હવે તો અસામાજિક તત્વોથી પોલીસ પણ થઇ પરેશાન, પોલીસની બાઈક સળગાવી અને ASI ઈજાગ્રસ્ત

Published on: 10:24 am, Sat, 26 September 20

રાજ્યમાં અવાર-નવાર અસામાજિક તત્વો દ્વારા હોમલી કરવામાં આવતો હોય છે. ત્યારે આજે ફરી એક વખત વડોદરા શહેરના અક્ષર ચોકથી સનફાર્મા રોડ ઉપર ઝાડેશ્વરનગર યુ.એલ.સી. વસાહતમાં મોડી રાત્રે જૂથ અથડામણ થઇ હતી. આ ઘટના દરમિયાન, પસાર થઇ રહેલી જે.પી. પોલીસ મથકની PCR વાન સ્થળ પર પહોંચી મામલો થાળે પાડવાનો પ્રયાસ કરતા ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો. અને એક પોલીસ જવાનની બાઇકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરાયેલા હુમલામાં ASIને હાથમાં ફેક્ચર થઇ ગયું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવ બાદ વસાહતમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ સમગ્ર ઘટના દરમિયાન ઝાડેશ્વરનગર યુ.એલ.સી. વસાહત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી જે.પી. પોલીસ સ્ટેશનની PCR વાન વસાહતમાં ચાલી રહેલા ઝઘડાનો અવાજ સાંભળીને ઉભી થઇ ગઇ હતી. અને મામલો થાળે પાડવા માટે પહોંચી હતી. જોકે, પોલીસ કંઇ વિચારે અને તે પહેલા જ ઝઘડો કરી રહેલા ટોળાએ પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ ઉપર હુમલો કર્યો હતો. અને LRD જવાન દેવેન્દ્રભાઇની બાઇકને આગ ચાંપી દીધી હતી. પોલીસ ઉપર કરવામાં આવેલા પથ્થર મારામાં અને હુમલામાં PCR વાનના ASI વિનોદભાઇને હાથમાં ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત ASIને તુરંત જ નજીકની ખાનગી ઓર્થોપેડિક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. હુમલામાં તેઓને હાથમાં ફેક્ચર થયું હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે, મંગળવારે સવારે ખોડીયારનગરમાં દેવી પૂજક સમાજનો ઉત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા હતા. કોવિડ-19ની ગાઇડ લાઇનના ધજાગરા ઉડાડતા ઉત્સવ અંગે પોલીસે સમાજના આયોજકો સહિત 50 જેટલા લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત પોલીસે આ ઉત્સવમાં જોડાયેલા સમાજના લોકોને ઝડપી પાડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે અક્ષર ચોકથી સનફાર્મા રોડ ઉપર આવેલ ઝાડેશ્વર નગર યુ.એલ.સી. વસાહતમાં મોટી સંખ્યામાં દેવી પૂજક સમાજના લોકો રહે છે. સમાજના લોકોને ખોડીયારનગરના ઉત્સવના બનાવના સંદર્ભમાં પોલીસ પકડવા માટે આવી હોવાનું અનુમાન લગાવી પોલીસ ઉપર પથ્થરમારો કરી હુમલો કર્યો હોવાનું મનાઇ રહ્યું છે.

ઘટના બનતાની સાથે જ મોડી રાત્રેજે.પી. પોલીસ મથકના પી.આઇ. ડી.કે. વાઘેલાને જાણ થતાં તેઓ પણ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને મામલો થાળે પાડ્યો હતો. જે.પી. પોલીસે આ બનાવ અંગે ફરિયાદની કાર્યવાહી હાથ ધરી છે. તે સાથે રાત્રે પોલીસ ઉપર હુમલો કરી પોલીસ જવાનને ઇજા પહોંચાડનાર અને પોલીસ જવાનની બાઇકને આગચંપી કરીને નુકસાન કરનાર હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle