ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

ગુજરાતી એન્જીનીયરોએ બનાવ્યુ દિવસના 50 હજાર એન 95 માસ્ક બનાવતું મશીન

મહામારીને લીધે લોકડાઉનની જાહેરાત થઈ અને રાજકોટની રાજુ એન્જિનિયર્સ કંપનીના મેનેજમેન્ટે નિર્ણય કર્યો કે મહામારીને પહોંચી વળવા ભારતમાં જ જરૂરી મશીનો બનાવવા જોઈએ. રાજુ એન્જિનિયર્સએ N-95 માસ્ક બનાવવા માટેના મશીન તૈયાર કરવાનું ચાલુ કર્યું છે. ભારતનું આ પ્રથમ એવું મશીન છે જે એક દિવસમાં 50000 એન નાઇન્ટી ફાઈવ માસ્ક બનાવી શકશે! લગભગ 15 દિવસથી રાજુની ડિઝાઇન ટીમે સતત કાર્યશીલ રહી ને આ મશીનની જટિલ ડિઝાઇનનું કાર્ય પૂર્ણ કર્યું છે.

આંતરરાષ્ટ્રીય સ્તરના માસ્કનું નિર્માણ થઈ શકશે: મહામારી સામે લડવા ઉત્તમ માસ્ક હવે અનિવાર્યતા: ઉત્સવ દોશી – ખુશ્બુ દોશી

આ ડિઝાઇન પૂર્ણ કરવા માટે કંપનીના ઇજનેરોની મોટી ટીમ કામે લાગી હતી અને PLC પ્રોગ્રામ કરવા માટે કંપનીના સોફ્ટવેર એન્જીનીયર કામ કરી રહ્યા છે. આ અભિગમને લીધે મહામારીના સમયમાં જરૂરી રક્ષણાત્મક માસ્કનું ઉત્પાદન ભારતમાં જ અને સ્વદેશી મશીનો દ્વારા જ થઈ શકશે. અને આ મશીન દ્વારા ઉચ્ચતમ ગુણવત્તાના, આંતરરાષ્ટ્રીય સ્તરના માસ્ક બનાવી શકાશે.

મહત્વપૂર્ણ વાત એ છે કે, એન નાઇન્ટી ફાઈવ માસ્કમાં વપરાતા ખાસ પ્રકારનાં મેલ્ટબ્લૉન નોન વુવન ફેબ્રિકનું ઉત્પાદન કરી શકે એવું મશીન પણ રાજુ એન્જીનિયર્સ દ્વારા તૈયાર થઈ રહ્યું છે. મેલ્ટબ્લૉન ફેબ્રિક બનાવવા માટેની ડાઇ બનાવનાર ભારતની પ્રથમ કંપની રાજુ એન્જિનિયર્સ છે. બેઉ મશીનો જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં કાર્યરત થઈ જશે.

કોરોના જેવી મહામારીમાં આ માસ્કની હવે અનિવાર્યતા ઉભી થઇ છે. આ માસ્ક તેનાં નામ પ્રમાણે પંચાણુ ટકા અશુદ્ધિઓ, જીવાણુંઓ, હવામાં રહેલા ઝેરી તત્વોને શરીરમાં પ્રવેશતા રોકે છે. તેનું વિશિષ્ટ મટિરિયલ અને ડિઝાઇન આ કાર્ય ખૂબીપૂર્વક કરે છે. રાજુ એન્જીનિયર્સ પાસે અવનવા મશીનો બનાવવાનું સામર્થ્ય છે. છેલ્લા 32 વર્ષથી તેઓ એન્જીનીયરીંગ ક્ષેત્રે અનેક ચમત્કારો સર્જી રહ્યા છે. પ્લાસ્ટિક પેકેજિંગ મટીરીયલના પ્રિન્ટિંગ મશીનથી લઈ ને પીવીસી પાઇપ, ઇરીગેશન પાઇપ સુધીનાં અગણિત મશીનો તેઓ બનાવે છે. ગ્રાહકની જરૂરિયાત મુજબનાં ટેઇલર મેઇડ મશીનો બનાવવા માટે રાજુ એન્જીનિયર્સ એ સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંક ધરાવતી કંપની છે.

રાજુ એન્જીનિયર્સના ઉત્સવ દોશી અને ખુશ્બુ દોશી કહે છે કે, રાજકોટની ધરતી ઇજનેરોની ધરતી છે જ્યાં વેન્ટિલેટર પણ ઝડપથી બની શકે છે અને મહામારી સામે જંગ લડવા દેશમાં જ સારી તકનીકના અનિવાર્ય મશીનોની જરૂરિયાત ઉભી થઇ કે તરત તકનીકી ક્ષેત્રે કામ કરવા રાજકોટની ઇજનેરી કંપનીઓ તત્કાળ આગળ આવી છે. આ માસ્કમાં જે ફેબ્રિકનો ઉપયોગ થાય છે, એ બનાવવાનું મશીન પણ રાજુએ ડેવલપ કર્યું છે.

કંપનીના નિષ્ણાત ઇજનેરોએ ઘરેથી કામ કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાના મશીનોની ડિઝાઇન તૈયાર કરી. બંન્ને મશીનોની ડિઝાઇન તૈયાર થયા બાદ ડિઝાઇન સોફ્ટવેરના આધારે બંનેની કાર્યદક્ષતા કોમ્પ્યુટર પર પુરવાર કરી ને હવે ઉત્પાદન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે.

આ પોસ્ટ માટે તમારું મંતવ્ય અહી લખો: