હવે ખાવ આ નવીન ભજીયા અને મરચાના પકોડા, જાણો રીત

કાઠિયાવાડી કણબી ગમે તેવા મોટા ભોજન સમારંભમાં જાય તો પણ સૌ પ્રથમ તો ભરેલા મરચાંના ભજીયાંવાળુ જ કાઉન્ટર શોધે. અમારી કણબીની આ મોટી નબળાઈ છે,…

કાઠિયાવાડી કણબી ગમે તેવા મોટા ભોજન સમારંભમાં જાય તો પણ સૌ પ્રથમ તો ભરેલા મરચાંના ભજીયાંવાળુ જ કાઉન્ટર શોધે. અમારી કણબીની આ મોટી નબળાઈ છે, બત્રીસ ભાતના ભોજન હોય છતાં પણ જીભ બાળી નાખે તેવા તીખાં ભજીયાં નો મળે ત્યાં સુધી જામે નહીં ને રસોઈયા અને ઘરધણીની ખામી કાઢે. અત્યારે જન્માષ્ટમીનો તહેવાર, વરસાદની ધબધબાટી, ટાઢોડામાં વાડીયે ભજીયાંનો પ્રોગ્રામ…,
આ….હા…હા…હા…હા…હા…હા….!!!
ભજીયા ફરસાણ જ એવું છે કે, રસોઈનાે જાણકાર નો હોય તોય આવડે, અને સૌરાષ્ટ્રમાં તો બાળકોને નાનપણથી જ ભજીયાં બનાવવાની જેહાદી તાલીમ આપવામાં આવે છે. મેથીના, ભરેલાં મરચાના, અમોળીયા, પટ્ટી, કુંભાણીયા, બટેકા પુરી, કોઠાની ચટણી કેટલુંક ગણવું…?
ભગવાન સ્વામિનારાયણે ડુંગળી ખાવાની ના પાડી એ બરાબર, પરંતુ લસણ ખાવાની હા પાડી હોત તો આજે ચોરાયું ચોરાયું લીલું લસણ ખાવાની નોબત નો આવત…., જે હોય તે, બાકી ગામડામાં ખાવાની અને જાવાની મજા જ કંઈક ઓર છે, એકદમ પેટ સાફ…!!!

મરચા ના પકોડા

ઋતુ કોઈ પણ હોય , અમુક વાનગીઓ હંમેશા પસંદ આવે જ છે . એમાંય જો ચાટ હોય તો તો કહેવું જ શુ… પાણીપુરી , સમોસા , કચોરી , પકોડા આ બધી ચાટ ખાવા માટે ઋતુ કે સમય જોવાની જરૂર જ ના પડે… આજે આપણે જોઈશું એવી જ એક સ્વાદિષ્ટ ચાટ ની રીત … મરચા ના પકોડા..

બટેટા નો મસાલો ભરેલા , અને તેલ માં તળેલા મરચા ના પકોડા બધા એ ખાધા જ હશે , આજે આપણે જોઈશું પનીર ભરેલા ,અને શેલો ફ્રાય કરેલા મરચા ના પકોડા ની રીત…

સામગ્રી ::

મસાલા માટે:

• 5 થી 6 નંગ લાંબા અને મોળા પકોડા ના મરચા

• 1 વાડકો પનીર, ખમણેલું

• 1 ચમચી બારીક સમારેલા લીલા મરચા

• 1/2 ચમચી ખમણેલું આદુ

• મીઠું

• 1/2 ચમચી ચાટ મસાલો

• 1/2 ચમચી જીરા નો ભૂકો

• 2/3 ચમચી લાલ મરચું

• થોડી હળદર

• બારીક સમારેલી કોથમીર

બેટર માટે ::

• 1 વાડકો ચણા નો લોટ

• 2 ચમચી ચોખા નો લોટ

• મીઠું

• 2 ચપટી અજમો

• 1 ચપટી ખાવા નો સોડા

• 1 ચમચી લાલ મરચું

• 1/2 ચમચી હળદર

• 1/4 ચમચી હિંગ

રીત ::

સૌ પ્રથમ એક બાઉલ માં બેટર તૈયાર કરીયે… બાઉલ માં ચણા નો લોટ , ચોખા નો લોટ , મીઠું , ખાવાનો સોડા , લાલ મરચું , હળદર , અજમો , હિંગ બધું મિક્સ કરો.. થોડું થોડું પાણી ઉમેરતા જાઓ અને મિક્સ કરતા જાઓ.

અહીં બેટર બહુ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એવું રાખવું. ઘણા ને બહાર ને પડ એકદમ જાડું ભાવતું હોય એમણે બેટર જાડું રાખવું… મારા ઘરે બધા ને બહુ જાડું લેયર નથી ભાવતું , એટલે મેં થોડું પાતળું જ રાખ્યું છે. તમે તમારા સ્વાદ મુજબ બેટર ની consistency adjust કરી શકો છો. બેટર બનાવી સાઈડ પર રાખી દો.

બીજા બાઉલ માં પનીર ને ખમણી લો. મેં ઘર નું તાજું પનીર વાપર્યું છે , આપ ચાહો તો બજાર નું પનીર અથવા ટોફુ પણ વાપરી શકો. હવે આ પનીર માં બાકી નો મસાલો ઉમેરિયે … લીલા મરચા , આદુ , કોથમીર , ચાટ મસાલા , જીરા.નો ભૂકો , લાલ મરચું , હળદર અને મીઠું ઉમેરો..

સરસ મિક્સ કરી સાઈડ પર રાખી દો. મરચા ને ધોઈ કોરા કરી લેવા.. વચ્ચે એક કાપો કરી અંદર થી બધા બીજ કાઢી લેવા.. ત્યારબાદ પનીર નો તૈયાર કરેલો મસાલો આ મારચા માં ભરી દો.

એક પેન માં થોડુ તેલ લો. આપણે અહી મરચા ને શેલો ફ્રાય કરવાના… તો તેલ થોડું જ લેવું.. તૈયાર કરેલા બેટર માં સ્ટફ કરેલા મરચા ને ડૂબાડો.. ચણા નો લોટ મરચા પર બરબર ચડી જવો જોઈએ… હવે મરચા ને પેન મા શેલો ફ્રાય કરવા મુકો.. કડક થાય એટલે સાઈડ બદલાવવી..

બધી બાજુ એકસરખું તળાય જાય એટલે, બહાર કાઢી લો. થોડી વાર ટીસ્યુ પેપર પર રાખો જેથી વધારા.નું તેલ નીકળી જાય.. પીરસો ગરમાગરમ ..

આશા છે પસંદ આવશે..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *