડી રાતથી જ ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડતા વાતાવરણ ધૂંધળું બની ગયું છે. રાજ્યના અન્ય જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદના સમાચાર પણ સામે આવ્યા છે.

ગરમીથી રાહત : રાજ્યના વાતાવરણમાં એકાએક પલટો આવતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. અમદાવાદ સહિત શહેરના લોકો 40થી વધારે ડીગ્રી ગરમીમાં શેકાઈ રહ્યા હતાં તેમને તાત્કાલિક રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુરુવાર સુધી ગરમીમાં થોડી રાહત રહેશે.

અરવલ્લી જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ : અરવલ્લી જિલ્લામાં રાત્રે ભારે ગાજવીજ સાથે વરસાદ થયો હતો. રાત્રે જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદને કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતો પરેશાન થયા છે.

દાહોદ : જિલ્લામાં મોડી રાત્રે કમોસમી માવઠું થતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો.

સાબરકાંઠા : જિલ્લામાં રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. સાથે જ વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીથી રાહત મળી હતી. મંગળવારે સવારે પણ વાતાવરણમાં પલટો જોવામાં આવ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બની જતાં ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

વડોદરા : અન્ય જિલ્લાઓની જેમ વડોદરાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. મંગળવારે સવારે જિલ્લાનું વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું હતું. વાતાવરણમાં પલટાને કારણે ગરમીમાં રાહત મળશે. (તસવીર : બનાસકાંઠાના વાતાવરણમાં પલટો)

સુરત: સુરતમાં રાત્રે ભારે પવન ફૂંકાયો હતો. સાથે જ ધૂળની ડમરીઓ ઊડતી જોવા મળી હતી. મંગળવારે સવારે પણ વાતાવરણમાં પલટો જોવામાં આવ્યો હતો. ભરઉનાળે ચોમાસા જેવું વાતાવરણ બની જતાં સુરતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે. ગઈકાલે નવસારીના ચીખલી તાલુકાના જામલિયા ગામથી સાપુતારાના મહુવાસ ગામ સુધીના રસ્તા પર વહેલી સવારે કમોસમી વરસાદ પડ્યો હતો. ભરઉનાળામાં બફારામાંથી હળવા વરસાદના કારણે ગરમીમાંથી આંશીક રાહત મળી છે. ગામડાઓમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, કમોસમી વરસાદના કારણે ઉનાળું પાકને નુકસાન થવાની ખેડૂતોમાં ચિંતા વધારી છે.

અમદાવાદ : સોમવારે રાત્રે ફૂંકાયેલા પવનને કારણે શહેરમાં મંગળવારે વાતાવરણ ધૂંધળું બની ગયું હતું. ધૂળની ડમરીઓ ઉડતા શહેર પર રેતીની ચાદર છવાઈ ગઈ હતી.

Be the first to comment on "રાજ્યના અનેક શહેરના વાતાવરણમાં પલટો: જાણો ક્યાં પડ્યા વરસાદી ઝાપટાઅને ઉડી ધૂળની ડમરી"

Leave a comment

Your email address will not be published.


*