‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના અનાવરણ કાર્યક્રમમાં તેમના પૌત્ર જ નહીં રહે હાજર!

Published on Trishul News at 5:37 AM, Thu, 25 October 2018

Last modified on October 25th, 2018 at 5:37 AM

31મી ઓક્ટોબરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. 182 મીટર ઊંચી સરદારની પ્રતિમા એટલે કે ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના અનાવરણ કાર્યક્રમમાં હાજર રહેવા માટે સરદારના જન્મસ્થળ કરમસદના 35 જેટલા તેમના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ લોકોને ગોલ્ડ પાસ આપવામાં આવ્યા છે એટલે કે મોદી સહિતના વીવીઆઈપીઓ સાથે બેસવાનો મોકો મળશે. જોકે, આ કાર્યક્રમમાં સરદારના એકમાત્ર જીવિત પૌત્ર ગૌતમ પટેલ અને તેમના પત્ની હાજર નહીં રહે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના કહેવા પ્રમાણે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી છેલ્લા 15 દિવસથી તેમનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે, પંરતુ ગૌતમ પટેલ અને તેમના પત્ની નંદિની પટેલે આ કાર્યક્રમથી દૂર જ રહેવાનું નક્કી કર્યું છે.

ગૌતમ પટેલ વડોદરા સ્થાયી થયેલા છે. ગૌતમ પટેલનો પુત્ર કેદાર અમેરિકા સ્થાયી થયો હોવાથી તેઓ વડોદરા અને અમેરિકા વચ્ચે આવન જાવન કરતા રહે છે. હાલ તેઓ અમેરિકામાં જ છે. એક મહિના પહેલા જ તેઓ વડોદરાથી અમેરિકા ગયા છે.

કેદાર પટેલ સરદારનો એકમાત્ર સીધી લીટીનો વારસદાર

સરદાર વલ્લભભાઈ પટેલ અને ઝવેરબાને ડાહ્યાભાઈ અને મણીબેન એમ બે સંતાનો હતા. જેમાંથી મણીબેન આજીવન કુંવારા રહ્યા હતા. ડાહ્યાભાઈને લગ્નથી બે સંતાનો થયા હતા, જેમાંથી મોટા પુત્રનું નામ બિપન અને નાના પુત્રનું નામ ગૌતમ છે.

બિપિનભાઈને કોઈ સંતાન ન હતું, વર્ષ 2004માં તેમનું નિધન થયું હતું. આથી ગૌતમ પટેલનો પુત્ર કેદાર કે જે અમેરિકા સ્થાયી થયો છે તે સરદાર પટેલનો એકમાત્ર સીધી લીટીનો વારસદાર છે. હાલ ગૌતમભાઈની ઉંમર 78 વર્ષ છે.

સરદારના એકમાત્ર જીવિત પૌત્ર લાઇમ લાઇટથી દૂર રહે છે. ગૌતમ પટેલ અને નંદિનીએ વર્ષ 2006માં કરમસદ ખાતે સરદાર મેમોરિયલની મુલાકાત લીધી હતી.

Be the first to comment on "‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ના અનાવરણ કાર્યક્રમમાં તેમના પૌત્ર જ નહીં રહે હાજર!"

Leave a comment

Your email address will not be published.


*