ભડકે બળી રહ્યું છે પાકિસ્તાન! હજારો લોકોની ફોજ લઇ રાજધાની પહોચ્યા ઇમરાન ખાન

Published on: 10:18 am, Thu, 26 May 22

પાકિસ્તાન(Pakistan)માં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ની સ્વતંત્રતા કૂચને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદ(Islamabad)ને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે. તે જ સમયે, ગૃહ મંત્રાલયે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેના તૈનાત કરવાનો નિર્દેશ આપ્યો છે.

અહીં મોડી રાત્રે ઇમરાન ખાન પોતાના લાખો સમર્થકો સાથે ઇસ્લામાબાદ નજીક ડી-ચોક પહોંચ્યા હતા. ઈમરાન આજથી ધરણા પર બેસશે અને સરકાર પાસે ચૂંટણી કરાવવાની માંગ કરશે. ઇમરાને ગયા મહિને વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું હતું, ત્યારબાદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના નવા વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.

શાસક પક્ષના નેતા મરિયમ નવાઝે ઈમરાનની સ્વતંત્રતા કૂચ પર નિશાન સાધ્યું છે. મરિયમે કહ્યું કે, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના કાર્યકર્તાઓ પૂર્વ પીએમના ઈશારે હિંસા ભડકાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. પરંતુ, તેનો સ્વીકાર કરવામાં આવી રહ્યો નથી.

ઈમરાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ ઈન્સાફ માંગ કરી રહી છે કે, શાહબાઝ શરીફની 13 પાર્ટીઓની ગઠબંધન સરકાર તાત્કાલિક રાજીનામું આપે. કેયર ટેકર સરકારની રચના થવી જોઈએ અને વહેલી તકે ચૂંટણી યોજવી જોઈએ. જોકે, સંસદની મુદત આવતા વર્ષે ઓગસ્ટ સુધી છે.

મંગળવારે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાને અમેરિકા પર તેમની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો હતો. શાહબાઝ શરીફ સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, આ ચોરોએ દેશને કબજે કરી લીધો છે. મને આશા છે કે સુપ્રીમ કોર્ટ અને સેના સત્યની સાથે રહેશે. સેના હવે તટસ્થ હોવાનું કહી શકે નહીં. હું ફરી કહું છું કે, અમે જેહાદ કરવા નીકળ્યા છીએ, રાજકારણ તો દૂરની વાત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.