નકલી નોટ ના વેપારમાં ગુજરાત પહેલા નંબરે, રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ- વાંચો હકીકત…

૨૦૧૫થી ૨૦૧૮ વચ્ચે નકલી નોટો પકડાવવાના મામલે દેશના ૧૭ સરહદી રાજયોમાંથી ગુજરાત પ્રથમ ક્રમે છે. આ વર્ષે ૧ જાન્યુઆરીએ લોકસભામાં રજૂ કરાયેલા NCRB ના રિપોર્ટ પ્રમાણે, નોટબંધી પછી ૨૦૧૭ અને ૨૦૧૮માં ગુજરાતમાંથી ૧૦.૧૬ કરોડની નકલી નોટો ઝડપાઈ હતી જયારે ૨૦૧૫ અને ૨૦૧૬માં આ આંકડો ૩.૯૬ કરોડ હતો.

૨૦૧૮માં ગુજરાતમાં ૧.૧૫ કરોડના મૂલ્યની ૨૭,૭૨૪ નકલી નોટો ઝડપાઈ. જયારે પશ્ચિમ બંગાળમાંથી કુલ ૧.૪૦ કરોડની નકલી નોટો ઝડપાઈ. આ મામલે ૨૦૧૮માં પશ્ચિમ બંગાળ પ્રથમ ક્રમે અને ગુજરાત બીજા ક્રમે રહ્યું. ગુજરાતની જમીની અને દરિયાઈ સરહદને અડીને પાકિસ્તાન આવેલું છે ત્યારે ૨૦૧૭માં ૯ કરોડની નકલી નોટો સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે હતું. બાંગ્લાદેશ, નેપાળ અને ભૂટાન પશ્ચિમ બંગાળની સીમાએ આવેલા દેશો છે. ૨૦૧૭માં પશ્ચિમ બંગાળમાંથી ૬.૧૯ કરોડની નકલી નોટો પકડાઈ હતી.

ઉચ્ચ પોલીસ અધિકારીઓના મતે ગુજરાતની પોલીસ સતર્ક હોવાથી બજારમાં નકલી નોટો પ્રવેશતી અટકાવાઈ. અધિકારીઓના મતે ગુજરાતમાં વેપાર-ધંધા સમૃદ્ઘ હોવાથી નાણાંકીય લેવડ-દેવડ પણ મોટા પ્રમાણમાં થાય છે એટલે નકલી નોટો ફરતી કરવી સરળ છે.

પોલીસે જણાવ્યું, ‘નકલી નોટો પકડાવવાના મોટાભાગના કેસના મૂળિયા પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં હોય છે. આ નકલી નોટોનો જથ્થો ગુજરાતના મોટા શહેરોમાં પહોંચાડવામાં આવે છે અને અહીંથી મુંબઈ, દિલ્હી અને બેંગલુરૂ જેવા મેટ્રો સિટીમાં પહોંચી આર્થિક સ્થિતિ નબળી પાડે છે.