રાજુલાની ઘાણો નદીમાં ડૂબતા આધેડને બચાવવા ધારાસભ્યે નદીમાં લગાવી મોતની છલાંગ- છતાં ન બચ્યો જીવ

Published on: 1:35 pm, Wed, 13 October 21

અમરેલી(ગુજરાત): હાલમાં અમરેલી(Amreli)નાં રાજુલા(Rajula)માંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઘાણો નદી(Ghano river)માં આજે એક આધેડ(aged) ડૂબી જતાં તેમને બચાવવા માટે ખુદ પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી(hira Solanki)એ જીવની પરવા કર્યા વગર પાણીમાં છલાંગ લગાવી દીધી હતી. જોકે, ત્રણ કલાકની શોધખોળ બાદ આધેડની લાશ સામે કાંઠેથી મળી આવી હતી.

મળતી માહિતી મુજબ, રાજુલા શહેરમાં આવેલી ઘાણો નદીમાં આજે 75 વર્ષીય સાતાભાઈ ભાણાભાઈ ડૂબી જતાં સ્થાનિક લોકો દ્વારા પાલિકા અને ધારાસભ્યને જાણ કરવામાં આવી હતી. જેથી પાલિકાની ફાયર ટીમ દ્વારા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાની જાણ પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીને થતાં તેઓ પણ તેમના તરવૈયાની ટીમ સાથે દોડી આવ્યા હતા.

ઘાણો નદીમાં ચારે તરફ પાણીનો ધસમસતો પ્રવાહ હતો. જેને કારણે લોકો ચિંતિત હતા, આધેડ મળતા ન હતા. આ પરિસ્થિતિ જોઇ હીરા સોલંકીએ પોતે પણ આ નદીમાં વૃદ્ધને શોધવા માટે ઝંપલાવ્યું હતું. આ જોઇને લોકો પણ ચોંકી ઊઠ્યા હતા. જ્યારે 3 કલાકની શોધખોળ બાદ સામા કાંઠેથી સાતાભાઈ ભાણાભાઈ ચાવડાની લાશ મળી આવી હોવાનું જાણવા મળ્યું હતું.

આ ઘટના અંગે હીરા સોલંકીએ જણાવ્યું હતું કે, હું જાફરાબાદમાં હતો, મને જાણ થઇ એટલે હું મારા ટીમના છોકરાઓને લઇ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ભારે જહેમત બાદ તેઓ મૃત હાલતમાં મળી આવ્યા, જેનું દુઃખ છે. હું એક નહીં, ઘણા બધા લોકો મદદ માટે દોડી આવ્યા હતા એ એક સારી બાબત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.