પાટીદાર આંદોલનમાં સૌથી વધુ દુ:ખી થયા 14 શહીદોના પરિવારો, કન્વીનરો નેતા બની ગયા- આંદોલનનો ફિયાસ્કો

Published on: 7:45 am, Thu, 2 May 19

મહેશ પટેલ, gujaratpost.in એડિટર: રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનનું હવે કોઇ જ અસ્તિત્વ નથી. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે આ ઇશારો કરી દીધો છે. ખોડલધામના નરેશ પટેલ સાથે મુલાકાત બાદ હાર્દિકે આંદોલન પુરુ થયાની વાત કરી દીધી છે. તેમના સાથી ગીતા પટેલ કહે છે કે શહીદોના પરિવારોને સરકારી નોકરી નહીં મળે ત્યાં સુધી લડીશું. રેશ્મા પટેલે કહ્યું હજુ આંદોલન ચાલું છે તો વરુણ પટેલ કહી રહ્યાં છે કે આ તો હાર્દિક પટેલનો રાજકીય સ્વાર્થ પુરો થઇ ગયો પછી આંદોલન કેવું. જેનું સમાજ માટે કોઇ સ્ટેન્ડ નથી તેવા દિનેશ બાંભણિયા અલ્પેશ કથિરીયાના નામે આંદોલન સળગતું રહે તેવા પ્રયાસ કરી રહ્યાં છે. વાત જે પણ હોય પરંતુ લગભગ પાસના બધા નેતાઓના સ્વાર્થ પુરા થઇ ગયા છે. કોઇ ભાજપમાં, કોઇ કોંગ્રેસમાં તો કોઇ હજુ આંદોલન સળગાવવાના પ્રયાસમાં.

આ બધાની વચ્ચે 2016માં આંદોલન સમયે શહીદ થયેલા 14 પાટીદારોના પરિવારોએ સૌથી વધુ દુખ ભોગવ્યું છે. કોઇએ દિકરો ગુમાવ્યો છે તો કોઇએ પરિવારનો મોભી. આજે પણ આ પરિવારોને ભાજપ સરકાર નોકરી નથી આપી રહી માત્ર વાતો જ થઇ રહી છે અને દુખની વાત તો એ છે કે કોઇ પણ આંદોલનકારી તેમની પડખે નથી. શહીદ પરિવારોને મળેલી રકમ ચાઉં કરી જવાના હાર્દિક પટેલ પર તેમના જ જૂના સાથીઓએ આરોપ લગાવ્યાં છે. એક રીતે સમગ્ર આંદોલન પૈસા અને રાજનીતિની મહાત્વાંકાક્ષાઓ સંતોષવા માટેનું બની રહ્યું છે. માત્ર ભાજપમાં જોડાયેલા ચિરાગ પટેલે સરકારને ચીમકી આપી છે કે જો શહીદોના પરિવારજનોને નોકરી નહીં મળે તો હું ભાજપ છોડી દઇશ. રેશ્મા પટેલ પણ શહીદોના પરિવારો માટે સચિવાલયના ધક્કા ખાતા જોવા મળ્યાં હતા. કોંગ્રેસમાં જોડાયેલા અતુલ પટેલે પણ શહીદોના નોકરી મળે માટે પ્રયાસ કર્યા હતા. પાસના સંગઠન મંત્રી દિલીપ સાબવાએ શહીદ યાત્રા કાઢીને પરિવારોને ન્યાય અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સુરતમાં હાર્દિક પટેલની દોરવણીથી યાત્રામાં વિક્ષેપ ઉભો કરાયો હતો.અને સાબવાને રિવોલ્વોર બતાવીને તેની બોલતી બંધ કરી દેવાઇ હતી. આ વાત સાબવાએ મીડિયા સમક્ષ પણ કરી હતી.

અહી શહીદોના નામે બધા રાજનીતિ કરીને પોતાના રાજકીય રોટલા શેકી રહ્યાં છે. કોઇ ભાજપના ઇશારે તો કોઇ કોંગ્રેસના ઇશારે કામ કરીને પાટીદાર સમાજ સાથે રમત કરી રહ્યાં છે. કોઇ અલ્પેશ કથિરીયાના જેલમાંથી બહાર લાવવા સરકાર પર દબાણ કરવાની વાતો કરે છે તો કોઇ હજુ મોટા આંદોલનની. પરંતુ અહી હવે પાટીદાર સમાજને કોઇ જ ફાયદો થવાનો નથી. 10 ટકા આર્થિક અનામત મળ્યાં બાદ હાર્દિક પટેલ હવે કોંગ્રેસનો સ્ટાર નેતા બની ગયો છે અને તેનો રાજકીય સ્વાર્થ પુરો થતા નરેશ પટેલ જેવા સમાજના આગેવાનો પણ હવે સમાજને મુર્ખ બનાવી રહ્યાં હોય તેવું લાગે છે. કોઇ રાજકીય પાર્ટી સાથે ન હોવાની વાત કરનાર નરેશ પટેલ હાર્દિક અને દિનેશ બાંભણિયા સાથે મળીને શું પકાવી રહ્યાં છે તે હજુ સુધી પાસના નેતાઓને કે પાટીદાર સમાજને પણ ખબર નથી.

હવે પાટીદાર સમાજે અને ખાસ કરીને યુવાનોએ સમજી જવાની જરૂર છે કે આ આંદોલન રાજકીય સ્વાર્થ અને રૂપિયા કમાવવા હતું નહીં કે સમાજ માટે હવે યુવાનોએ પોતે જ પોતાના ભવિષ્યની ચિંતા કરવી જોઇએ. સાથે જ શહીદ પરિવારોએ પોતાના દમ પર જ ઉભું થવું પડશે અને જે પાટીદારો પર પોલીસ કેસ થયા છે તેમને જાતે જ લડવા તૈયાર થવું પડશે.