મેઘરાજાની મહેર, બનાસકાંઠાના વાવમાં સવારે 6 વાગ્યા સુધી 9 ઇંચ વરસાદ.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોમવારે સવારે છ…

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. બનાસકાંઠાના વાવ તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોમવારે સવારે છ વાગ્યા સુધી વાવમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાયા છે. જ્યારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ વાવમાં વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી છે.

સોમવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદની માહિતી જોઈએ તો, અમીરગઢમાં 9 મિ.મી., ભાભરમાં 35 મિ.મી., દાંતીવાડામાં 10 મિ.મી., દિયોદરમાં 102 મિ.મી., ડીસામાં 14 મિ.મી., કાંકરેજમાં 34 મિ.મી., પાલનપુરમાં 04 મિ.મી., થરાદમાં 171 મિ.મી., વાવમાં 230 મિ.મી., વડગામમાં 20 મિ.મી., લાખણીમાં 47 મિ.મી., સુઈગામમાં 21 મિ.મી. વરસાદ પડ્યો છે.

અરવલ્લી જિલ્લામાં વરસાદ :

અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ નોંધાયો છે. જેમાં મેઘરજ તાલુકામાં 1.3 ઇંચ, મોડાસા,માલપુર અને ભિલોડામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે કપાસ, મગફળી, મકાઈ સહિતના પાકોને જીવતદાન મળ્યું છે. જિલ્લામાં હજી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રાજ્યમાં ભારે વરસાદની આગાહી

હાલ બંગાળની ખાડી તેમજ ઉત્તર ઓરિસ્સા, ઝારખંડ વિસ્તાર પર લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ લો-પ્રેશર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન થઈને ગુજરાત રાજ્ય તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ આવી પહોંચતા ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ બન્યો છે. આ સિસ્ટમ આગળ વધી રહી છે ત્યારે ગુજરાતમાં આગામી ત્રણ ચાર દિવસ સુધી મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.

આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી:

29મી જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને પાટણ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગામી ત્રણ ચાર દિવસમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, મહિસાગર, ખેડા જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર મધ્ય બાદ 30 મીએ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાવ વિભાગે વ્યક્ત કરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *