ફરીવાર દીકરીઓએ મેદાન માર્યું, 12 સાયન્સનું પરિણામ જાહેર- વાંચો સફાઈ કામદારના દીકરો બન્યો ટોપર

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2019માં લેવાયેલી ધોરણ-12 સાયન્સની પરીક્ષાનું 71.90 ટકા પરિણામ જાહેર થયું છે. જે ગત વર્ષ કરતા એક ટકો ઓછું છે. ગુજરાતમાં કુલ 123860 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. રાજકોટ જિલ્લાનો સૌથી વધુ 84.47 ટકા જ્યારે છોટાઉદેપુર 29.81નું પરિણામ આવ્યું છે.

સો ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 35 છે. જે ગત વર્ષે 42 હતી. સો ટકા કરતા ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 49 છે. જે ગત વર્ષે 26 હતી. આ જ રીતે A1 ગ્રેડ ધરાવાળા એટલે કે 91 ટકાથી વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ગત વર્ષ કરતાં ઘણો જ વધારો થયો છે. આ પરીક્ષામાં કુલ 254 વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે.

ગત વર્ષની પરીક્ષામાં માત્ર 136 વિદ્યાર્થીઓ A ગ્રેડ મેળવ્યો હતો. આ જ રીતે ગત પરીક્ષામાં A2 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 2838 હતી. જે આ વર્ષે વધીને 3690 થઈ છે. દર વર્ષની જેમ આ વખતે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ કરતા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓનું પરિણામ 4 ટકા ઊંચું આવ્યું છે. ગુજરાતી માધ્યમનું 71% તો અંગ્રેજી માધ્યમના ઉમેદવારનું 75 ટકાથી વધુ પરિણામ આવ્યું છે જ્યારે A ગ્રુપનું પરિણામ 78.92 ટકા અને B ગ્રુપનો પરિણામ 67.26 ટકા આવ્યું છે.

આ પરીક્ષામાં રાજ્યભરમાં ગેરરીતીના કુલ 365 કિસ્સા નોંધાયા હતા. જે ગત વર્ષની પરીક્ષામાં માત્ર 120 હતા. સૌથી વધુ પરિણામ ધ્રોલ કેન્દ્રનું 91.60% અને સૌથી ઓછુ પરિણામ બોડેલી કેન્દ્રનું 27.61 ટકા આવ્યું છે.

આશ્ચર્યની વાત એ છે કે ગત પરીક્ષામાં પણ સૌથી ઓછું અને સૌથી વધુ પરિણામ આજ કેન્દ્રમાં આવ્યું હતું. આ પરીક્ષામાં છોકરાઓનું 71.82 ટકા જ્યારે છોકરીઓનું પરિણામ 72 ટકા આવ્યું છે એટલે કે છોકરાઓને સરખામણીમાં છોકરીઓના પાસ થવાની સંખ્યા વધુ છે.

ધોરણ સાયન્સ 12ના જાહેર થયેલા પરિણામમાં અમદાવાદ  સિવિલ હોસ્પિટલમાં કેર ટેકર(સફાઈ કામદાર) તરીકે નોકરી કરતા અશોકભાઈના દીકરા યશ અધિકારીએ 99.80 પર્સેન્ટાઈલ અને 93 ટકા સાથે અનોખી સિદ્ધિ મેળવી છે. યશના ભાઈ સિદ્ધાર્થ પણ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. ધોરણ 12 સાયન્સમાં તેજસ્વી વિદ્યાર્થી બનેલા યશને PDPUમાં ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવીને એન્જિનિયર બનવાની ઈચ્છા છે. યશના પિતા અશોકભાઈ કે જેઓ એક સામાન્ય સફાઈ કામદાર તરીકે નોકરી કરી રહ્યાં છે. પરંતુ તેમના દીકરાઓના મોટા માણસ બનાવવા માટે તેમણે પેટ પાટા બાંધીને બંને પુત્રોને ભણાવવા માટે કોઈ કસર રાખા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *