દારૂબંધીની ‘ઐસી કી તૈસી’ બર્થડે પાર્ટીનાં નામે ચાલતી હતી દારૂ-હુક્કા મહેફિલ, 12 નબીરાની ધરપકડ

Published on: 5:33 am, Mon, 24 December 18

31મી ડિસેમ્બર જેમ જેમ નજીક આવે છે તેમ તેમ દારૂ અને હુક્કા પાર્ટીઓનું આયોજન સામાન્ય રીતે વધે છે. રાજ્યનાં લોકો જાણે દારૂબંધીની ઐસી કી તૈસી કરી નાંખે છે. અમદાવાદમાં ગઇ કાલે રાતે દારૂ અને હુક્કાની મહેફિલ ઝડપાઇ છે. જેમાં 12 નબીરાઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા આ નબીરાઓ એમબીએ, મેડિકલ, બીસીએનો અભ્યાસ કરી રહ્યાં છે. (પ્રતિકાત્મક તસવીર)

આ મામલે મળતી માહિતી પ્રમાણે વાસણા પોલીસને એક મેસેજ મળ્યો હતો કે જીવરાજ હોસ્પિટલ પાસે આવેલી લાવણ્ય સોસાયટીમાં એક જન્મ દિનની પાર્ટી ચાલી રહી છે. જેમાં નબીરાઓ દારૂ અને હુક્કા મેહફિલ માણી રહ્યાં છે.

પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોયુ તો નબીરાઓ દારૂની મહેફિલ માણીને જોર જોરથી બુમો પાડી રહ્યાં હતાં. અનેક લોકો જુદી જુદી ફ્લેવરનાં હુક્કા પણ પી રહ્યાં હતાં.

પોલીસે હાલ આ 12 નબીરાઓને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ તમામને મેડિકલ ટેસ્ટ કરવા લઇ જવામાં આવશે.