આજથી બરાબર 1 મહિના બાદ વન-ડે વર્લ્ડકપ: કાઉન્ટ ડાઉનનો પ્રારંભ જાણો કઈ ટિમ કોની સાથે રમશે

Published on Trishul News at 1:03 PM, Tue, 30 April 2019

Last modified on April 30th, 2019 at 1:03 PM

ઇંગ્લેન્ડ ખાતે ૩૦ મેથી ૧૪ જુલાઇ સુધી ૧૦ ટીમ વચ્ચે ૪૮ મુકાબલા ખેલાશે. છેલ્લા ચાર વર્ષમાં ભારતે સૌથી વધુ ૫૬ વન-ડે અને ૧૪ શ્રેણીમાં વિજય મેળવ્યો છે.

આજથી બરાબર એક માસ બાદ એટલે કે ૩૦ મેના ઇંગ્લેન્ડ ખાતે આઇસીસી વન-ડે વર્લ્ડકપનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આગામી ૩૦ મેથી ૧૪ જુલાઇ સુધી ૧૦ ટીમ વચ્ચે કુલ ૪૮ મુકાબલા ખેલાશે. આઇસીસી વર્લ્ડકપની પ્રથમ મેચમાં યજમાન ઇંગ્લેન્ડનો મુકાબલો દક્ષિણ આફ્રિકા સામે થશે. ભારતીય ટીમ ૫ જૂનના દક્ષિણ આફ્રિકા સામે રમી પોતાનું અભિયાન આરંભશે.

૨૦૧૫ના વન-ડે વર્લ્ડકપની ૨૯ માર્ચના સમાપ્તિ થઇ હતી. આ પછી વર્લ્ડકપમાં ભાગ લઇ રહેલી તમામ ૧૦ ટીમના દેખાવ પર નજર કરવામાં આવે તો તેમાં ભારત મોખરે છે. ૨૯ માર્ચ ૨૦૧૫થી અત્યારસુધી ભારત કુલ ૮૬ વન-ડેમાં રમ્યું છે, જેમાંથી તેનો ૫૬માં વિજય અને ૨૭માં પરાજય થયો છે. આમ, આ સમયગાળામાં સૌથી વધુ વન-ડે વિજય મેળવવામાં ભારત મોખરે છે. આ ઉપરાંત ભારતે આ સમયગાળામાં સૌથી વધુ ૧૪ વન-ડે શ્રેણીમાં વિજય મેળવ્યો છે.

ભારત બાદ આ યાદીમાં ઇંગ્લેન્ડનો ક્રમ આવે છે. ઇંગ્લેન્ડે ૨૯ માર્ચ ૨૦૧૫થી અત્યારસુધી ૮૫માંથી ૫૩ વન-ડેમાં વિજય મેળવ્યો છે જ્યારે ૨૩મા પરાજય થયો છે. વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા ૭૬માંથી ૩૭ મેચમાં વિજય મેળવી શકી છે.

આ સમયગાળામાં શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝનો દેખાવ સૌથી નબળો રહ્યો છે. શ્રીલંકાએ ૮૪માંથી માત્ર ૨૩ જ્યારે વેસ્ટ ઇન્ડીઝે ૬૨માંથી માત્ર ૧૭ મેચમાં વિજય મેળવ્યો છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમે આ સમયગાળામાં એકપણ વન-ડે શ્રેણી જીતી નથી. આમ, ૨૦૧૫ના વર્લ્ડકપ બાદના ફોર્મને ધ્યાનમાં લેવામાં આવે તો આ વખતે ભારતનો હાથ ઉપર રહે તેની પૂરી સંભાવના છે.

૨૦૧૫ના વર્લ્ડકપ બાદ કઇ ટીમનો કેવો દેખાવ?

ટીમ    વન-ડે જીત    હાર    ટાઇ/રદ       શ્રેણી વિજય

ભારત  ૮૬     ૫૬     ૨૭     ૨/૧   ૧૪

ઇંગ્લેન્ડ ૮૫     ૫૩     ૨૩     ૧/૫   ૧૪

દક્ષિણ આફ્રિકા ૭૪     ૪૭     ૨૬     ૦/૧   ૧૩

ન્યૂઝીલેન્ડ     ૭૬     ૪૩     ૩૦     ૦/૩   ૧૧

ઓસ્ટ્રેલિયા     ૭૬     ૩૭     ૩૬     ૦/૧   ૧૦

પાકિસ્તાન     ૭૩     ૩૫     ૩૮     ૦/૨   ૦૯

અફઘાનિસ્તાન ૬૦     ૩૨     ૨૪     ૧/૩   ૦૮

બાંગલાદેશ    ૫૮     ૩૦     ૨૫     ૦/૩   ૦૮

શ્રીલંકા ૮૪     ૨૩     ૫૫     ૧/૫   ૦૪

વેસ્ટ ઇન્ડીઝ   ૬૨     ૧૭     ૩૯     ૨/૪   ૦૦

વર્લ્ડકપમાં રનના ઢગલા ખડકાશે : મેક્સવેલ

ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે જણાવ્યું છે કે, ‘ઇંગ્લેન્ડ ખાતે યોજાનારા આઇસીસી વન-ડે વર્લ્ડકપમાં તોતિંગ સ્કોર જોવા મળશે. વર્લ્ડકપ દરમિયાન કેટલીક મેચમાં ૪૦૦થી વધુનો સ્કોર નહીં ખડકાય તો જ મને આશ્ચર્ય થશે. ઇંગ્લેન્ડમાં આઉટફિલ્ડ ઝડપી હોય છે અને તેનાથી પણ વધુ રન ખડકવામાં મદદ મળે છે. બોલરોએ ખૂબ જ ચતુરાઇપૂર્વક બોલિંગ કરવી પડશે. ‘

ભારત-પાકિસ્તાન-ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પહોંચશે : ગાંગુલી

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ જણાવ્યું હતું કે, ‘આ વખતનો વન-ડે વર્લ્ડકપ ખૂબ જ રસપ્રદ રહેશે. કઇ ટીમ સેમિફાઇનલમાં પહોંચશે તેની આગાહી કરવાનું પૂછવામાં આવે તો હું ભારત-ઇંગ્લેન્ડ-પાકિસ્તાન-ઓસ્ટ્રેલિયાના નામ આપીશ. આ વખતના વર્લ્ડકપમાં ફોર્મેટ પણ સારી છે અને જે સારી ટીમ હશે તે જ સેમિફાઇનલમાં પહોંચી શકશે. ‘

Be the first to comment on "આજથી બરાબર 1 મહિના બાદ વન-ડે વર્લ્ડકપ: કાઉન્ટ ડાઉનનો પ્રારંભ જાણો કઈ ટિમ કોની સાથે રમશે"

Leave a comment

Your email address will not be published.


*