હવે ભાષણોથી લોકો અંધભક્ત નથી બની રહ્યા એટલે સેલેબ્રીટીઓનો PR વર્ક માટે વપરાઇ રહ્યા છે

Published on: 11:55 am, Mon, 17 May 21

દર્શન રાણા: ફેસબુકમાં છેલ્લાં બે અઠવાડિયાથી ભરમાર છે. સરકાર પર પ્રહાર થઈ જ રહ્યાં છે, સાથોસાથ એમની બચાવ ટુકડી પણ એટલી જ હદે કાર્યરત છે. મુદ્દો એ છે કે સરકાર એનાથી બનતું કરી રહી છે, બધે એ ન પહોંચી શકે, એકદમ 100% નું સત્ય, પ્રજાએ જાતે પણ સમજી-વિચારીને અમુક પગલાં પોતાની રીતે લેવા જોઈએ, એ પણ તદ્દન યોગ્ય, પણ તેમ છતાં સરકારનો આટલો વિરોધ કેમ?

લેટેસ્ટ આંકડા મુજબ ભારતમાં કુલ વેકસીનેશન લેનારાઓની સંખ્યા 18 કરોડને પાર થઈ ગઈ છે. એટલે લગભગ 15% વસ્તીને જ હજી રસીકરણ થયું છે. નો ડાઉટ, અમુક લેવલે પ્રજાની પણ બેદરકારી છે, પણ 15% એ ઘણો નાનો આંકડો છે. અને હવે પરિસ્થિતિ એવી છે કે બહારથી વેકસીન મંગાવવામાં આવી રહી છે, ત્યારે જોરશોરથી બણગાં ફુંકેલુ ‘મેડ ઇન ઇન્ડિયા’ મોડલ હાલ ખોરવાયું છે, કદાચ તેમ માની શકાય.

બીજો મુદ્દો, એક તરફ જ્યારે વડાપ્રધાન વેકસીન લેવા પર ભાર આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ તેમનાં જ પક્ષના કેટલાક નેતાઓ ગોબર, ગૌમૂત્ર અને અન્ય ચિત્ર-વિચિત્ર ટ્રિક આપી કોરોના ભગાવવા જેવી બેકાર વાત કરી રહ્યા છે. જો મિમ એડિટ કરનાર પર કાર્યવાહી થાય, તો ખોટી માહિતી ફેલાવી હજારો લોકોને મૂરખ બનાવનાર પર પણ કેસ થવો જોઈએ ને… (કરોડોને મૂર્ખ બનાવનારનો કદાચ છેલ્લે વારો છે)

ગુજરાતની વાત કરીએ તો ભાઉ જ્યારે પેલી દવા ખુલ્લેઆમ વહેંચે ને મુખ્યમંત્રીને કંઈ જ જ ખબર ન હોય, તો એ પદની પ્રતિષ્ઠાને અને કરોડો ગુજરાતીઓના વિશ્વાસને ઠેસ પહોંચાડે છે. પ્રજા યાર કૈક તો અપેક્ષા રાખે કે નહીં? પહેલી લહેર હતી ત્યારે તમે સંવેદનશીલ બનીને કોરોના પેશન્ટ સાથે લાઈવ વાત કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું પણ પછી… દૂરંદેશીતાનો ભારોભાર અભાવ…!!

ઠીક ચલો, આ બધું મુકો, લોકોએ ગંગા સાફ કરવા માટે વોટ આપ્યો હતો પણ હવે..?? ગંગામાં લાશો તરી રહી છે. હવે કોઈ ચકલી એમ કહેશે કે સરકાર થોડી લાશો નાખવા ગઈ કે એમણે થોડી કીધું પણ બેદરકારી માટે જવાબદાર કોણ? વધારે સ્મશાન કે યોગ્ય જગ્યા પૂરી પાડવાની જવાબદારી કોની? અને એ પાણી હવે કેટલી મહામારી ફેલાવશે એનો અંદાજ પણ નહિ આવે! દિલ્હી, સુરત અને નોઈડાના સ્મશાનોનાં ફોટોઝ જોઈને સરકારે તાગ મેળવી લેવા જેવો હતો. પણ ઇલેક્શન-ઇલેક્શન કોણ રમત!

જો આ તો રહી જ ગયું, ઇલેક્શન! સાલું એની રેલીમાં કોરોના ન આવે, પક્ષનાં લોકો ભેગા થાય ત્યાં કોરોના ન આવે (એ પછી દરેક પક્ષ, કોઈ એક નહિ), ને ત્યારે કોરોનાનાં આંકડા પણ ઓછાં ને જેવું પરિણામ આવે કે તરત કોરોના ફરી ફાટી નીકળે…. કેમ, ઇલેક્શનમાં એણે રિશેષ લીધી હતી? ને મને તો હજી લોજીક ન સમજાયું કે વડાપ્રધાન વીડિયો કોંફરન્સ કે જેમાં તે એકલા હોય ત્યાં માસ્ક પહેરે ને ખુલ્લી જાહેરસભામાં માસ્ક વગર ભાષણ! જોરદાર બાકી!!!
ક્રિકેટમાં પણ એવું, અમદાવાદ આખું હાફ લોકડાઉન અને કરફયુની મારામારીમાં દિવસો કાઢે ને ટોપઓને ક્રિકેટ રમાડવું, અહીં 8 વાગે કરફયુ ને ત્યાં મેચ ચાલે બોલો. ચલો એ તો ઠીક, એમનાં બાયો-બબલ પણ હાવ કોરા નીકળ્યા. અલા, તમારા કમાવવાની લ્હાયમાં એકાદ ક્રિકેટર ઉપડી ગયો હોત ને તો લપેટાઈ જાત!

ઓકે, હવે વાત કરીએ વિપક્ષ અને અન્ય અપક્ષ નેતાઓ કે જેમની કામગીરી ઓછી અથવા નહીવત રહી હોય શકે, પણ જે રીતે તેમણે આગળ આવવું જોઈએ, એ થયું જ નથી. ભલે સરકાર કંઈ કરવા ન દે, પણ તમે જ્યાં સત્તા પર છો, એ વિધાનસભા કે વોર્ડમાં તો કૈંક ઠોસ કદમ લો. પણ, તે લોકોય બસ ઇલેક્શન ને અંદર-અંદર લડવામાં જ રહ્યા.
ખેર, હવે મુદ્દો એ છે કે હું સરકાર વિરુદ્ધ કેમ બોલું છું? પરિસ્થિતિ મુજબ સકારાત્મક રહું ને જેટલું કામ સરકાર કરી રહી છે તેના વખાણ કરું. કરું, ચલો વાંધો નહિ પણ ચમચાગીરી નહિ ફાવે. ખોટું હોય તો કહેવું પડે એવું ખુદ વડાપ્રધાન મોદીએ પણ કીધું છે. તો તેમના અનુયાયીઓને આ કેમ ખબર નથી પડતી કે જો પ્રજા કે મિડિયા અરીસો બતાવશે તો જ સરકારને તેમનું ઓડિટ મળશે. વાહવાહી કરવા માટે ફોજ તો રાખી જ છે સરકારે, પગાર ને એવોર્ડ્સ ઉપર, પણ ભૂલ બતાવવી એક નાગરીક તરીકેની ફરજ છે. ને જો એમાં કઈ ખોટું લાગતું હોય, તો એવું વિચારનારે મોદી સાહેબનાં મુખ્યમંત્રી સમયનાં ભાષણો જોઈ લેવા. ખેર, એ હજી મુખ્યમંત્રી હોત તો પણ સારું હતું, કમસેકમ પાણી તો બતાવત… રૂપાણી સાહેબની વાત તો નિરાળી છે.

ફેસબુકના જે વિદ્વાન મિત્રો હાલની પરિસ્થિતિમાં પણ PR કરી રહ્યા છે, ભગવાન તેમને સદબુદ્ધિ આપે અથવા તો ઉદાહરણ આપે. કારણકે માણસને ઠેસ ન વાગે ત્યાં સુધી એ ન સમજે ને… તો ક્યારેક ઠેસ પણ જરૂરી છે. ગુજરાતની પ્રજાએ સામુહિક ઠેસ તો વહોરી લીધી, હવે જોઈએ આ પ્રગટેલી જ્વાળા કાયમ રહે છે કે કેમ! બાકી કોક બેને લખ્યું છે એ સળગાવવામાં નહિ પ્રગટાવવામાં માને છે, એમને જણાવવું કે ક્યારેક કોઈકના શબ્દો કરતા અનુભવ પણ ઘણું બધું પ્રગટાવી જાય છે. બસ, તમે મર્યાદા જાળવજો. એક તો ‘નારાજ’ છે પ્રજાથી ને તેમની સરકાર વિરોધી વાતોથી ને જો તમે કોમેન્ટ કરી ને સહેજ ગુસ્સો અપાવ્યો, તો ભાઈનો પારો ચઢી જાય સાતમે આસમાને. કવિતા કરોને પણ શાંતિથી, પૂંછડી પટપટાવવા આગળ ઘણો સમય છે. પણ હવે સાલું 2022 અને 2024 માં વોટ આપતાં પહેલાં વિચારવું પડશે.