મોરબીના પરિવારમાં ‘સંબંધોની હત્યા’ -એક ભાઈએ જ બીજા ભાઈને ઉતાર્યો મોતને ઘાટ

Published on: 6:27 pm, Wed, 26 May 21

આજકાલ વધતા હત્યાના કેસો દરમિયાન મોરબીના હળવદના રણમલપુર ગામે ગઈકાલ સાંજે ખેતરમાં હુમલો કરી એક યુવાનની હત્યા અને બીજા એક યુવાનને ઈજા થતા ધાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ સમક્ષ બુકાનીધારીઓએ હુમલો કર્યાની સ્ટોરી ઘડી હતી. મોરબી જીલ્લાના હળવદ તાલુકાના રણમલપુર ગામની વાડીમાં પિત્તરાઈ ભાઈએ જ હત્યા નિપજાવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, ગઈકાલે સાંજે હળવદના રણમલપુર ગામે યુવાન વરમોરા હરેશભાઈ ચતુરભાઈને ત્રણ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના કાકાના દીકરા હસમુખ ભાઈ રણછોડભાઈ વરમોરા પર હુમલો કરતા ગંભીર હાલતમાં ધાંગધ્રા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની ફિલ્મી સ્ટોરી પોલીસને જણાવી હતી.

ઘટનાની ગંભીરતાને લઈને હળવદ પોલીસ ડીવાયએસપી રાધિકા ભારાઈ સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળની વિઝિટ કરી ઇજાગ્રસ્ત યુવાન હસમુખ વરમોરાએ જણાવ્યું હતું કે, બુકાની ધારીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જેને લઈને પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને નાકાબંધી કરી આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.

હળવદનાં રનમલપુર ગામે થયેલ આ હત્યામાં ડીવાયએસપી સ્થાનિક પોલીસની તપાસમાં પિત્તરાઈ ભાઈએ જ બીજા ભાઈનું ઢીમ ઢાળ્યું હોવાની માહિતી મળતાં પોલીસ દ્વારા એ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. અને સારવાર લઈ રહેલા હસમુખ વરમોરાને સારવાર બાદ પોલીસે ઈન્વેસ્ટિગેટ કરવાનું શરૂ કરતા પોલીસને દાળમાં કઈક કાળું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.

હવે ફક્ત વાત પોલીસને કડક પુરાવાની હતી. પરંતુ, પોલીસ દ્વારા ધીરજ રાખી ઠંડા કલેજે પૂછપરછ ચાલુ રાખવામાં આવી હતી અને અંતે હસમુખ વરમોરા ભાંગી પડ્યો હતો અને પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. જેમાં હસમુખ વરમોરાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, તેને જ સમગ્ર ઘટના પર પડદો પાડવા નાટકીય ઢબે સ્ટોરી ઘડી અને હત્યાને અંજામ આપ્યો છે અને પોલીસને ખોટી દિશામાં તપાસ માટે ગુમરાહ કરવા ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો છે એવું જણાવી પોતે પણ જાતેને જાતે ઇજાગ્રસ્ત થઇ હોસ્પિટલમાં દાખલ થઈ ગયો હતો.

પરંતુ પોલીસ દ્વારા પૂછપરછ કરતા તે ભાંગી પડયો હતો અને મૃતકનાં પિતરાઈ ભાઈ હસમુખ રણછોડભાઈ વરમોરાએ જ પોતાનાં ભાઈ હરેશભાઈ વરમોરાનું ધારીયા જેવા હથિયારથી હુમલો કરી હત્યા કરી હોવાની કબૂલાત આપતા હળવદ પોલીસ દ્વારા આરોપી ભાઈને હત્યાના ગુનામાં અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં પિત્તરાઈ ભાઈ હરેશ પાસે હત્યા નિપજાવનારને રૂપિયાની લેતી દેતી હોવાથી આ હત્યા કરી હોવાની પોલીસને કબૂલાત આપી છે. જોકે, આધારભૂત સુત્રોમાં જણાવ્યા અનુસાર આ હત્યા પાછળ સ્ત્રી પ્રકરણ પણ જવાબદાર હોવાનું લોકચર્ચાનો વિષય બન્યો છે. હાલ હળવદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન એક ભાઈએ જ બીજા ભાઈની હત્યા નિપજાવ્યાની વાત મળતા હળવદ પંથકમાં ભારે ચકચાર મચી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.