કોંગ્રેસ પણ નવા પ્રદેશ પ્રમુખ મામલે ભાજપની જેમ દક્ષિણ ગુજરાતને આપશે પ્રાધાન્ય? સુરતના આ નેતા છે ચર્ચામાં

Published on: 9:23 pm, Thu, 23 July 20

(સુના સો ચુના) : જેમ ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ બદલવા ને લઈને ઘણા સમયથી અટકળો ચાલી રહી હતી એનો એકાએક સી આર પાટીલ ની નિમણૂક થી અંત આવી ગયો છે તે જ રીતે ગુજરાત કોંગ્રેસમાં પણ પ્રદેશ પ્રમુખ બદલાય તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે ચર્ચાતી વિગતો મુજબ કોંગ્રેસ પણ દક્ષિણ ગુજરાતમાંથી કોઈ સક્રિય ગ્રાઉન્ડ લેવલ ના જ નેતાને પ્રદેશ પ્રમુખનું પદ સોંપે તો નવાઈ નહીં !

ભાજપ દ્વારા દક્ષિણ ગુજરાતના સુરત-નવસારીના સાંસદ સી આર પાટીલને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ ની કમાન સોંપી ને જેમ ગુજરાત ભાજપના નેતાઓને અચંબામાં મૂકી દીધા તે જ રીતે કોંગ્રેસ પણ હવે સક્રિય નેતાની શોધમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જેમ હાલમાં કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે તે જ રીતે કદાચ આગામી સમયમાં અમિત ચાવડા ને બદલે પ્રદેશ પ્રમુખનું પદ સુરતના જ કોઈ કોંગ્રેસમાં સક્રિય નેતાને મળે તેવી ચર્ચાએ ભારે જોર જગાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ગુજરાત કોંગ્રેસનું સંગઠન માળખું સંપૂર્ણપણે વિખેરી નાખવામાં આવ્યું છે માત્ર અમિત ચાવડા ને બાદ કરતા કોંગ્રેસનું સંપૂર્ણ માળખું વિખરાઈ ગયું છે ત્યારે હવે આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા પણ નવું સંગઠન માળખું જાહેર કરાય તેવી ચર્ચાઓ થવા લાગી છે. આગામી સમયમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણીઓ યોજાનારી છે ત્યારે કોંગ્રેસ પણ તેના મુખ્ય સુકાની સાથે સંગઠન નું માળખું ગમે તે ઘડીએ જાહેર કરી શકે છે. આ વખતે ભાજપ ની જેમ કોંગ્રેસની નજર પણ દક્ષિણ ગુજરાત તરફ હોવાનું ચર્ચાઇ છે જો કે ભાજપની જાહેરાત બાદ હવે કોંગ્રેસ ટૂંક સમયમાં નવું સંગઠન માળખું જાહેર કરશે તેવું લાગી રહ્યું છે છે.

દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના સુરતના જો કોઈ સૌથી સક્રિય નેતા હોય તો સુરતીઓના જબાન પર માત્ર એક જ નામ આવી શકે છે: દિનેશ કાછડીયા. સુરત મહાનગરપાલિકાનું આવાસ કૌભાંડ હોય કે પછી બીઆરટીએસ બસ નું ટિકિટ કૌભાંડ હોય, તાપી નદીની જળકુંભી ની સમસ્યા હોય કે પછી બ્રિજના ઉદ્ઘાટન ની વાત હોય દરેક બાબતમાં કોંગ્રેસના સુરત મહાનગર પાલિકાના કોર્પોરેટર એવા દિનેશ કાછડીયા સૌથી અગ્રેસર રહે છે. ત્યારે ભાજપના સી.આર પાટીલ ની જેમ કોંગ્રેસને પણ દિનેશ કાછડીયા જેવા એક્ટિવ પ્રદેશ પ્રમુખ પ્રાપ્ત થાય તો કદાચ મૃતપ્રાય બનેલી કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાઇ શકે છે.

પરેશ ધાનાણી,આમિત ચાવડા દૂધમાં અને દહીંમાં પગ રાખવા જેવા….
જોકે ગુજરાતમાં કોંગ્રેસ હાલમાં વિરોધ પક્ષની ભૂમિકામાં છે, પરંતુ કોંગ્રેસની કામગીરીને જોતા એવું લાગે છે કે ગુજરાતમાં વિરોધ પક્ષનો અસ્તિત્વ જાણે રહ્યું જ નથી. સરકારની ખોટી નીતિઓનો જોર જોરથી પ્રજા સાથે રાખીને વિરોધ કરવામાં પણ કોંગ્રેસ નિષ્ફળ નીવડી છે. એમાંય કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી મીડિયા સામે પણ ઘણી વખત વખત મહત્વની બાબતો પર ટીપ્પણી કરવાનું ટાળી ને એક પગ દૂધમાં તો એક પગ દહીંમાં રાખવાની નીતિ જાણે અખત્યાર કરવા માગતા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે.