કાળમુખા કોરોનાએ 12 કલાકમાં જ રાજકોટના પરિવારને કરી નાખ્યો બરબાદ, ASI જવાન અને પત્નીનું મોત થતા ત્રણ સંતાના બનાયા નિરાધાર

Published on Trishul News at 1:04 PM, Wed, 21 April 2021

Last modified on April 21st, 2021 at 1:04 PM

કાળમુખા કોરોનાએ ગુજરાતના કેટલાય શહેરોને પોતાના ભરડામાં લીધા છે, ગુજરાતની મોટાભાગની હોસ્પિટલોમાં આજે બેડ માટે દર્દીઓ તરસી રહ્યા છે. આજે મોટાભાગના ઘરોમાં કોરોના ઘર કરી ગયો છે. કોઈના પિતા તો કોઈના માતા આજે એક એક શ્વાસ માટે લડી રહ્યા છે. આ દરમિયાન રાજકોટ શહેર પોલીસમાં એ.એસ.આઇ (Rajkot city police) તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ રાઠોડનું મોત થયાના માત્ર 12 કલાકના સમયગાળામાં તેમના પત્નીનું પણ મોત નીપજ્યું છે.

હાલમાં સમગ્ર વિશ્વમાં મહામારીએ સમગ્ર માનવજાતને ઘૂંટણિયે પાડી દીધી છે. હવે, લોકો પાસે રોકક્કળ અને મદદ માગવા સિવાય કંઈ બચ્યું નથી. કાળમુખો કોરોના એક પછી એક અનેક લોકોના ભોગ લઈ રહ્યો છે. માત્ર એટલું જ નહીં, કુદરત તો એવો રૂઠ્યો છે કે દંપતીઓને જ પોતાની પાસે બોલાવી રહ્યો છે. હાલ દંપતીઓનાં એકસાથે મોતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેને પગલે પરિવારો વેરવિખેર થવા લાગ્યા છે.

ગુજરાતમાં આવેલ રાજકોટ શહેરમાં પોલીસમાં એ.એસ.આઇ (Rajkot city police) તરીકે ફરજ બજાવતા અમૃતભાઈ રાઠોડનું મોત થયાના માત્ર 12 કલાકના સમયગાળામાં તેમના પત્નીનું પણ મોત નીપજ્યું છે. માતાપિતાના નિધનથી ત્રણ-ત્રણ સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે.

વિધિની વક્રતા તો જુઓ, આગામી 24મી મેના રોજ દીકરીના લગ્ન લેવાના હોવાથી દંપતી દીકરીનું કન્યાદાન કરવાના સપનાઓ જોઈ રહ્યા હતા. પરંતુ દીકરીનું કન્યાદાન કરે તે પૂર્વે જ દંપતીએ દમ તોડી દીધો છે. આ કરુણાંતિકાને કારણે રામનાથપરા પોલીસલાઇનમાં અરેરાટી વ્‍યાપી ગઈ છે.

બપોર બાદ પતિ અને રાત્રે પત્નીએ વસમી વિદાય લીધી
રાજકોટમાં બી-ડિવિઝનમાં ફરજ બજાવતાં ASI અમૃતભાઇ માયાભાઇ રાઠોડ (ઉં.વ.47) કોરોનાથી સંક્રમિત થયા હતા. ચાર દિવસ બાદ રિપોર્ટ નેગેટિવ આવ્‍યો હતો, પરંતુ તબિયત બરાબર થઇ ન હોવાથી સિવિલમાં સારવાર હેઠળ હતા. 19 એપ્રિલના બપોર બાદ તેમણે અંતિમ શ્વાસ લેતાં શહેર પોલીસમાં શોક વ્યાપી ગયો હતો. પુત્ર-પરિવારજનો અંતિમવિધિ આટોપીને હજુ આવ્‍યાં હતાં ત્‍યાં મોડી રાતે એકાદ વાગ્‍યે અમૃતભાઇનાં ધર્મપત્‍ની લાભુબહેને પણ દમ તોડી દીધો હતો. તેમને પણ કોરોના થયો હોવાથી ઘરે જ સારવાર લઈ રહ્યાં હતાં.

સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર
મળતી માહિતી અનુસાર, અમૃતભાઇ અને લાભુબહેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે, જેમાં પુત્ર સૌથી નાનો છે. ત્રણ ભાઈ-બહેનોએ બાર કલાકના ગાળામાં જ પહેલા પિતા અને પછી માતાને ગુમાવતાં નોધારાં થઈ ગયાં છે. રામનાથપરા પોલીસલાઇનમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. કરુણતા એ છે કે આવતા મહિને એટલે કે 24મી મેના રોજ આ દંપતીની એક દીકરીના લગ્ન લેવાયા હતા, જેના હાથે કન્‍યાદાન થવાનું હતું એ મા-બાપ જ હયાત ન રહેતાં રાઠોડ પરિવારના સપનાં વેરણછેરણ થઈ ગયાં છે.

અત્રે ઉલેખનીય છે કે, ગઈકાલના રોજ સુરતમાં 11 દિવસનું બાળક કોરોના સંક્રમિત થયાનો કિસ્સો સામે આવ્યો હતો. છેલ્લા 11 દિવસથી ડાયમંડ હોસ્પિટલમાં વેન્ટીલેટર પર તેની સારવાર ચાલી રહી હતી. ત્યારબાદ આજે સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતા શોકનો માહોલ જોવા મળ્યો હતો.

સુરતમાં 14 દિવસના બાળકનું કોરોનાથી મોત

બાળકની વેન્ટીલેટર હેઠળ ચાલતી સારવારમાં રેમેડીસીવર ઇન્જેક્શન આપવામાં આવ્યુ હતું. જાણવા મળ્યું છે કે, નવજાત બાળકને માતા દ્વારા કોરોના સંક્રમણ લાગ્યુ હતું. બાદમાં બાળકની તબીયત અચાનક બગડી જતા તેનો રીપોર્ટ કરવામાં આવ્યો હતો. તેનો એક્સ-રે રિપોર્ટમાં કોરોના દેખાતા તબીબો પણ ચોંકી ગયા હતાં. કિડની અને ખેંચની બિમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે.

એક દિવસના અંતરે મોતને ભેટેલું ઠુંમર દંપતી.

આ ઉપરાંત, 11 એપ્રિલે ગોંડલ શહેરના જેતપુર રોડ ઉપર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહેતા અને સરદાર પાન નામે દુકાન ધરાવતા જિતેન્દ્રભાઈ જેરામભાઇ ઠુંમર (ઉં.વ.45) અને તેમનાં પત્ની વસંતબેન એક સપ્તાહથી કોરોનાની ઝપટે ચડી ગયાં હતાં. બંનેએ સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન થતાં જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતાં. 10 એપ્રિલે વસંતબેનનું મૃત્યુ થયું હતું અને 11 એપ્રિલે જિતેન્દ્રભાઇનું મૃત્યુ થતાં પુત્ર-પુત્રીએ માતા-પિતાની છત્રછાયા ગુમાવતાં ઠુંમર પરિવાર શોકમગ્ન બન્યો હતો.

ગોંડલમાં SRP જવાન પિતા-પુત્રી અને પુત્રનું મોત

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે, જેને પગલે SRP કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પિતા-પુત્રી અને પુત્રનું અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Be the first to comment on "કાળમુખા કોરોનાએ 12 કલાકમાં જ રાજકોટના પરિવારને કરી નાખ્યો બરબાદ, ASI જવાન અને પત્નીનું મોત થતા ત્રણ સંતાના બનાયા નિરાધાર"

Leave a comment

Your email address will not be published.


*