પોલીસની ક્રૂરતા કે માનવતા: મૃતદેહ લઇ જતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરને પોલીસે માર્યો ઢોર માર

ગઈ કાલે એટલે કે મંગળવારના રોજ અમદાવાદ અને રાજકોટ માંથી સમગ્ર પોલીસ જગતને લાંછન લગાવે તેવી ઘટના સામે આવી છે. આ ઘટના અનુસાર ગોંડલથી રાજકોટ મૃતદેહ મૂકવા આવતા એમ્બ્યુલન્સ ડ્રાઈવરને પોલીસે ઢોર માર મારતા ઈન્ચાર્જ PSI(Police Sub Inspector)ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ PSI પી.એલ.ધામા ગોંડલ રોડ પર આવેલી એક ચેકપોસ્ટ પર ડ્યુટી કરી રહ્યા હતા.

ગોંડલ માનવ સેવા ટ્રસ્ટના પ્રમુખ પ્રફુલભાઈ રાજ્યગુરુ સોમવારે સાંજે મધ્ય પ્રદેશના મજૂર પરિવારના એક યુવાનના મૃતદેહને લઈને રાજકોટ જતા હતા ત્યારે કોઠારિયા વિસ્તાર નજીક સ્કોડાના શૉરૂમ નજીક બે પોલીસકર્મીઓએ કોઈ પ્રકારની વાત સાંભળ્યા વગર ઢોર માર માર્યો હતો. મધ્ય પ્રદેશથી આવેલા અને મજૂરીકામ કરતા આ યુવાનનું બીમારીને કારણે મૃત્યું થયું હતું. જેવી આ ઘટનાની જાણ બહાર આવી ત્યારે જ ઘટનાને લઈને પોલીસ તપાસના આદેશ આપ્યા હતા.

રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ઈન્ચાર્જ PSI પી.એલ.ધામાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ઘટનાની વધુ તપાસ માટે આદેશ પણ આપ્યા છે. આ ઘટના બાદ ગોંડલ સિટી પોલીસ મથકે એમ્બ્યુલન્સનો ખડકલો કરી દેવામાં આવ્યો હતો. આ કેસમાં રાજકોટ પોલીસ કમિશન મનોજ અગ્રવાલે આકરા પગલાં લીધા છે.

પોલીસે કરેલા આ હુમલાને પગલે જાણીતી સંસ્થાઓ તરફથી ચાલતી સેવાકીય પ્રવૃતિઓને સ્થગીત કરવાની આગેવાનોએ ચિમકી ઉચ્ચારી હતી. પ્રફુલભાઈ રાજ્યગુરુ પર બે પોલીસ કર્મીઓ લાકડી લઈને તૂટી પડ્યા હતા.પોલીસકર્મીઓએ જોરદાર દંડાવાળી કરતા પ્રફુલભાઈની પીઠ પર મારના નિશાન થઈ ગયા હતા. એટલું જ નહીં એમના કપડાં પણ ફાટી ગયા હતા. આ ઉપરાંત પગ પર સોટી મારતા ગોઠણના ભાગે પણ ઈજા થઈ હતી.

બીજી તરફ રાજ્યના DGPએ પણ તમામ પોલીસ સ્ટાફને આવા માહોલ વચ્ચે સંયમ અને શાંતિ રાખવા માટેના આદેશ કર્યા છે. પરંતુ, અમદાવાદમાં એક PSIએ દંડો પછાડીને રસ્તા પર ઊભા રહેલા શાકભાજી અને ફ્રૂટની લારીવાળાને દેવાવાળી કરી હતી. આ કેસમાં પણ જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ એક ઘટનાથી સમગ્ર પોલીસ જગતને બદનામ કરી રહ્યા છે. કોરોના સામે દરેક પોલીસ દિનરાત પોતે ભૂખ્યા પેટે જાહેર જનતાની સેવા કરે છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: