જિંદગીથી કંટાળેલા લોકોએ ખાસ વાંચવો જોઈએ આ આર્ટીકલ, જીવન જીવવાની રીત જ બદલાઈ જશે

Published on: 9:51 am, Mon, 26 October 20

“મળી છે ઘણી માનસિક વ્યથાઓ છતા પણ ન અમે અંધકાર પાથરીએ… અધરા છે સવાલ અંધકારના.. જવાબમાં અમે તો અંજવાશ જ  પાથરીએ..” ઉર્પયુક્ત પંક્તિઓને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે અમદાવાદમાં આવેલ આ માનસિક રોગની હોસ્પિટલના દર્દીઓ. કોરોના મહામારીમાં ચારે તરફ  પથરાયેલ અંધકારમાંથી અજવાળા તરફ લઇ જવા હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા એક નવી પહેલ કરવામાં આવી. તેમના દ્વારા દિવાળીના ત્યૌહાર માટે 30 હજાર દીવડાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ દીવડાઓ તૈયાર કરવામાં મદદરૂપ થતા માનસિક રોગના દર્દી સતિષની કહાની ખુબ દિલચસ્પ છે.

અમદાવાદના અમરાઇવાડી વિસ્તારના 23 વર્ષીય સતીષને 2016માં મગજમાં તકલીફ થઇ હતી. તેઓને અવનવા અવાજો સંભળાવવા લાગ્યા હતા અને તેથી તેમને જમવાનું પણ ભાવે નહિ, પાણી પીવાનું ગમે નહિ, ચાલવાની ઇચ્છા થાય નહિ, ઉંઘ આવે નહિ. તેઓં માનસિક રીતે સતત તણાવગ્રસ્ત રહેતા. કોઇપણ કામમાં તેમનું મન લાગતું નહિ. પરિસ્થિતિ વધારે બગડતા પરિવારજનો તેમને અમદાવાદ ખાતે આવેલી માનસિક રોગની હોસ્પિટલમાં સારવાર માટે લઇ આવ્યા. માનસિક રોગની હોસ્પિટલમાં 2 વર્ષ સુધી તેમની સારવાર સતત ચાલી હતી.

સતત 2 વર્ષ ચાલેલી સારવારના કારણે સતિષની વર્તણૂક એ સામાન્ય લોકો જેવી બનવા લાગી હતી. તે માનસિક રીતે સ્વસ્થ થવા લાગ્યો હતો. હાલમાં સમય એવો આવ્યો છે કે સતિષ માનસિક તણાવના રોગમાંથી બહાર આવી મહદઅંશે સાજો થઇ કવિ/લેખક બની ચુક્યો છે. આજે સતિષ વિવિધ સમસ્યાઓ, મનોસ્થિતિ, તત્વજ્ઞાન ઉપર સરસ લેખ અને કવિતાઓ બનાવી રહ્યો છે. માનસિક રીતે સ્વસ્થ થતા તેણે હોસ્પિટલના તબીબોને રોજગારી અર્થે પૂછ્યુ હતું. મેન્ટલ હોસ્પિટલના ઓક્યુપેશનલ વિભાગના વર્કશોપમાં તેને રોજગારી પણ મળી ગઈ હતી. છેલ્લા 1 વર્ષથી આ વિભાગમાં સતીષ કર્મચારી બની વિવિધ પ્રવૃતિઓમાં પોતાનું યોગદાન આપી રહ્યો છે.

દિવસમાં 7 થી 8 કલાક સખત મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. આ વિભાગમાં સતિષે બોકસ, ફાઇલ, પગલુછણિયા, શેતરંજી, રૂમાલ,વગેરે બનાવવા જેવા વિવિધ કામ શીખ્યા છે. વિવિધ તહેવાર આવે ત્યારે દીવા બનાવીને રંગરોગાન કરતા તે કામમાં તેની રુચિ વધવા લાગી હતી. જેથી તે ખંતપૂર્વક કામ કરતા અને તેથી તેને નિયમિત મહેનતાણુ પણ મળવા લાગ્યું હતું. જેથી તેમના પરિવારમાં સતિષની મહેનત આર્થિક રીતે મદદરૂપ બની હતી.

માનસિક આરોગ્યની હોસ્પિટલના ઓક્યુપેશનલ થેરાપિસ્ટ વિભાગના ડૉ. સુનિતા મહેરિયા કહે છે કે, અમારે ત્યાં દર્દી માનસિક અસ્થિરતા સાથે આવતા હોય છે. તેની સારવાર કર્યા બાદ તે કામ કરવા માટે યોગ્ય બનવા લાગે છે, દર્દી મગજથી સ્થિર થતો જણાય ત્યારે તેને ઓક્યુપેશનલ વિભાગમાં તેમની કુશળતા મુજબ વિવિધ કામ આપવામાં આવે છે. જે કારણોસર કંઇક પ્રવૃતિઓ કરીને તેઓ પોતે આત્મનિર્ભર બની શકે. અમારી હોસ્પિટલનો ઓક્યુપેશનલ વિભાગ ઈ.સ.1978 થી કાર્યરત છે. જેમાં દર્દીઓમાં રહેલી સામાન્ય કુશળતા આધારિત પ્રવૃતિઓ કારાવવામાં આવે છે. માનસિક બીમારીમાં પ્રાથમિક તબક્કે દર્દી ગંભીર અવસ્થામાં હોય છે.

સારા-ખોટાની ઓળખ કરવા, પોતાને ગમતુ કામ કરવા પણ સક્ષમ હોતા નથી. સારવાર બાદ થોડા સ્થિર થવા લાગે ત્યારે તેમને વિવિધ પ્રવૃતિઓમાં કાર્યરત કરાવવામાં આવે છે. મનોરોગ નિષ્ણાંત, ઇન્સ્ટ્રક્ટર, મેડિકલ ઓફીસરની ટીમ દ્વારા આ કામગીરી કરાવવામાં આવી રહી છે. આ વિભાગમાં દર્દીઓની માનસિક સ્થિતિ અને કાર્યપધ્ધતિને ધ્યાનમાં રાખીને 30 જેટલા વિવિધ ટ્રેડ તૈયાર કરવામાં આવ્યા છે. માનસિક બીમારીમાંથી થોડો સુધારો આવ્યો હોય તેવા દર્દીઓને આ પ્રકારના ટ્રેડમાં તેમની સ્કીલ આધારિત કામ આપવામાં આવે છે. આ કામ થકી તેઓ સતત કામમાં વ્યસ્ત રહીને તેમના વિચારો પર પણ કાબુ મેળવી શકે છે. સાથે સાથે રોજગારી પણ મેળવી શકે છે.

રાઇટ ટુ રીહેબિલીટેશન અને રાઇટ ટુ એમ્પલોયમેન્ટ અંતર્ગત અહીના દર્દીને વોકેશનલ પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. કોરોનાની પરિસ્થિતિઓમાં પ્રસરી રહેલા અંધકારમાથી અજવાળાની કિરણો જાગે તે હેતુસર હોસ્પિટલના દર્દીઓ અને સ્ટાફ દ્વારા દીવડા તૈયાર કરવામાં આવી રહ્યા છે. સમાજમાં સહકાર અને સ્વીકાર બંને વસ્તુઓ મળી રહે તે હેતુથી અહીના દર્દીઓ દ્વારા દીવડા બનાવે છે. ઘણી સેવાભાવી સંસ્થાઓ, ખાનગી કંપની દ્વારા આ હોસ્પિટલને દીવડાઓના ઓર્ડર મળ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle