આંતરડા સાફ રાખવાથી લઈ વજન ઘટાડવા અને કરચલીઓ દૂર કરવા શિયાળામાં રોજ ખાજો આ 5 ભાજી, જાણો ફાયદા

Published on: 6:38 am, Sun, 30 December 18

શિયાળામાં ગરમા ગરમ સરસોનું શાક અને મકાઈની રોટલી ખાવાની મજા પડી જાય છે. શિયાળામાં બજારમાં લીલાં શાકભાજી વધુ જોવા મળે છે. આ સિવાય લીલાં પાનવાળી ભાજી પણ શિયાળામાં વધુ ખાવામાં આવે છે. જેને સાગ પણ કહેવાય છે.

તેમાંથી ભરપૂર વિટામિન, મિનરલ્સ, ફાયબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. જે આપણાં સ્વાસ્થ્ય માટે પણ બહુ જ ફાયદાકારી હોય છે. તેમાં કેલરી પણ ઓછી માત્રામાં હોય છે. જેથી તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.

ભાજીમાં ફાયબર સારી માત્રામાં હોય છે. તેનાથી મેટાબોલિઝ્મ બૂસ્ટ થાય છે, વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે. સાથે જ તે બ્લડ સર્ક્યુલેશન વધારે છે. શિયાળામાં આ સાંધાઓના દર્દમાં આરામ આપે છે. ડાયટિશિયન સિમરન સોની જણાવી રહ્યાં છે શિયાળામાં આ 5 ભાજી ખાવાના ફાયદા.

કરચલીઓ દૂર કરે છે ચોળાની ભાજી (લાલ મૂળિયાંની તાંદળજાની ભાજી)

ડાયટિશિયન સિમરન મુજબ ચોળાની ભાજીમાં લાયસિન નામનું એમિનો એસિડ હોય છે. જે વધતી ઉંમરના લક્ષણોને રોકવામાં મદદ કરે છે. જેથી શિયાળામાં આ ભાજી ખાઈ લેવાથી લાંબા સમય સુધી કરચલીઓની સમસ્યાથી બચી શકાય છે. સાથે જ તેમાં ફાયટોન્યૂટ્રિઅન્ટ્સ, એન્ટીઓક્સીડેન્ટ્સ, મિનરલ્સ અને અન્ય ઘણાં વિટામિન હોય છે. સાથે જ આ ભાજી ખાવાથી કફ અને પિત્તની સમસ્યા પણ દૂર થાય છે.

સાંધાનો દુખાવો દૂર કરે છે સરસોનું શાક

સરસોના શાકમાં કેલરી અને ફેટ બહુ ઓછું હોય છે, પણ કાર્બોહાઈડ્રેટ્સ, ફાયબર, પોટેશિયમ, વિટામિન એ, સી, ડી, બી12, મેગ્નેશિયમ, આયર્ન અને કેલ્શિયમ ભરપૂર માત્રા હોય છે. સાથે જ તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ પણ હોય છે. જે બોડીને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. તેનાથી બોડીની ઈમ્યૂનિટી વધે છે અને શિયાળામાં થતી સ્વાસ્થ્ય સમસ્યા સામે પણ રક્ષણ મળે છે. તેમાં રહેલું કેલ્શિયમ અને પોટેશિયમ હાડકાંઓને મજબૂત બનાવે છે. શિયાળામાં જે લોકોને સાંધાના દુખાવાની તકલીફ રહેતી હોય તેમણે રોજ સરસોની ભાજી ખાવી જોઈએ.

હાર્ટને હેલ્ધી રાખે છે પાલક

પાલકમાં પ્રોટીન, આયર્ન, કાર્બોહાઈડ્રેટ, ફાયબર, પોલી સેચુરેટેડ ફેટ, ઓમેગા-3 અને ઓમેગા-6 સારી માત્રામાં હોય છે. પાલકમાં કેલરી ઓછી હોય છે. તેમાં નાઈટ્રેટ હોવાથી તે બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં અને હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. સાથે જ પાલકમાં રહેલું ફોલેટ અને વિટામિન બી ઘણાં પ્રકારના કેન્સર સામે પણ રક્ષણ કરે છે.

પથરી માટે બથુઆ

શિયાળામાં બથુઆની ભાજીનું સેવન તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેમાં ઘણાં ઔષધીય ગુણો પણ રહેલાં છે. સાથે જ તેમાં વિટામિન એ, કેલ્શિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે. બથુઆનું શાક રેગ્યુલર ખાવાથી કિડનીની પથરી થવાનો ખતરો ઘટી જાય છે. આ સિવાય બથુઆની ભાજી ખાવાથી પેટમાં દર્દ, ગેસ અને કબજિયાતની સમસ્યા પણ દૂર થાય છે.

ડાયાબિટીસ માટે મેથી

રેગ્યુલર મેથીની ભાજી ખાવાથી બ્લડ કોલેસ્ટ્રોલ અને લિપિડ લેવલ ઘટાડવામાં મદદ મળે છે. તેનાથી હાર્ટ ડિસીઝનો ખતરો પણ ઘટે છે. મેથીમાં ફોલિક એસિડ, વિટામિન એ, બી6, સી, પોટેશિયમ, આયર્ન, ફોસ્ફરસ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે. તેમાં કેલરી પણ ઓછી હોય છે અને તે ફાયબરનો બેસ્ટ સોર્સ છે, તેને ખાવાથી આંતરડા સાફ રહે છે. મેથીમાં પ્રોટીન હોય છે. જેને આર્થ્રાઈટિસ છે તેમણે શિયાળામાં રોજ મેથીની ભાજી ખાવી જોઈએ. તેનાથી બ્લડ ક્લોટની સમસ્યા પણ દૂર થાય છે.