કેવી રીતે ભણશે ગુજરાત? 5350 સરકારી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો.

Published on Trishul News at 6:16 PM, Fri, 15 November 2019

Last modified on November 15th, 2019 at 6:16 PM

રાજ્યની ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી 5350 સરકારી શાળા બંધ કરવાનો નિર્ણય શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની ઓછી હાજરી ધરાવતી શાળાઓ પણ બંધ કરવામાં આવશે. 30 ટકાથી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાંને બંધ કરી મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

તસ્વીરો સાંકેતિક છે.

મહત્વપૂર્ણ બાબત છે કે 4500 શાળામાં 30 ટકા કરતા ઓછા વિદ્યાર્થીઓ ભણે છે. તો 850 શાળામાં 10 ટકા કરતાં ઓછા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. તમામ શાળાઓ બંધ કરી મર્જ કરવાનો શિક્ષણ વિભાગે નિર્ણય કરવામાં આવ્યો છે. ધોરણ 1થી 5ની શાળાઓ માટે પ્રાથમિક શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે. શાળા બંધ અને મર્જ કર્યા બાદ ફાજલ પડેલા શિક્ષકોની જૂથ શાળામાં નિમણૂક કરવામાં આવશે. 9 હજાર શિક્ષકોની જૂથ શાળામાં નિમણૂક કરવાનું શિક્ષણ વિભાગે આયોજન શરૂ કર્યું છે.

રાજ્યની 5223 પ્રાથમિક શાળાઓને મર્જ કરવાની કવાયત શરૂ કરાઈ છે. જુદીજુદી ચાર કેટેગરીમાં આવતી શાળાઓની વિગતોના આધારે તેમને અન્ય સ્કૂલમાં મર્જ કરવા માટેની કામગીરી અત્યારથી જ તૈયારી શરૂ કરી દેવાઈ છે. હાલમાં રાજ્યમાં 100 કરતા ઓછા વિદ્યાર્થી ધરાવતા હોય તેવી શાળાઓની સંખ્યા ખૂબ  વધુ છે અને આ વિદ્યાર્થીઓને પણ નજીકની સ્કૂલમાં ટ્રાન્સફર કરાશે. આ માટે આવી શાળાઓ બંધ કરવામાં આવે તો નજીકમાં આવેલી બીજી સ્કૂલમાં વિદ્યાર્થીઓનો સમાવેશ કરી શકાય કે કેમ તે અંગે સ્થળ તપાસ કરવા માટે પણ શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત આવી સ્કૂલના શિક્ષકોની વિગતો પણ મોકલવા માટે જણાવાયું છે.
પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પત્ર લખી શાળાઓની વિગતોની ચકાસણી કરવા માટે આદેશ કર્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા ચાર ક્રાઈટેરીયા મુજબની શાળાઓ નક્કી કરી છે. જેમાં ધો.6 સુધીની શાળા, ધો.6 અને 7માં 20થી ઓછી સંખ્યા ધરાવતી શાળા, ધો.6થી 8માં 25થી ઓછી સંખ્યા ધરાવતી શાળા અને 100થી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને અલગ તારવવામાં આવી છે અને આ શાળાઓની નજીક એક કિ.મી.થી ઓછા અંતરે બીજી શાળા ઉપલબ્ધ છે કે કેમ તેની ચકાસણી કરવા માટે જણાવાયું છે.

શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ તારવી છે તેમાં રાજ્યમાં ધો.6 સુધીની 27 શાળા આવેલી છે. જ્યારે ધો.6 અને 7માં 20થી ઓછી સંખ્યા હોય તેવી 7 શાળા, ધો.6થી 8માં 25થી ઓછી સંખ્યા હોય તેવી 17 શાળા અને 100થી ઓછી સંખ્યા હોય તેવી 5172 શાળા છે. આમ, ચારેય ક્રાઈટેરીયાની મળી કુલ 5223 શાળા છે. હવે આ શાળાઓને શિક્ષણ વિભાગ દ્વારા નજીકમાં આવેલી અન્ય સ્કૂલમાં મર્જ કરશે. તે માટે આ શાળાઓની નજીકમાં એક કિ.મી.ના અંતરમાં આવેલી શાળાઓની યાદી શિક્ષણ વિભાગ દ્વારા મોકલાઈ છે. જેથી હવે જે-તે જિલ્લાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા નજીકમાં આવેલી શાળાઓની ચકાસણી કરવાની રહેશે અને કઈ સ્કૂલ વિદ્યાર્થીઓ માટે વધુ યોગ્ય રહેશે તે અંગેનો અહેવાલ તૈયાર કરીને 31 જુલાઈ સુધીમાં શિક્ષણ વિભાગને સુપરત કરવાનો રહેશે. તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીએ અહેવાલમાં જે-તે ક્રાઈટેરીયાની સ્કૂલ બંધ કરી તેના સ્થાને નજીકની કઈ સ્કૂલમાં સમાવી શકાય તે અંગે સ્પષ્ટ જણાવવાનું રહેશે. ઉપરાંત ક્રાઈટેરીયા મુજબની શાળાઓના શિક્ષકોની વિગતો પણ શિક્ષણ વિભાગને મોકલવાની રહેશે.

આમ, વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો અંગે પણ સ્કૂલ મર્જ વખતે ખાસ તકેદારી રખાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. નજીકની સ્કૂલમાં મર્જ કરવાની કાર્યવાહી વખતે રેવન્યૂ વિલેજ બદલયા છે કે કેમ તેની વિગતો દર્શાવવાની રહેશે.
2016માં અમદાવાદમાં 24 શાળાઓ ભેળવાઈ હતી

અમદાવાદ DPEO દ્વારા 2016માં અમદાવાદ જિલ્લાની 24 શાળાને વહીવટી વ્યવસ્થાના સુચારુ આયોજન કરવાના ભાગરૂપે મર્જ કરવાનું નક્કી કરાયું હતું. જેમાં જિલ્લાની 24 શાળા મર્જ કરી નવી 12 શાળા અસ્તિત્વમાં લાવવામાં આવી હતી. જે 24 શાળા મર્જ કરી નવી 12 શાળા અસ્તિત્વમાં લાવવામાં આવી હતી તે પૈકી 8 શાળાઓ અમદાવાદ શહેરી વિસ્તારની અને 6 શાળા મર્જ કરી નવી બનાવેલી 3 શાળા દસક્રોઈ તાલુકામાં આવેલી છે. ઉપરાંત 2 શાળા મર્જ કરી નવી બનાવેલી એક સ્કૂલ ધોલેરા તાલુકામાં આવેલી છે. આ ઉપરાંત રાજ્યમાં આ અગાઉ પણ અનેક શાળાઓને નજીકની શાળાઓમાં મર્જ કરવાના નિર્ણય લેવામાં આવ્યો છે.
બનાસકાંઠાની સૌથી વધુ શાળાઓ મર્જ કરાશે

રાજ્યની 5223 શાળા મર્જ કરવા અંગેની કાર્યવાહી શરૂ કરાઈ છે, જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાની શાળાઓ મર્જ કરવામાં આવનાર છે. બનાસકાંઠામાં 456 શાળા મર્જ કરાશે. આ જ રીતે દાહોદની 381, ખેડાની 312, મહિસાગરની 307, પંચમહાલની 338 શાળા મર્જ કરવામાં આવનાર છે. મોટા શહેરોની વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની 51 અને કોર્પોરેશનની 36, ગાંધીનગરની 114, રાજકોટની 75 અને રાજકોટ કોર્પોરેશનની 8, સુરતની 157 અને સુરત કોર્પોરેશનની 7, વડોદરાની 137 અને વડોદરા કોર્પોરેશનની 7 શાળાઓનો સમાવેશ થાય છે. સૌથી ઓછી બોટાદ જિલ્લાની 9 શાળાને મર્જ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "કેવી રીતે ભણશે ગુજરાત? 5350 સરકારી શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવાયો."

Leave a comment

Your email address will not be published.


*