નવા વર્ષની ભેટઃ આજથી ફિલ્મની ટિકિટ સહિત આ 23 વસ્તુ થઈ સસ્તી

સામાન્ય જનતાને સરકારે નવા વર્ષની ગિફ્ટ આપતા પ્રથમ જાન્યુઆરીથી સિનેમા ટિકિટ, 32 ઇંચના ટીવી અને મોનિટર સ્ક્રિન સહિત 32 જેટલી વસ્તુઓ પર જીએસટી દરોમાં ઘટાડો…

સામાન્ય જનતાને સરકારે નવા વર્ષની ગિફ્ટ આપતા પ્રથમ જાન્યુઆરીથી સિનેમા ટિકિટ, 32 ઇંચના ટીવી અને મોનિટર સ્ક્રિન સહિત 32 જેટલી વસ્તુઓ પર જીએસટી દરોમાં ઘટાડો કર્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) પરિષદની 22મી ડિસેમ્બરના રોજ મળેલી બેઠકમાં 23 વસ્તુઓ સસ્તી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ વસ્તુઓમાં સિનેમા ટિકિટ, ટેલિવિઝન અને મોનિટર સ્ક્રિન, પાવર બેંક વગેરે સામેલ છે. આ ઉપરાંત ફ્રોઝન ને પેક્ડ વેજિટેબલને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ગ્રાહકોએ મંગળવારે આ વસ્તુઓ પર ઘટાડેલી કિંમત ચુકવવી પડશે. પ્રથમ જાન્યુઆરીથી આ વસ્તુઓ પર જીએસટીનો દર ઓછો થઈ રહ્યો છે. જેના કારણે આ વસ્તુઓના ભાવમાં ઘટાડો થશે.

જીએસટી પરિષદે ગત બેઠકમાં આ વસ્તુઓ પર લાગતા 28 ટકાના જીએસટી દરને ઓછો કર્યો છે. અમુક વસ્તુઓ પર ટેક્સ ઘટાડીને 18 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે અમુક વસ્તુઓને 18 ટકામાંથી 12 ટકાના સ્લેબમાં લાવવામાં આવી છે. હવે જીએસટીના સૌથી ઊંચા દર એટલે કે 28 ટકાના સ્લેબમાં અમુક લક્ઝરી વસ્તુઓ રહી છે.

જીએસટી પરિષદે પોતાની બેઠકમાં દિવ્યાંગ વ્યક્તિઓને કામ આવતા વાહનોના સ્પેરપાર્ટ્સ પર જીએસટી દર 28 ટકામાંથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે. ટ્રાન્સપોર્ટેશન વાહનોના થર્ડ પાર્ટી વીમા પર જીએસટી દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવામાં આવ્યો છે.

સંગેમરમરના પથ્થરો, પ્રાકૃતિક કોર્ક, ફ્લાઇંગ એશથી બનેલી ઈંટો વગેરે પર પાંચ ટકા જીએસટી લાગશે. સંગીતના પુસ્તકો, રાંધ્યા વગરની અથવા વરાળથી પાકેલી અથવા ઉકાળીને બનાવવામાં આવેલા શાકભાજી તેમજ ફ્રોઝન કરવામાં આવેલી શાકભાજી પર હવેથી કોઈ જ જીએસટી નહીં લાગે.

જનધન યોજના અંતર્ગત ખોલવામાં આવેલા બચત ખાતાધારકોએ હવે બેંકોની સેવા માટે જીએસટી નહીં આપવો પડે. સરકાર દ્વારા સંચાલિક અથવા ચાર્ટર્ડ ઉડાન દ્વારા યાત્રા કરનાર યાત્રિકોએ હવે પાંચ ટકા જીએસટી આપવો પડશે.

આ ઉપરાંત રૂ. 100 સુધીની સિનેમા ટિકિટ પર 18 ટકાના બદલે 12 ટકા જીએસટી લાગશે. 100 રૂપિયાથી મોંઘી સિનેમા ટિકિટ પર પણ 28 ટકાના બદલે 18 ટકા જીએસટી લાગશે. 33 ઇંચ સુધીના ટીવી તેમજ મોનિટર અને પાવર બેંક પર પહેલા 28 ટકા જીએસટી દર હતો, જેના બદલે હવે તેના પર 18 ટકા જીએસટી લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *