ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાતમાં બાળકોના મૃત્યુ અંગે મને કંઈ માહિતી જ નથી : નીતિન પટેલ

I do not know anything about the deaths of children in Gujarat: Nitin Patel

રાજ્યમાં નવજાત શિશુઓના આંકડા સામે આવ્યા છે. ત્યારે હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, મીડિયાના અહેવાલ બાદ મોતના આંકડાની જાણ થઈ હતી. હાલમાં બાળકોના મોત અંગેની મારી પાસે કોઈ માહિતી નથી. બાળકોના મોત અંગે માહિતી મેળવીને પત્રકાર પરિષદ કરીશ. વળી સરકારી યોજનાઓ પાછળ લાખો ખર્ચાતા હોવા છતાં આ મોતનો આંકડો ગુજરાતના વિકાસ ઉપર લાંછનની લગાવી રહ્યો છે.

રાજ્યમાં નવજાત બાળતોના મોતના આંકડા જાહેર થતાં ખળભળાટ થઈ ગયો છે અને ગુજરાતના મોટા મોટા શહેરોના આંકડા એક પછી એક જાહેર થઈ રહ્યા છે જે ખરેખર ભયજનક અને ચોંકાવનારા છે આ મામલે રાજસ્થાનને પણ પછાડીને ગુજરાત આગળ નીકળી જાય તો નવાઈ નહીં. એવા સંજોગોમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે જણાવ્યું હતુ કે, મને આ વિશે કંઈ માહિતી જ નથી. હું તપાસ કરીને પત્રકાર પરિષદ કરીશ. વળી તેમણે એમ પણ કહ્યું હતુ કે, વિવિધ યોજનાઓને કારણે નવજાત શિશુંઓના મોત ઘટ્યા છે પણ આંકડો તો કંઈક બીજું જ કહી રહ્યો છે.

રાજકોટમાં બાળકોનાં મોત બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. રાજકોટ બાદ અમદાવાદ અને સુરતમાં પણ બાળકોનાં મોતનાં આંકડા જાણીને સમગ્ર દેશમાં આ મુદ્દો ચર્ચાવા લાગ્યો હતો. આજે અમદાવાદ સિવિલ અને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા મહિનાનાં બાળ મૃત્યુદરનાં આંકડા સામે આવતા હોબાળો મચી ગયો છે. ત્યારે આ અંગે રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે સરકારનાં બચાવનો પ્રયત્ન કર્યો છે. સામે આવેલા આંકડાની વાત કરીએ તો એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા મહિનામાં એટલે ડિસેમ્બર 2019માં 85 નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટમાં એક જ મહિનામાં 134 નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં છે. આ સામે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, બાળ મૃત્યુદર ઘટે તે માટે સરકાર સઘન પ્રયત્નો કરી રહી છે.

શિશુ મૃત્યુના મોતના વિવાદે રૂપાણી સરકારને ય સાણસામાં લઇ લીધી છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર અને રાજસૃથાનમાં ગેહલોત સરકાર આ જ મામલે વિવાદમાં સપડાઇ છે. શિશુ મૃત્યુ વધતાં હવે ગુજરાત આરોગ્ય વિભાગની કામગીરી સામે પણ શંકાની આંગળી ચિંધાઇ છે. જોકે, ખુદ આરોગ્ય મંત્રી નીતિન પટેલે જ એ વાતનો સ્વિકાર કર્યો છે કે, ડિસેમ્બર-2019માં બાળ મૃત્યુ દરમાં વધારો થયો છે. પણ ચોંકાવનારી વાતએ છે કે, હોસ્પિટલમાં તબીબી સાધનોની અછત,અપુરતા ડૉક્ટરો,કવોલિફાઇડ નર્સિગ સ્ટાફની કમી સહિતના કારણોને જવાબદાર ઠેરવવાને બદલે આરોગ્યમંત્રી નિતિન પટેલે બાળ મૃત્યુ માટે શિયાળાને જવાબદાર ઠેરવ્યો છે.

ઉત્તર પ્રદેશ અને રાજસૃથાનમાં સરકારી હોસ્પિટલોમાં નવજાત શિશુઓના મોત થતાં ગુજરાત સરકાર સામે પણ રાજકીય વિવાદોમાં સપડાઇ છે. ગુજરાતમાં ડૉક્ટરોની કમી છે તેવી કબૂલાત કરતાં આરોગ્ય મંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં બાળ મૃત્યુદરના કારણોની એવી સ્પષ્ટતા કરી કે,આધુનિક જમાનામાં માતાઓ બાળકોને ધાવણ આપતી નથી. બોટલનુ દૂધ આપે છે જેના કારણે બાળકો દુર્બળ રહે છે. હજુય જનજાગૃતિનો ભારોભાર અભાવ છે. હોસ્પિટલોમાં બાળરોગ નિષ્ણાતોની કમી છે. મોટાભાગના કિસ્સામાં અશક્ત હોવા છતાંય મહિલા સગર્ભા બને છે. અમદાવાદ અને રાજકોટમાં ઓક્ટોબર-નવેમ્બરની સરખામણીમાં ડિસેમ્બરમાં બાળ મૃત્યુદર વધ્યો છે તેવુ ખુદ નીતિન પટેલે સ્વિકારી એવુ કારણ જણાવ્યું કે, શિયાળામાં બાળકોના મોત વધુ થાય છે.

રાજકોટમાં ઓક્ટોબરમાં 815 નવજાત શિશુઓના જન્મ થયાં પૈકી 288ને એનઆઇસીયુમાં દાખલ કરવા પડયાં જેમાંથી 87ના મોત થયાં હતાં. મૃત્યુઆંકની ટકાવારી 19.3 ટકા રહી હતી. નવેમ્બરમાં 846 પ્રસુતિ થઇ તેમાં 281ને એનઆઇસીયુમાં દાખલ કરાયાંને 71ના મોત થયાં એટલે મૃત્યુની ટકાવારી 15.5 ટકા રહી હતી. આ તરફ, ડિસેમ્બરમાં 804 બાળકોએ જન્મ લીધો તે પૈકી 2281ને આઇસીયુમાં દાખલ કરાયાં જેમાંથી 111 બાળકોના મોત નિપજ્યા હતાં. મૃત્યુઆંકની ટકાવારી વધીને 28.8 ટકા રહી હતી. અમદાવાદમાં ય ઓક્ટોબરમાં 885 બાળકોના જન્મ થયાં તે પૈકી 194ની ક્રિટીકલ સિૃથતી હતી તેમાંથી 91ના મોત થયાં હતાં. મૃત્યુની ટકાવારી 18.4 ટકા રહી હતી.

નવેમ્બરમાં 74 બાળકોના મોત થયાં હતાં એટલે મૃત્યુની ટકાવારી 16.4 ટકા રહી હતી. જયારે ડિસેમ્બરમાં 88 બાળકોના મોત થયાં હતાં. મૃત્યુની ટકાવારી વધીને 21.2 ટકા રહી હતી. મૃત્યુની ટકાવારી વધી હોવા છતાંય આરોગ્ય મંત્રીએ શિયાળાને જવાબદારને ગણાવ્યો હતો. આ તરફ,રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી કિશોર કાનાણીએ પણ શિશુ મૃત્યુના મામલે ખાનગી હોસ્પિટલ પર ઠીકરૂ ફોડયું હતું. તેમણે એમ જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલો સારવાર કરતી નથીને છેલ્લી ઘડીએ બાળદર્દીને ક્રિટીકલ અવસ્થામાં સરકારી હોસ્પિટલમાં ધકેલી દે છે જેના કારણે સરકારી હોસ્પિટલોમાં શિશુ મૃત્યુદરનો આંક ઉંચો છે. આ મુદ્દે અમે ખાનગી હોસ્પિટલમાં રિફર થયેલાં બાળકોના મોત અંગેની તપાસ કરીશું. આમ,શિશુ બાળ મૃત્યુ મુદ્દે સરકારના મંત્રીઓએ હાથ ખંખેરી લીધા હતાં.

રાજસ્થાનનો મુદ્દો ભૂલવવા ગુજરાતમાં બાળ મૃત્યુના મુદ્દાને ઉછાળાયો : નિતિન પટેલ

રાજસૃથાનની કોટાની સરકારી હોસ્પિટલમાં બાળકોના મોતનો મુદ્દો દેશભરમાં ગાજ્યો છે ત્યારે અમદાવાદ અને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ય છેલ્લા એક મહિનામાં 219 ભૂલકાઓના મોત નિપજ્યાં છે. આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આક્ષેપ કર્યો છેકે, રાજસૃથાનનો મુદ્દા પર ધ્યાન હટાવવા ગુજરાતમાં બાળ મૃત્યુનો ઉછાળવામાં આવી રહ્યો છે. તેમણે એવો સવાલ ઉઠાવ્યો કે, મહારાષ્ટ્ર અને રાજસૃથાનમાંથી કેમ દર્દીઓ સારવાર માટે ગુજરાત આવી રહ્યાં છે. કોંગ્રેસના નેતાઓ જવાબ આપે. મહત્વની વાત એછેકે,અન્ય રાજ્યમાંથી આવતાં દર્દીઓના થતાં મૃત્યુને કારણે પણ મૃત્યુઆંક ઉંચો રહ્યો છે. જોકે, આ માનવતાનો પ્રશ્ન છે એટલે ગુજરાત સરકાર કોઇ નાત-જાત,સમાજના ભેદભાવ વિના દર્દીઓની સારવાર કરે છે.

રાજ્ય સરકારનો દાવો , બાળ મૃત્યુદર 25 ટકાથી ય નીચો રહ્યો છે

વર્ષ 2017ના રિપોર્ટ મુજબ,દર એક હજાર નવજાત શિશુઓ પૈકી દેશમાં સરેરાશ બાળ મૃત્યુદર 47 છે.મહારાષ્ટ્રમાં 44,રાજસ્થાનમાં 38,છત્તીસગઢમાં 38,બિહારમાં 35,ઉતરાખંડમાં 32,આંધ્રમાં 32,હરિયાણામાં 30 અને ગુજરાતમાં 30નો બાળ મૃત્યુદર રહ્યો છે. જોકે,આરોગ્ય મંત્રી નિતીન પટેલે એવો દાવો કર્યો છેકે, ગુજરાતમાં બાળ મૃત્યુદર હજુય ઘટીને આજે 25 ટકા કરતાં ય નીચો રહ્યો છે. આગામી દિવસોમાં આ મામલે વધુ અસરકારક કામગીરી કરીને બાળ મૃત્યુ દર નીચો લાવવા કોશિશ કરીશું. વર્ષ 1997માં ગુજરાતમાં બાળ મૃત્યુ દર 62 ટકા હતો તે ક્રમશ ઘટીને વર્ષ 2003માં 57 ટકા,વર્ષ 2007માં 52 ટકા , વર્ષ 2013માં 36 ટકા અને વર્ષ 2017માં 30 ટકા છે. આમ, ગુજરાતમા બાળ મૃત્યુદર ઘટયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.