એક MBBS ડોક્ટરે રેમડેસીવીરના ગેરવહીવટ મામલે રૂપાણી અને ‘ભાઉ’ સરકારે કરેલી ભૂલોની પોલ ખોલી નાખી

આજકાલ કોરોનાના કેસ વધતા રાજ્યમાં અને દેશમાં રેમડેસીવીર ઇન્જેક્શન ડિમાન્ડ વધી છે. ગુજરાતમાં ઝાયડસ હોસ્પિટલ, જી.સી.એસ હોસ્પિટલની વગેરેની બહાર દર્દી માટે પરિવારજનોની રેમડેસીવીર માટે લાંબી…

આજકાલ કોરોનાના કેસ વધતા રાજ્યમાં અને દેશમાં રેમડેસીવીર ઇન્જેક્શન ડિમાન્ડ વધી છે. ગુજરાતમાં ઝાયડસ હોસ્પિટલ, જી.સી.એસ હોસ્પિટલની વગેરેની બહાર દર્દી માટે પરિવારજનોની રેમડેસીવીર માટે લાંબી લાઈન લગાવી હતી. આ બધા વચ્ચેથી સત્તાપક્ષના પ્રદેશ પ્રમુખશ્રી અને સુરતના યુવા ધારાસભ્યશ્રી દ્વારા હજારો રેમડેસીવીર ઇન્જેક્શનને બારોબાર ખરીદીને સુરત પક્ષ કાર્યાલય પરથી વિતરણ કરવાનો અન્યાય સભર નિર્ણય કર્યો. આ બાબતે હાઈ કોર્ટમાં સરકારના સોલીસીટર જનરલ દ્વારા એવી દલીલ રજુ કરવામાં આવી કે, “પક્ષ પ્રમુખ જે કર્યું તે ટાળી શકાયું હોત પરંતુ એમાં ખોટું શું છે? પક્ષપ્રમુખનો ઉદ્દેશ સેવાનો હતો” આ દલીલ વાતને ટાળવા પૂરતું જ લાગ્યું. પરંતુ આ ઘટનામાં મને સાહેબનો સેવા કરતા આંતરિક મેવા મેળવવા માટેનો શોર્ટ કટ વધારે લાગ્યો. આ ઘટના માટે અમુક મુદ્દા મને જરૂરી લાગ્યા જેમ કે,

૧. સાહેબે જે જગ્યાએથી રેમડેસીવીર ઇન્જેક્શન લીધા હશે તે જગ્યાએ સ્ટોક ખાલી થઈ ગયા હશે. એટલે બિચારા સવારથી પોતાના સ્વજન માટે ઇન્જેક્શન લેવા માટે ઊભેલા સગા વ્હાલાઓને ખાલી હાથે નિરાશ થઈને ઘરે આવવું પડ્યું હશે. એમાંથી ઘણા લોકો અમદાવાદ સિવાયના શહેરોમાંથી પણ આવ્યા હશે.

૨. ઘણા લોકોની દલીલ એવી વાંચી કે, માસ્ક, ઉકાળા વગેરેનું વિતરણ ગમે ત્યાંથી કરી શકાય તો રેમડેસીવીરનું કેમ નહીં? ડ્રગ એન્ડ કોસ્મેટિક રુલ પ્રમાણે રેમડેસીવીર શેડ્યુલ X ડ્રગમાં આવે એટલે કે જે માત્ર રજીસ્ટાર મેડીકલ પ્રેકટીશનર અથવા ફિઝિશિયનના પ્રિસ્ક્રિપ્શન પર જ તમે લઈ શકો અથવા આપી શકો અને તે પણ ફાર્માસ્ટનું લાયસન્સ ધરાવતા હોય તે જ વિતરણ કરી શકે અને સંગ્રહ કરી શકે. નહિતર ભારત સરકારના ખોરાક અને ઔષધ નિયમ તંત્ર-૧૯૪૦ ના સેકશન ૧૮-ક હેઠળ સજાપાત્ર ગુનો બને. કેમકે રેમડેસીવીર ખુબ સંવેદનશીલ દવા છે તેના અયોગ્ય ઉપયોગના કારણે કિડની અને લીવર પર ગંભીર આડઅસર પણ થઈ શકે. એટલે આપે જે રીતે વિતરણ કર્યું તે અયોગ્ય છે. એમાં પણ યુવા ધારાસભ્યશ્રી મીડિયાના માધ્યમ દ્વારા આ રીતે વિતરણ કરવા માટે અન્ય પક્ષોને ચુનોતી આપે છે તે બિલકુલ ગેરકાયદેસર અને ગેરવ્યાજબી છે.

૩. પ્રદેશ પક્ષપ્રમુખ સાહેબે માત્ર સુરતની ચિંતા કરી, વાસ્તવમાં તે કોરોનાના કારણે આપણા સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ ખૂબ જ કરુણદાયક છે. અને સાહેબ સમગ્ર ગુજરાત પ્રદેશના સત્તાપક્ષના પ્રમુખ છે તેથી આ સંજોગોમાં સરકાર યોગ્ય રીતે કામ કરે છે કે નહિ તેં જોવાની તેમની જવાબદારી છે. એટલે એમને આખા ગુજરાતના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવાની હોય માત્ર સુરતની નહીં!! જો તેમને ગુજરાતની વણસતી સ્થિતિની ચિંતા હોય તો તેઓ પોતાના પક્ષની સરકારના મુખ્યમંત્રીશ્રી તથા આરોગ્ય મંત્રીશ્રી સાથે આ બાબતે યોગ્ય ચર્ચા, સૂચન, માર્ગદર્શન દ્વારા સરકાર સાથે મળીને ગુજરાત રાજ્યનું ભલું કરી શકત. અહી સવાલ તે છે કે, કોઈ પણ પરિવારમાં કોઈ કોરોના પોઝિટિવ આવેને રેમડેસીવીરની જરૂર પડે તો તેમના સગા વ્હાલાઓને કેમ રેમડેસીવીર માટે રસ્તા પર લાઈનમાં રજળવું પડે છે? અહી કોઈ મફત માગતું નથી. લોકો ચોક્કસ સરકાર દ્વારા નક્કી કરેલ ઈન્જેકશનની કિંમત આપવા બધા તૈયાર જ છે. કાળાબજાર નહીં. તો કેમ ઇન્જેકશન દર્દીના બેડ સુધી નથી પહોચતા? જે રેમડેસીવીર સરકારી સીવીલ હોસ્પિટલમાં દાખલ દર્દીને તેમના બેડ સુધી પહોંચાડીને આપવામાં આવે જ છે તો પ્રાઇવેટ ના દર્દીઓને કેમ નહિ? આ માટે સરકારે યોગ્ય ચેઈન બનાવી ને આગળ વધવું જોઈએ,

જેમકે દરેક જિલ્લામાં સરકાર દ્વારા જ પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ માટે મંજૂરી આપવામાં આવી છે તો તે કોવિડ હોસ્પિટલમાં દિવસમાં કુલ કેટલા દર્દીને કેટલા ડોઝ રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂર છે ઉપરાંત પ્રાઇવેટ કોવિડ હોસ્પિટલ સિવાય પણ સરકારે એમડી ફીઝીસીયન ને પણ ઓપીડી બેઝ પર રેમડેસીવીર દેવાની મંજૂરી આપેલ છે તેથી આવી રીતે જિલ્લામાં કેટલા ફીઝીસીયનને આ રીતે કેટલા દર્દી માટે કેટલા ડોઝની જરૂર છે આ બધી માહિતી દર્દીના આધાર કાર્ડ સાથેની ઓનલાઇન પોર્ટલ કે ઓફલાઈન દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી/જીલ્લા સિવિલ સુપ્રિટેન્ડન્ટશ્રી/કલેકટરશ્રીની ઓફીસ પર પહોંચાડી. તે જ દિવસે કે બીજા દિવસે આટલા ડોઝ ઉપરોક્ત અધિકૃત સ્થળે પહોંચાડી અને ત્યાંથી હોસ્પિટલના સ્ટાફ દ્વારા જે તે હોસ્પિટલ સુધી અને અંતે દર્દીના બેડ સુધી પહોંચાડી શકાય. આ માટે પેમેન્ટમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી શકાય. ખાસ સરકારે આ બાબતે કોઈ પરિપત્ર બહાર પાડ્યો હશે તો તેનો હજુ અમલ વ્યવસ્થિત થતો નથી. કેમ કે હજુ લોકો સોશિયલ મીડિયા અને ફોન પર રેમડેસીવીર માટે સંપર્ક કરી રહ્યા છે ને કાળાબજારી ચાલુ છે.

૪. ઉપરોક્ત ચેઈન કરવાથી ઘણા ફાયદા થશે એક તો રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી નોંધપાત્ર અટકશે.બીજું કે આપણા ગુજરાતમાં રોજના ૨૫,૦૦૦ કરતા વધારે રેમડેસીવીર ઇન્જેક્શન ઉત્પાદન થાય છે એટલે અહીં રાજ્યમાં ઈજેકશનની અછતને અવકાશ જ નથી!એટલે અહીં સવાલ રેમડેસીવીર ઇન્જેક્શન ગેરવહીવટનો છે. સંગ્રહખોરી થાય હોય તે સક્ષમ વિતરણ દ્વારા અટકાવી. અને કાળાબજારી અને સંગ્રહખોરી કરતા તત્વો સામે સરકારે સજાગ થઈને સક્રિય પગલાં લેવા જોઈએ.

૫. અત્યારે રેમડેસીવીર ઇન્જેક્શન માટે એક પેનીક વાતાવરણ ઉભુ થયેલું છે એટલે લોકો તેમના પરિવારમાં કોઈ પોઝિટિવ આવે એટલે તરત જ ઇન્જેક્શન શોધવા માંડે છે એવું માનીને કે જરૂર પડે ત્યારે નહીં મળે તો? ઘણીવાર તો દર્દીના સગા સામેથી ડોક્ટરને રેમડેસીવીર પ્રિસ્ક્રિપ્શન લખવા માટે કહેતા હોય છે. તો જો યોગ્ય વિતરણ કરવામાં આવે તો લોકોમાં એવો વિશ્વાસ આવશે કે જયારે ચોક્કસપણે આપના દર્દીને રેમડેસીવીર ઇન્જેક્શન ની જરૂર હશે ત્યારે હોસ્પિટલમાં તેમના બેડ પર જ મળી રહેશે.

૬. ખાસ, રેમડેસીવીર ઇન્જેક્શન લાઈન લાગતી એના કારણે કોરોના કેસ વધવાના ચાન્સ વધુ રહે એટલે એવું બને કે દર્દી કોરોનાથી સાજો થાય ત્યાં અન્ય પરિવારના માણસને કોરોના થાય અને તડકામાં ડીહાઈડ્રેશન પણ થઈ શકે. એટલે લાઈન લાગવી કોઈપણ સંજોગોમાં યોગ્ય નથી.

૭. આ રીતે ગુજરાત સત્તાપક્ષના પક્ષ પ્રમુખશ્રી અને યુવા ધારાસભ્યશ્રીએ પોતાની સરકાર દ્વારા યોગ્ય ચેઈન દ્વારા કામ કરવું જોઈતું હતું. વધુમાં રેમડેસીવીર ઇન્જેક્શન સુરત લાવીને તેઓ શહેરમાં જે કોવિડ હોસ્પિટલમાં રેમડેસીવીરની જરૂર હોય ત્યાં પહોંચાડી શક્યા હોત. પરંતુ પક્ષ કાર્યાલયને કેન્દ્ર સ્થાને રાખીને વિતરણ કરવું તદ્દન ખોટું છે. મારા મત પ્રમાણે એક શહેરમાં લાગેલી લાઈનને અન્ય શહેરમાં ખસેડી એટલું જ કર્યું બાકી મુખ્યત્ત્વે જનતા તો અંતમાં લાઈન માં જ રહી!!

ખાસ, રેમડેસીવીર કોઈ લાઈફ સેવિંગ દવા નથી તે ઘણા નિષ્ણાંત ડોકટરો પણ કહી રહ્યા છે.તે માત્ર દર્દીને હોસ્પિટલમાં દાખલ સમયગાળો ઘટાડે છે બાકી મૃત્યુદરમાં કોઈ જ ફરક પડતો નથી. એટલે માત્ર મોડરેટ દર્દીને જ અને માત્ર ડોક્ટરની સલાહ થી લેવી જોઈએ. હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીને રેમડેસીવીરની જરૂર નથી. રેમડેસીવીર માટે કેન્દ્ર સરકાર ગાઈડલાઈન નક્કી કરી છે તે ફોટો કૉમેન્ટમાં મૂકી છે.. આભાર. – ડૉ. વિશાલ જાની- MBBS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *