ગુજરાતમાં છેલ્લા 16 વર્ષમાં 3270 બેરોજગાર યુવાનોએ આત્મહત્યા કરી

દેશ અને રાજ્યની સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે…

દેશ અને રાજ્યની સરકારની શોષણ નિતીના લીધે એકતરફ બેરોજગારીનો આંકડો કુદકે ને ભૂસકે વધી રહ્યો છે તો બીજી તરફ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ, આઉટસોર્સ અને હંગામી ધોરણે નોકરીઓ આપી કરવામાં આવતા આર્થિક શોષણ સામે યુવાધનમાં ભારે આક્રોશ અને અજંપો છે. રાજ્યમાં સરકારી ચોપડે ૧૫ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે જ્યારે ન નોંધાયેલ બેરોજગારોની સંખ્યા ૩૫ લાખ એટલે કે કુલ ૫૦ લાખ બેરોજગાર યુવાન-યુવતી ભાજપની નિતીનો ભોગ બની રહ્યાં છે.

ગુજરાતના ૫ લાખ ફિક્સ પગારધારકોના હિત માટે ભાજપ સરકાર તાકીદે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પરત ખેંચે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં મોટા ભાગના વિભાગોમાં નિવૃત લોકોને પુનઃ નિમણૂંક આપીને મનફાવે તે રીતે કામગીરી કરાવવામાં આવી રહી છે.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ વધુમાં ઉમેર્યુ કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના ૨૦૦૧ થી ૨૦૧૭ના વિવિધ રિપોર્ટમાં આ બિહામણું સત્ય બહાર આવ્યું છે કે, ૧૬ વર્ષમાં ગુજરાતમાં નોકરી નહીં મળવાથી અથવા નોકરી છૂટી જતાં ૩૨૭૦ યુવાનોએ આત્મહત્યા કરી છે. ગુજરાતમાં બેરોજગારી પાછળનું એક સૌથી મોટું કારણ ઔદ્યોગિક વિકાસના પોકળ દાવા છે.”

મનીષ દોશીએ દાવો કર્યો કે, ” મોટા ભાગના વિભાગો ઈન્ચાર્જ થી જ ચાલી રહ્યાં છે. રાજ્યના ૫ લાખ ફીક્સ પગારદારો અને કોન્ટ્રાક્ટ પ્રથા – આઉટ સોર્સીંગમાં કામ કરતાં ૧૦ લાખથી વધુ યુવાનોનું આર્થિક શોષણ કરી ગરીબી અને લાચારી તરફ દોરતી તથા સામાજિક વ્યવસ્થાને ખાડે લઈ જવાની ભૂમિકા ભજવતી આ ફિક્સ પગાર, કોન્ટ્રેક્ટ પ્રથા, આઉટસોર્સીંગ જેવી ગેર બંધારણીય નિતીનો કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ વિરોધ કરે છે. દર વર્ષે બે કરોડ નવી રોજગારીના દાવા સામે મોદી શાસનના ૧ વર્ષમાં માત્ર ૧.૩૮ લાખ રોજગારી દેશના યુવાનોને મળી, સામા પક્ષે નોટબંધીનું ઉતાવળિયું પગલું અને જી.એસ.ટી.ના અમલીકરણની નિષ્ફળતાને લીધે દેશમાં લાખો નાના અને મધ્યમ કદના ઉદ્યોગો અને નાના વેપાર-ધંધા પડી ભાંગતા માત્ર ગુજરાતમાં ૨૦ લાખ લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે.”

દોશીએ વધુમાં જણાવ્યું કે, ૨૦૧૧ માં બેરોજગારીનો દર ૩.૮ ટકા થી વધીને ૫ ટકા થઈ ગયો છે. ભારતમાં બેરોજગારીની સંખ્યા ૧.૭ કરોડ થી વધીને ૧.૮ કરોડ થઈ જશે એનો મતલબ આ વર્ષે ૧૦ લાખ કરતાં વધુ લોકો બેરોજગારમાં ઉમેરો થશે. ગુજરાતમાં ૬૦ લાખથી વધુ યુવાનો રોજગારી શોધી રહ્યાં છે. બીજી બાજુ મોટા કારખાનાં બંધ થઈ રહ્યાં છે. દેશમાં એન્જીનીયરીંગ પાસ કરનાર માત્ર ૩૭ ટકા યુવાનોને અભ્યાસ પછી નોકરી મળે છે. જ્યારે ગુજરાતમાં માત્ર ૨૪ ટકાને નોકરીની તક મળે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *