પત્નીની છેડતી કરતા શખ્સોના ત્રાસથી પતિનો આપઘાત: એકની ધરપકડ

Published on Trishul News at 2:47 PM, Thu, 8 August 2019

Last modified on December 28th, 2020 at 11:45 AM

મેમનગરમાં રહેતા યુવકે પત્નીની છેડતી કરનારા બે ભાઈઓના ત્રાસથી કંટાળીને અડાલજ પાસે કેનાલમાં પડતુ મુકીને આપઘાત કરી લીધો હતો. મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવવા માટે બે મહિના સુધી પોલીસ સ્ટેશનોમાં રઝળપાટ કરી હતી. બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારીને જાણ કરતા અંતે ઘાટલોડીયા પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને બે ભાઈઓ પૈકી એકની ધરપકડ કરી હતી.

આ બનાવની વિગત મુજબ મેમનગરમાં ઠાકોરવાસમાં રહેતા મહેન્દ્રભાઈ એસ.ઠાકોરે(૨૬)૨૭ મેના રોજ અડાલજ પાસે જમીયતપુરા કેનાલમાં પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી હતી.મહેન્દ્રભાઈની પત્ની સોનલબહેનની ફરિયાદ મુજબ તે ભક્તિનગર સોસાયટીમાં બંગલામાં ઘરકામ કરતા જતા હતા. છેલ્લા ત્રણ વર્ષથી તેમના મહોલ્લામાં ભાડેથી રહેતો ચંદન ચતુરજી ઠાકોર અવારનવાર તેનું બાઈક લઈને પીછો કરીને ઈશારા કરતો હતો. આ અંગે સોનલબહેને તેમના પતિ અને ઘરના સભ્યોને વાત કરી હતી. આથી મહેન્દ્રભાઈએ ચંદન અને તેના મોટા ભાઈ વિષ્ણુજી ઠાકોરને ઠપકો આપ્યો હતો. જેને કારણે બન્નેએ મહેન્દ્રભાઈને ગડદાપાટુનો માર માર્યો હતો. જોકે ચંદને તે વખતે હવેથી હેરાન નહી કરે એવી ખાત્રી આપતા તેમની વચ્ચે સમાધાન થયું હતું.

થોડા સમય બાદ ચંદન ફરીથી સોનલબહેનને હેરાન કરવા લાગ્યો હતો. ઉપરાંત ચંદને સોનલબહેનના પતિ અને બાળકોને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. સોનલબહેન બજારમાં જાય ત્યારે પણ ચંદન તેમને રસ્તામાં આંતરીને હાથ પકડીને છેડતી કરતો હતો. સોનલબહેનના પરિવારે ફરીથી ચંદન અને તેના ભાઈને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેમણે સોનલબહેનના ચારિત્ર્ય વિશે ખોટી વાતો કરીને બદનામ કરવાની ધમકી આપી હતી. દરમિયાન ૨૭ મેના રોજ મહેન્દ્રભાઈ તેમની રિક્ષા લઈને નીકળ્યા હતા અને જમીયતપુરા કેનાલમાં પડતુ મુકીને આપઘાત કર્યો હતો.આ અંગે અડાલજ પોલીસે એકસ્માત મોતની ફરિયાદ નોંધી હતી.

સોનલબહેને ચંદન અને તેનો ભાઈ વિષ્ણુના ત્રાસથીતેમના પતિએ આપઘાત કર્યો હોવાનું કહીને અડાલજ પોલીસને કાર્યવાહી કરવાની માંગણી સાથેની અરજી કરી હતી. બીજીતરફ અડાલજ પોલીસે વધુ તપાસ માટે આ અરજી ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં મોકલી આપી હતી. આમ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશનોમાં રઝળપાટ કરીને થાકેલા સોનલબહેને ઉચ્ચ પોલીસ અધિકારી સમક્ષ રજુઆત કરતા અંતે ઘાટલોડીયા પોલીસે ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે વિષ્ણુજી ચતુરજી ઠાકોરની ધરપકડ કરીને ચંદનની શોધ હાથ ધરી છે.

Be the first to comment on "પત્નીની છેડતી કરતા શખ્સોના ત્રાસથી પતિનો આપઘાત: એકની ધરપકડ"

Leave a comment

Your email address will not be published.


*