ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

લક્ષચંડી મહાયજ્ઞ ને ભાજપ યજ્ઞ બનાવનારા આગેવાનો બરાબરના ફસાયા- જુઓ વિડિયો

ઊંઝા ઉમિયા ધામ ખાતે કડવા પાટીદાર સમાજ દ્વારા ઐતિહાસિક લક્ષચંડી યજ્ઞ યોજાઇ રહ્યો છે. આ યજ્ઞમાં પાટીદાર આગેવાનો કરતા ભાજપના રાષ્ટ્રીય અને રાજકીય નેતાઓને વધુ મહત્વ મળી રહ્યું હોય તેવી પત્રિકાઓ વાયરલ થતાં પાટીદાર સમાજના યુવાનો વિફર્યા છે. 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર ઊંઝા અને મહેસાણા રહ્યો હતો. જ્યાં સૌથી વધુ પાટીદાર યુવાનો પર દમન ગુજારાયું હતું.

આ યુવાનો દ્વારા ઉમિયામાતા સંસ્થાનના પ્રમુખ અને અન્ય હોદ્દેદારો ને રૂબરૂમાં પાટીદાર સમાજના યુવાનોએ આવેદનપત્ર આપ્યું હતું. અને સમાજના આ યજ્ઞને ભાજપ યજ્ઞ ન બનાવવા માટે રજૂઆત કરી હતી.

પાટીદાર આંદોલનનો નેતા હાર્દિક પટેલ પણ ભાજપના નેતાઓને બોલાવવાની નીતિનો વિરોધ કરી ચૂક્યો છે અને આ કાર્યક્રમમાં બીનપાટીદાર નેતાઓ નો વિરોધ થશે અને જવાબ આપશે તેવી વાત કહી ચુક્યો છે. ધનજી પાટીદાર અને કૌશિક પટેલ નામના યુવાનોએ સંસ્થાના પ્રમુખ અને અન્ય આગેવાનો ને 24 કલાક નું અલ્ટીમેટમ આપ્યું છે. અને અમિત શાહને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નું આમંત્રણ રદ કરવામાં આવે તેવી માંગ કરી છે. જો આવું નહીં કરવામાં આવે તો ૧૩ તારીખથી તેઓ યજ્ઞ માટે બનાવવામાં આવેલી યજ્ઞશાળા સામે જ ઉપવાસ પર બેસશે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે પાટીદાર અનામત આંદોલન દરમિયાન ઉત્તર ગુજરાતના ગઢ ગામમાં પોલીસની ગોળીથી મૃત્યુ પામેલા કનુભાઈ અંબાલાલ પટેલ ના પત્ની અને તેમના ભત્રીજા બ્રિજેશ પટેલ પણ ઉમિયાધામના ટ્રસ્ટીઓને ઉગ્ર રજૂઆત કરી હતી કે અમિત શાહને આ કાર્યક્રમમાં આપવામાં આવેલું આમંત્રણ રદ કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે ઊંઝા ખાતે મહાયજ્ઞમાં હાજરી આપવા માટે કોર્ટની મંજૂરી માંગી છે, કારણ કે હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશબંધી કરવામાં આવી છે.

પાટીદાર સમાજના કાર્યક્રમના આયોજકો ભાજપના અન્ય જ્ઞાતિના નેતાઓને બોલાવતા પાટીદાર સમાજ રોષે ભરાયો છે. કારણકે હજી સુધી અનામત આંદોલન દરમિયાન થયેલા કેસ અને ગોળીબારમાં મૃત્યુ પામેલા મૃતકોને યોગ્ય ન્યાય નથી મળ્યો.