આઝાદ ભારતના પ્રથમ કૌભાંડીને સજા, નાણામંત્રીને રાજીનામું અપાવનાર જજને જયારે કેન્દ્રીય મંત્રી બનાવાયા હતા…

હાલની LICમાં ખાધ, શેરબજારમાં ભંગાણ અને નિવૃત્ત જજને સંસદમાં મોકલવા જેવી જ ઘટના નહેરુના સમયમાં પણ બની હતી. એ વખતે જજ અને નહેરુએ શું કરેલું…

હાલની LICમાં ખાધ, શેરબજારમાં ભંગાણ અને નિવૃત્ત જજને સંસદમાં મોકલવા જેવી જ ઘટના નહેરુના સમયમાં પણ બની હતી. એ વખતે જજ અને નહેરુએ શું કરેલું ?

આ કિસ્સો ત્યારનો છે જ્યારે મોહમ્મદ કરીમ ચાગલા બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ હતા. ૧૯૫૮માં ભારતીય જીવન વીમા નિગમ(LIC)માં દેશની પ્રથમ નાણાકીય ખાધ થઈ હતી. બનેલું એવું કે કલકત્તાના ઉદ્યોગપતિ અને સટ્ટાબાજ હરિદાસ મુંદડાએ સરકારી મશીનરીનો લાભ લઈને LICને તેની (મુંદડા) કંપનીઓના શેર ખરીદવા દબાણ કરેલું. તે તમામ કંપનીઓ ડૂબી ગઈ, જેના કારણે LICને કરોડોનું નુકસાન થયું. તે સમયે નહેરુ દેશના વડાપ્રધાન હતા અને ટી.ટી.કૃષ્ણમાચારી નાણાપ્રધાન હતાં. આ ગેરરીતિનો ખુલાસો સંસદમાં વડાપ્રધાન નહેરુના જમાઈ ફિરોઝ ગાંધીએ કર્યો હતો. (ફિરોઝ ગાંધી એક પારસી પરિવારમાંથી આવતા હતાં, જેમના પિતાનું નામ જહાંગીર અને માતાનું નામ રતિમાઈ હતું. સસરા જવાહરલાલ નેહરુ જમાઈ ફિરોઝથી બહુ ખુશ નહોતા રહેતા. ઈન્દિરા ગાંધીએ પણ પોતાના પતિનાં મહત્વપૂર્ણ કામોનાં વખાણ સંસદમાં ક્યારેય કર્યાં ન હતાં. ફિરોઝ પહેલી વ્યક્તિ હતા જેણે ઇંદિરાની પોતાનો કક્કો ખરો કરાવવાની પ્રકૃતિને ઓળખી લીધી હતી. આનંદ ભવનમાં નાસ્તાના ટેબલ પર ફિરોઝે એક વખત ઇંદિરાને ફાસીવાદી પણ કહ્યાં હતાં અને એ વખતે જવાહરલાલ નેહરુ પણ ત્યાં હાજર હતા.)

LIC કેસની સુનાવણી જસ્ટિસ મોહમ્મદ કરીમ ચાગલાની સિંગલ બેંચમાં થઈ હતી. મામલો ખુબ સંવેદનશીલ હોવાથી છાગલા તમામ પ્રકારની પારદર્શિતા રાખવા માંગતા હતાં. એમણે પહેલાં તો ખુલ્લી જગ્યામાં બધા જોઈ શકે એમ સુનાવણી કરવાનું નક્કી કર્યું. જ્યારે મુંબઈ વહીવટીતંત્રે એ માટેની અસમર્થતા દર્શાવી, ત્યારે ચાગલાએ કોર્ટરૂમની બહાર મોટા મોટા લાઉડસ્પીકરો લગાવ્યા, જેથી જેઓ અંદર બેસીને કાર્યવાહી જોઈ શકતા ન હતાં તે લોકો ઓછામાં ઓછું કોર્ટરૂમની કાર્યવાહીઓ સાંભળી તો શકે. એવું કહેવામાં આવે છે કે મોટી સંખ્યામાં લોકો આ સુનાવણી જોતા અને સાંભળતા હતા. જ્યારે ન્યાયમૂર્તિ ચાગલા અધિકારીઓ, મંત્રીઓ અને અન્ય લોકોને ફટકાર લગાવતાં ત્યારે લાઉડસ્પીકરમાં એ સાંભળીને બહાર ઉભેલા લોકો તાળીઓના ગડગડાટ સાથે ઝૂમી ઉઠતાં.

જસ્ટિસ ચાગલાએ ફક્ત ૨૪ જ દિવસમાં સુનાવણી પૂર્ણ કરી. પોતાના અહેવાલમાં તેમણે હરિદાસ મુંદડાને ગેરરીતિ માટે જવાબદાર માન્યા અને બે વર્ષની જેલની સજા ફટકારી. ન્યાયમૂર્તિ મોહમ્મદ કરીમ ચાગલાએ નાણાંપ્રધાન ટી.ટી.કૃષ્ણમાચારી, નાણાંસચિવ એચ.એમ.પટેલ અને કેટલાંક એલઆઈસી અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પણ સુચના આપી. નહેરુએ તાત્કાલિક કૃષ્ણમાચારીનું રાજીનામું માંગી લીધું. આ કૌભાંડને કારણે કોંગ્રેસ સરકારની ખુબ જ બદનામી થઈ. ચાગલાએ આપેલા નિષ્પક્ષ ચુકાદાને કોંગ્રેસી નેતાઓ સહન ન કરી શક્યા. ચાગલા અને કોંગ્રેસીઓ વચ્ચે છત્રીસનો આંકડો બંધાયો. ત્યારબાદ તો ચાગલા નિવૃત્ત થયા અને આંતરરાષ્ટ્રીય અદાલતના ન્યાયધીશ પણ બન્યા.

૧૯૬૩માં ચાગલા જયારે ઇંગ્લેન્ડથી ભારત પાછા આવ્યા ત્યારે નહેરુએ એમને પોતાના મંત્રીમંડળમાં જોડાવાનું આમંત્રણ આપ્યું ત્યારે એમણે નહેરુને કહ્યું કે ‘તમે એમ વિચારીને મને મંત્રીમંડળમાં આમંત્રણ આપતા હો કે હું એક મુસલમાન છું અને તમારે મંત્રીમંડળમાં એક મુસલમાન જોઈએ છે તો મારે મંત્રીમંડળમાં જોડાવાની કોઈ ઈચ્છા નથી પણ મારી ક્ષમતા અને મારા સ્વચ્છ રેકોર્ડ માટે જો તમે મને મંત્રીમંડળમાં લેવા માંગતા હો તો હું વિચારીશ.’

નહેરુના આ નિર્ણયનો કોંગ્રેસના નેતાઓએ વિરોધ કર્યો કારણ કે આ મોહમ્મદ કરીમ ચાગલાને કારણે કોંગ્રેસના નાણામંત્રીને રાજીનામું આપવું પડેલું અને કોંગ્રેસ બદનામ થયેલી. પણ નહેરુએ ચાગલાની ક્ષમતાને ટાંકીને બધાને સમજાવ્યા અને છાગલા શિક્ષણમંત્રી બન્યા.

એક દિવસ કોંગ્રેસના નેતા મહાવીર ત્યાગી ચાગલાની ચેમ્બરમાં તેમને મળવા આવ્યા અને કહ્યું કે તેઓ તેમને મંત્રી બનાવવાના સખત વિરોધમાં હતા, પરંતુ જ્યારે તેમણે ચાગલાને સંસદમાં બોલતા સાંભળ્યા, ત્યારે તેમને સમજાયેલુ કે ચાગલા વિશેની તેમની વિચારસરણી ખોટી હતી. મહાવીર ત્યાગી ગાંધીબાપુના ચુસ્ત અનુયાયી હતાં, આદરણીય સરદાર સાહેબના મિત્ર હતાં. ચીને ભારત સાથે કરેલા વિશ્વાસઘાત બાદ સંસદમાં એમણે કરેલી નહેરુની ઝાટકણી આજે પણ બહુ પ્રખ્યાત છે.

સાર :
1. બધી પાર્ટીઓમાં પહેલેથી જ હાઈકમાન્ડનું જ ચાલે છે, આજે કાંઈ નવું નથી…!!

2. કોઈ પણ પાર્ટીના નેતાઓને પોતાના વિરુદ્ધમાં ચુકાદો આપે એવો નિષ્પક્ષ અને પ્રામાણિક ન્યાયધીશ ક્યારેય ગમતો નથી…!!

3. બધી પાર્ટીઓ એકસરખી જ હોય છે, સ્વયં એક બનો-જાગૃત બનો અને અંદરોઅંદર લડવાનું બંધ કરો.

  • અદિતિ દવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *