સુરતમાં વધુ એક સીટી બસ સળગી, રસ્તા પર જ ભડભડ બસ સળગતા ફેલાયો ભય

સુરતના કતારગામ વિસ્તારમાં વહેલી સવારે સિટી બસમાં આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. કતારગામ દરવાજા પાસેથી પસાર થતી બ્લ્યુ સીટી બસમાં કોઈ મુસાફર ન હોવાથી…

સુરતના કતારગામ વિસ્તારમાં વહેલી સવારે સિટી બસમાં આગ લાગી જતા ભાગદોડ મચી ગઇ હતી. કતારગામ દરવાજા પાસેથી પસાર થતી બ્લ્યુ સીટી બસમાં કોઈ મુસાફર ન હોવાથી જાનહાની નોંધાઈ ન હતી. અચાનક ચાલુ બસમાં આગ લાગી હોવાની જાણ બાદ ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. આગ પર કાબુ મેળવવા ફાયરના જવાનોએ સળગતી બસ પર પાણીનો મારો ચલાવી ગણતરીની મીનિટોમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે બસમાં લાગેલી આગ પાછળનું કારણ જાણવા મળ્યું ન હતું.

ફાયર બ્રીગેડ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના કતારગામ દરવાજા નજીકથી આજે વહેલી સવારે બ્લ્યુ કલરની સિટી બસ પસાર થઇ રહી હતી ત્યારે તેના ડ્રાઇવર સાઇડમાં નીચેના ભાગે એન્જીનમાંથી તણખા પડવાની શરૂઆત થઇ હતી અને અચાનક બસના બોનેટ પર ધુમાડો નીકળવા લાગ્યો હતો. જેથી બસનો ડ્રાઇવર અને કન્ડક્ટર સમય સુચકતા વાપરીને બસમાંથી નીચે ઉતર્યા હતા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રત્યક્ષદર્શી નિરવ પ્રજાપતિ નામના યુવાને જણાવ્યું હતું કે તેઓ કુબેરનગર કતારગામમાં રહે છે અને આજે સવારે મહેમાનને રિસીવ કરવા બાઇક ઉપર નીકળ્યા હતા. ત્યારે રોડ ઉપર દોડતી એક બ્લ્યુ સિટી બસના એન્જિન નીચેથી આગના તણખલા જમીન પર પડતા જોઈ તેઓ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. તાત્કાલિક તેમણે આ બાબતે બસના ડ્રાઇવરનું ધ્યાન દોર્યું હતું. ડ્રાઇવરે પણ તાત્કાલિક બસને રોડ બાજુએ દબાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જોત જોતામાં લોકોની ભીડ પણ ભેગી થઈ ગઈ હતી. સળગતી બસની આગને કાબુમાં લેવાઈ તે પહેલાં આગ ઉગ્ર બની ગઈ હતી અને લોકોની સામે જ આખી બસ ભડ ભડ સળગી ગઈ હતી. 
આ પહેલી ઘટના નથી કે સીટી બસ કે BRTS બસમાં આગ લાગી હોય, આ પહેલા પણ ઘણી બસોમાં આગ લાગવાની ઘટના બની ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *