ખુલ્લો પત્ર: શિક્ષણમંત્રીએ રામ મંદિરની મીઠાઈઓ તો ખાઈ લીધી- પણ નોકરી માટે રાહ જોઈ રહેલા યુવાનોને ક્યારે મીઠાઈ મળશે?

તાજેતરમાં આવેલ અયોધ્યા રામ મંદિરના ચુકાદા બાદ ગુજરાતના સિનિયર નેતા અને શિક્ષણ મંત્રી એવા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ 29 વર્ષ પૂર્વે મીઠાઈ ન ખાવાની લીધેલી બાધા…

તાજેતરમાં આવેલ અયોધ્યા રામ મંદિરના ચુકાદા બાદ ગુજરાતના સિનિયર નેતા અને શિક્ષણ મંત્રી એવા ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ 29 વર્ષ પૂર્વે મીઠાઈ ન ખાવાની લીધેલી બાધા પૂર્ણ થઈ હોવાના  સમાચારો  પ્રસિધ્ધ થયાં હતા.જેમાં ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વર્ષ 1990માં અયોધ્યામાં રામ મંદિર બને તે માટે મીઠાઈ ન ખાવાની બાધા લીધી હતી. સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી તે બાધા હવે પૂર્ણ થઈ અને ભુપેન્દ્રસિંહે તેમના 92 વર્ષના માતા કમળાબાના હસ્તે 29 વર્ષ બાદ મીઠાઈ ખાઈને આશીર્વાદ મેળવ્યા હતા. 

જો કે બાધા એ ભૂપેન્દ્ર સિંહ ની આસ્થા નો વિષય છે એની ટીકા ટિપ્પણી ઉચિત ના ગણી શકાય, પરંતુ એ વાત પણ નોંધનીય છે કે ભુપેન્દ્રસિંહ ડાયાબીટીસ ના દર્દી છે, એ વાત તેમણે સમય અગાઉ વાયરલ થયેલા તેમનાં ઓડિયો માં પણ સ્વીકારી છે.હવે વાત જ્યારે આસ્થા ની અને નિર્ણય ની છે,ત્યારે ભુપેન્દ્રસિંહ ને જણાવવું જરુરી છે કે સાહેબ જેમ સુપ્રીમ કોર્ટે નિર્ણય લીધો અને તમારી બાધા પૂરી થઇ ઍમ તમારાં નિર્ણય ના અભાવે હજુ અનેક નોકરી વાચ્છુક ઉમેદવારો ની બાધા હજુ અપૂર્ણ છે.

સાહેબ એવા ઘણા ઉમેદવારો છે જેમનું ભવિષ્ય આપની નિર્ણય શક્તિ ના અભાવે ઘૂઘળૂ બની રહ્યુ છે અને સાથે સાથે ભારતનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓ નું ભવિષ્ય પણ અંધકારમય બની રહ્યુ છે.હા સાહેબ,વાત છે શિક્ષકો ની ભરતી પ્રક્રિયાની.આપના શિક્ષણ વિભાગ ના કહેવાતા બાબૂઓ આપને Equivalent શબ્દ ને લઇને મૂર્ખ બનાવી રહયા છે,ત્યારે આપ પારદર્શક નિર્ણય લઇ શકતા નથી.

સાહેબ કેટલાય સમય થી ભૂગોળ વિષયના ઉમેદવારો ની ભરતી ને લઇને વિવાદ ચાલી રહ્યો છે,જેમાં સમસ્યા એ સર્જાઈ છે કે ઉત્તર ગુજરાત,દક્ષિણ ગુજરાતમાં એવી ઍક પણ કૉલેજ નથી જયાં ભૂગોળ વિષય ભણાવવામાં આવતો હોય તેથી ધો.12 માં ભૂગોળ રાખનાર વિદ્યાર્થીઓ ને કૉલેજમાં ભૂગોળ ને બદલે હિસ્ટ્રી( history) વિષય આપવામા આવે છે. જેથી મજબૂર થઈ ને વિદ્યાર્થીઓ એ આ વિષયમાં ગ્રેજ્યુએશન તેમજ એમ. એ/બી.એડ કરવું પડે છે. હવે આવા ઉમેદવારો એ જ્યારે TAT/TET ની પરીક્ષા માટે ફોર્મ ભર્યા તો ફોર્મ એક્સેપ્ટ થયા, ઉમેદવારો એ પરીક્ષા આપી અને ભરતી મેરીટ મા આવે એટલાં માર્કસ સાથે ઉત્તીર્ણ પણ થયા.

એટલું જ નહીં, મેરીટ માં આવ્યા પછી જ્યારે આ ઉમેદવારો ને નોકરી માટે કોલ લેટર મળ્યા ત્યારે તેમનાં હરખ નો પાર ના રહ્યો, પણ જ્યારે સ્થળ પસંદગી માટે આ ઉમેદવારો જે તે સ્થળે DEO કચેરી ગયા અને તેમનાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન બાદ તેમને Equivalent શબ્દ નો અર્થ ન સમજી શકનાર તમારી સરકારના બાબૂઓ તરફથી જે જવાબ મળ્યો તે સાંભળી અનેક અરમાનો લઇને આવેલા ઉમેદવારો ના પગ નીચેથી જમીન સરકી ગઇ. સાહેબ તમારા ભરતી પ્રક્રિયા ના અધિકારીઓ ની ભૂલના કારણે આ ઉમેદવારો નું ભવિષ્ય ઘૂઘળૂ બની ગયુ. તેમનાં સ્વપ્ન રોળાઇ ગયા. કારણ કે તમારા અધિકારીઓ પાસે Equivalent શબ્દ નો જવાબ ન હતો કે ન હતી કોઈ સ્પષ્ટતા.

ત્યાર બાદ આ નિરાશ હતાશ ઉમેદવારોએ એવી આશા સાથે ગાંધીનગર ના આંટા ફેરા શરૂ કર્યા કે અધિકારીઓ ના સાંભળે તો છેવટે સરકાર તો આપણી વ્યથા સાંભળશે. જો કે તેમણે Dy. CM નીતિન પટેલ ને રજૂઆત કરી તો નીતિન પટેલે ઉમેદવારો ની રજૂઆત ધ્યાને લઇ આપના ખાતા ને લિખિત મોકલ્યું પણ આપની પાસે માત્ર રાજનીતિ સિવાય વહીવટી જ્ઞાન નો અભાવ હોવાથી આપે આપના અધિકારીઓ પર નિર્ભર રહેવું પડયું છે, જેથી આજ સુધી આ અંગે આપ નિર્ણય નથી લઈ શક્યા . તો બીજી બાજુ આપની જેમ આમાંથી કેટલાંક ઉમેદવારો એ પણ ન્યાય થાય અને નોકરી મળે એની બાધા રાખી છે સાહેબ.

સાહેબ મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આપ વ્યક્તિગત સ્વભાવે જેટલા સારા છો એટલાં જો વહીવટીય જ્ઞાનમાં પારંગત હોત તો કદાચ આપને ઍક શિક્ષણ મંત્રી તરીકે નિર્ણય લેવા માટે આપના અધિકારીઓ પર નિર્ભર ના રહેવું પડત. પણ હવે એ આપની કમજોરી કહો કે પછી ઉમેદવારો ના ભાગ્ય ની કઠણાઈ, પણ  નોકરી માટે ન્યાય મળશે એ આશાએ આજે પણ ઉમેદવારો ગાંધીનગર ના અને આપની ઓફીસ ના ચક્કર કાપે છે. સાહેબ જ઼ેમ આપને બાધા પૂર્ણ કરવા માટે સુપ્રીમ કોર્ટ ના નિર્ણય નો ઉત્સુકતા થી ઇંતજાર હતો ઍમ આ ઉમેદવારો ને પણ નોકરી મેળવવા અને તેમની બાધા પૂર્ણ કરવા આપના નિર્ણય નો ઇંતજાર છે, તો આશા રાખીએ કે આપ આ ઉમેદવારો ની વેદનાને સમજી આપના અધિકારીઓ ની મરજી મુજબ નહીં પણ આપનું કર્તવ્ય સમજી એક યોગ્ય નિર્ણય લેશો…

બસ એજ,

મૌલિક પટેલ

ભારતીય જનસેવા મંચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *