ગુજરાતમાં કળિયુગ ચરમસીમાએ- માતા પિતાએ 5 નવજાત બાળકોને તરછોડ્યા

એકતરફ અનેક દંપતિઓ એવા છે જેઓ અદ્યતન તબીબી સુવિધાઓના ઉપયોગથી માંડીને બાધા-આખડી રાખવા છતાં તેમના ખોળાનું ખુંદનાર આવતું નથી અને તેમના ઘરે કિલકારી ગુંજતી નથી.…

એકતરફ અનેક દંપતિઓ એવા છે જેઓ અદ્યતન તબીબી સુવિધાઓના ઉપયોગથી માંડીને બાધા-આખડી રાખવા છતાં તેમના ખોળાનું ખુંદનાર આવતું નથી અને તેમના ઘરે કિલકારી ગુંજતી નથી. બીજી તરફ કેટલાક એવા પણ છે જેઓ સંતાનની પ્રાપ્તિ થઇ હોવા છતાં તેને સમાજ-આર્થિકથી માંડીને વિવિધ કારણોસર તેનો ઉછેર કરવા માટે અસમર્થતા દર્શાવે છે. લોકડાઉન બાદ હવે આવા જ વિવિધ કારણોસર અનાથાશ્રમમાં બાળકોને મૂકનારાનું પ્રમાણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૨૦ દિવસમાં અમદાવાદમાં જ પાંચ નવજાત શિશુઓને અનાથાશ્રમને ભરોસે છોડી મુકવામાં આવેલા છે.

અનાથાશ્રમને ભરોસે છોડી દેવામાં આવેલા આ એવા નવજાત શિશુઓ છે જેમણે હજુ પોતાની નાનકડી આંખો પૂરી રીતે ખોલી પણ શકતા નથી. એક જ અનાથાશ્રમમાં આટલા ઓછા સમયમાં પાંચ-પાંચ નવજાત શિશુઓને મૂકી દેવામાં આવ્યા હોય તેવું વર્ષો બાદ બન્યું છે. આ અંગે અમદાવાદના પાલડીમાં આવેલા શિશુ ગૃહના સંચાલક સુપ્રિટેન્ડેન્ટ રિતેષ શાહે જણાવ્યું કે, ‘છેલ્લા ૨૦ દિવસમાં જ માત્ર અમારા અનાથાશ્રમમાં પાંચ નવજાત શિશુને છોડી દેવામાં આવ્યા છે. આ પૈકી બે નવજાત શિશુઓ મહેસાણા-અરવલ્લીમાંથી મળી આવ્યા હતા અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેમને અનાથાશ્રમમાં મૂકવામાં આવેલા છે. આ સિવાયના બે બાળકોને અનાથાશ્રમની બહાર મૂકવામાં આવેલા ઘોડીયામાં મૂકીને કોઇ જતું રહ્યું હતું. લોકડાઉન હતું તે સમયગાળામાં બહાર નીકળવાની મનાઇને કારણે એકપણ નવું બાળક અમારા અનાથાશ્રમમાં આવ્યું નહોતું. હવે લોકડાઉન બાદ બાળકોને અનાથાશ્રમમાં મૂકવાનું પ્રમાણ અસામાન્ય રીતે વધ્યું છે. ‘ ગુજરાતમાં ૧૬ જેટલી સ્પેશિયલાઇઝ્ડ એડોપ્શન એજન્સી છે. જેમાં ૫૦થી વધુ બાળકો દત્તક લઇ શકાય તેમ છે. પાલડી ખાતે આવેલા અનાથાશ્રમમાં જ હાલ ૧૭ બાળકો હાજર છે.

અનાથાશ્રમ સાથે સંકળાયેલા સામાજીક કાર્યકર દિનેશભાઇ રાવલે જણાવ્યું કે, ‘હું ૫૦ વર્ષથી અનાથાશ્રમના બાળકોની સેવા સાથે જોડાયેલો છું. પરંતુ આટલા વર્ષો મેં ક્યારેય એકસાથે આટલા નવજાત શિશુઓને અનાથાશ્રમમાં મૂકવામાં આવી રહ્યા હોય તેવું પહેલા જોયું નથી. આ પાછળ મુખ્યત્વે કોરોનાને લીધે અર્થવ્યવસ્થાની કમર તૂટવી તે મુખ્ય કારણ છે. અનેક માતા-પિતા પાસે તેમના નવજાત શિશુને સારા ઉછેર તો દૂર તેમને બે ટંક ભોજન મળી શકે તેના પણ પૈસા નથી. આ સ્થિતિમાં અનેક માતા-પિતા હૃદય પર પથ્થર મૂકી એવા વિચારે બાળકોને અનાથાશ્રમમાં મૂકે છે કે તેમના સંતાનને બે ટંક ખાવાનું તો મળશે અને ભવિષ્યમાં તેમનો કોઇ સંપન્ન પરિવારમાં ઉછેર થાય તો તેમનું ભવિષ્ય સુધરી પણ જાય. આ સિવાય કેટલીક માતાઓ સામાજીક બંધનને કારણે નાછૂટકે પોતાના સંતાનને તરછોડી રહી છે. કોરોનાની આ સ્થિતિ યથાવત્ રહી તો આવનારા સમયમાં વધુ ભયજનક ચિત્ર જોવા મળી શકે તેવી સંભાવના છે. ‘

હાલમાં જ પાલડીના અનાથાશ્રમમાં એક બાળક મૂકવામાં આવ્યું તેની ઉંમર માત્ર પાંચ દિવસ છે અને મહેસાણા જિલ્લાના વડુ-ઘુમાસણ રોડની સાઇડમાં તે બાવળિયામાંથી મળી આવ્યું હતું. આ બાળક હજુ પોતાની જનેતા તરફ આંખો ખોલીને જોઇ પણ શક્યું નહીં હોય.

નવજાત શિશુઓનો પણ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે
વર્તમાન સમયને ધ્યાનમાં લેતા જે બાળકને હજુ પોતાના અસ્તિત્વ સુદ્ધાનો ખ્યાલ નથી તેને સૌપ્રથમ કોરોના ટેસ્ટમાંથી પસાર થવું પડી રહ્યું છે. અનાથાશ્રમમાં જે પણ બાળક આવે તેનો સૌપ્રથમ કોરોના ટેસ્ટ કરવામાં આવે છે અને તે રીપોર્ટ નેગેટિવ આવે પછી જ તેને અનાથાશ્રમમાં પ્રવેશ આપવામાં આવે છે. આ અંગે ડો. અમિત ગુપ્તાએ જણાવ્યું કે, ‘અત્યારના સમયમાં તકેદારીના ભાગરૂપે નવજાત શિશુનો કોરોના ટેસ્ટ કરવો ખુબ જરૂરી છે. આ બાળકોનો એન્ટિ બોડી ટેસ્ટ કરાય છે જેમાં કોઇ દુઃખાવો થતો નથી. ટેસ્ટ રીપોર્ટ નેગેટિવ આવે પછી જ તેમને અનાથાશ્રમમાં અન્ય બાળકો સાથે રાખવામાં આવે છે. હું ૩ વર્ષથી અનાથાશ્રમના બાળકો સાથે સંકળાયેલો છું અને આટલા ઓછા સમયમાં એકસાથે આટલી મોટી સંખ્યામાં નવજાત શિશુઓને મૂકવામાં આવી રહ્યા હોય તેવું પહેલી વખત જોઇ રહ્યો છું.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *