સોનિયા કે રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના 25 વર્ષ જુના નેતાઓને સાંભળવાનું બંધ કરશે ત્યારે જ ગુજરાતની જનતા કોંગ્રેસને સાંભળશે

Published on: 9:41 pm, Mon, 25 October 21

ગુજરાત કોંગ્રેસ છેલ્લા કેટલાય સમયથી એવા નેતાઓના હાથમાં રહ્યું છે. જેઓ પોતે પોતાના મતવિસ્તારમાં જીતી શક્યા નથી. આ નેતાઓની વાત કરીએ તો તેમાં સતત હારતા આવેલા નેતાઓ માં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ, અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી છે. અહેમદ પટેલના ગયા બાદ આ નેતાઓ દિલ્હી હાઈ કમાન્ડમાં “અહેમદભાઈ” બનીને પોતાની રાજનીતિ ચમકાવવા માંગે છે, પરંતુ દિલ્હી હાઇ કમાન્ડ હજી સુધી એ સમજી નથી શકતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર શા માટે નથી બની રહી.ક

ગુજરાત કોંગ્રેસમાં પહેલી હરોળમાં ખુરશી પર અડ્ડો જમાવીને બેઠેલા દસથી બાર નેતાઓ પોતાના સેટિંગ બાજ સ્વભાવથી કાયમ વિરોધ પક્ષમાં બેસવાનું પસંદ કરે છે અને પોતાના ટેન્ડરો પાસ કરાવી ને સાંઠ ગાંઠની સરકાર રચવામાં મદદરૂપ થાય છે. આમ આદમી પાર્ટી સતત કોંગ્રેસ પર ભાજપની ભાગીદાર હોવાનો આરોપ લગાવતી રહી છે. જ્યારે કોંગ્રેસ ના નેતાઓ આમ આદમી પાર્ટીને ભાજપની ટીમ ગણાવી રહ્યા છે.

બે દિવસ અગાઉ ગુજરાત કોંગ્રેસના ૨૦ જેટલા સાંઠે પહોંચેલા જેટલા નેતાઓ રાહુલ ગાંધીને મળવા પહોંચ્યા હતા સાથે રઘુ શર્મા અને કે સી વેણુગોપાલ શામેલ હતા. રઘુ શર્મા ગુજરાતના એક પ્રવાસ બાદ રાહુલ ગાંધી સાથે મીટીંગ કરાવવા ગુજરાતના એક ડેલિગેશન ને લઈને પહોંચ્યા હતા. જ્યાં પ્રમુખપદ અને વિરોધ પક્ષના નેતા તરીકે કોની પસંદગી કરવી તેની ચર્ચા શરૂ થાય તે પહેલાં જ પોતાની ખુરશી જતી જોઈ ને સતત હારતા આવેલા નેતાઓ એ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી નો વિરોધ શરૂ કરી દીધો હોવાની જાણકારી મિટિંગમાં હાજર એક કોંગી નેતાએ નામ ન દેવાની શરતે આપી હતી.

સતત હારતા આવેલા નેતાઓ ને ખબર છે કે રાહુલ ગાંધી હવે તેને ઘરે બેસાડવાના છે. તેથી પોતાની ડૂબતી નાવડી જોઈને હાર્દિક પટેલ ની આગળ ચાલી જઈ રહેલી હોડી ડુબાડી દીધી. કેટલાક ધારાસભ્યો પણ આ મિટિંગમાં હાજર હતા. જેમણે પણ હાર્દિક પટેલનો વિરોધ કર્યો હતો કારણ કે હાર્દિક પટેલ હજુ માંડ બે વર્ષથી કોંગ્રેસ ની આંગળી પકડીને પોતાનો પંજો મજબૂત કરવા માંગે છે તે જોઈ શકતા નથી. આ પરિસ્થિતિ સમજી ને હાર્દિક અને જીગ્નેશ મેવાણીએ આ મીટીંગ અધવચ્ચે છોડી દીધી હોવાની પણ જાણકારી સામે આવી હતી

છેલ્લા છ મહિનામાં કોંગ્રેસ હાઇકમાન્ડે વિવિધ રાજ્યના પ્રમુખ પસંદ કર્યા છે. તેમાં ચોંકાવનારા નિર્ણય લઈને જૂના નેતાઓને ઘરે બેસાડી ને નવા નેતાઓને જ સ્થાન આપીને એક નવી શરૂઆત કરી છે. ત્યારે ગુજરાતમાં પણ આવું થઈ જશે, તે ડરને કારણે પોતાની દુકાનો બંધ થતી હોવાની આશંકાએ ભરત સિંહ જેવા નેતાઓએ તો કેટલાય દિવસોથી દિલ્હીમાં પોતાનું બીજું ઘર બનાવી લીધું છે.

હવે સમજવાનો વખત કોંગ્રેસ હાઈ કમાન્ડ નો આવી ગયો છે કે ગુજરાત હવે આ જૂના નેતાઓથી કંટાળી ચૂક્યું છે અને નવા જોમ જુસ્સા વાળા નેતાઓને કમાન આપવાનો સમય આવી ચુક્યો છે. જેથી ગુજરાતને નવી સરકાર કે પછી મજબૂત વિપક્ષ મળે નહીંતર કોંગ્રેસ પાસે પોતાની હારનું કારણ ઇવીએમ બાદ આમ આદમી પાર્ટી સિવાય કોઈ નહીં દેખાય.

કોંગ્રેસ દ્વારા ગુજરાતની પરિસ્થિતિ જોઈને કોઈ પાટીદારને જ પક્ષ પ્રમુખ અથવા વિપક્ષ નેતા નું સ્થાન આપવામાં આવશે તેવુ માનવામાં આવી રહ્યું છે. આમ આદમી પાર્ટીમાં પક્ષ પ્રમુખ તરીકે ગોપાલ ઇટાલીયા મજબૂતીથી આપને આગળ વધારી રહ્યા છે. જ્યારે 2022 માં 182 વિધાનસભા સીટ હાંસલ કરી લેવાનો લક્ષ્ય રાખીને ભાજપના સી.આર પાટીલ પણ એક પછી એક બોલ્ડ નિર્ણય લઇ રહ્યા છે.

SHARE
Koo bird - Trishul News Gujarati કોંગ્રેસ, ગુજરાત, રાહુલ ગાંધી