કાર, ઘર સહીત તમામ પ્રકારની લોન થશે મોંઘી- RBIએ રેપો રેટમાં કર્યો આટલા ટકાનો વધારો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ વર્ષે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ વર્ષે સતત પાંચમી વખત રેપો રેટમાં વધારો કર્યો છે. RBIએ રેપો રેટમાં 0.35 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. RBI અનુસાર હવે રેપો રેટ 5.90 ટકાથી વધીને 6.25 ટકા થશે. આ નિર્ણયથી હવે હોમ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે. MPCની બેઠક બાદ RBI ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikanta Das) બુધવારે એટલે કે આજે પોલિસી રેટ વધારવાની જાહેરાત કરી હતી.

જાણો વધીને ક્યાં પહોચ્યો રેપો રેટ:
દેશના સામાન્ય માણસને ફરી એકવાર ઝટકો લાગ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ની નાણાકીય નીતિની બેઠક બાદ ગવર્નર શક્તિકાંત દાસે આ વર્ષે રેપો રેટમાં સતત પાંચમી વખત વધારો કરવાની જાહેરાત કરી છે. આ પછી હોમ લોન-ઓટો લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થઈ જશે અને લોકોએ વધુ EMI ચૂકવવી પડશે.

આ વર્ષે 2.25% નો વધારો થયો:
વર્ષના છેલ્લા મહિનામાં રેપો રેટમાં તાજેતરના વધારા બાદ  રેટ 6.25 ટકા પર પહોંચી ગયો છે. આ વર્ષે કેન્દ્રીય બેંકે વ્યાજ દરોમાં કુલ 2.25 ટકાનો વધારો કર્યો છે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે અમારું લક્ષ્ય દેશમાં મોંઘવારી દરને નિર્ધારિત 6 ટકાના લક્ષ્યાંકથી નીચે લાવવાનો છે. ભારતીય રિઝર્વ બેંકે FY23 માટે CPI ફુગાવાના અનુમાનને 6.7% પર જાળવી રાખ્યું છે. આ સાથે, આગામી 12 મહિનામાં ફુગાવાનો દર 4% થી ઉપર રહેવાની ધારણા છે.

તમને જણાવી દઈએ કે ઓક્ટોબરમાં દેશમાં રિટેલ મોંઘવારી ઘટીને 6.77 ટકા થઈ ગઈ છે. મુંબઈમાં છ સભ્યોની એમપીસીની બેઠક બાદ રેપો રેટમાં વધારાની જાહેરાત કરતા, આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી (એસડીએફ રેટ) 6 ટકા અને માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી અને બેન્ક રેટને 6.5 ટકા એડજસ્ટ કરવામાં આવ્યો હતો.

નાણાકીય વર્ષ 23 માં 6.8 ટકા જીડીપીનો અંદાજ:
આ સાથે, આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે નાણાકીય વર્ષ 2022-23 માટે જીડીપી વૃદ્ધિ દર 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. અગાઉ સેન્ટ્રલ બેન્કે 7 ટકાનો અંદાજ મૂક્યો હતો. તેમણે કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારતનો વિકાસ દર સંતુલિત છે. તેમણે કહ્યું કે માંગ વધી છે, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, જે અર્થતંત્રને ટેકો આપી રહી છે.

રેપો રેટમાં વધારો થવાનું હતું અનુમાન:
રેપો રેટમાં વધારાની આગાહી પહેલાથી જ કરવામાં આવી રહી હતી. ઘણા મીડિયા અહેવાલોમાં, નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરી હતી કે ફુગાવામાં રાહત હોવા છતાં, કેન્દ્રીય બેંક પોલિસી રેટમાં 25-35 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. નોંધપાત્ર વાત એ છે કે દેશમાં મોંઘવારી લાંબા સમયથી ઊંચા સ્તરે રહી હતી, પરંતુ ગયા ઓક્ટોબરમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.

અત્યાર સુધી રેપો રેટમાં આટલો વધારો થયો:
રિઝર્વ બેંક દ્વારા રેપો રેટ વધારવાની પ્રક્રિયા મે 2022ના મહિનાથી શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રેપો રેટમાં 0.40 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારપછીના મહિને જૂનમાં આરબીઆઈએ ફરીથી વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આ ટ્રેન્ડ ચાલુ રહ્યો અને ઓગસ્ટ મહિનામાં 0.50 ટકાનો વધારો જોવા મળ્યો, જ્યારે સપ્ટેમ્બરમાં પણ સેન્ટ્રલ બેન્કે પોલિસી રેટમાં 0.50 ટકાનો વધારો કર્યો. હવે આ પાંચમી વખત છે જ્યારે કેન્દ્રીય બેંકે લોકોના ખીસ્સા પર અસર કરી છે.

EMI પર રેપો રેટની અસર:
રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ નાણાં રાખવા માટે બેંકોને વ્યાજ આપે છે. રેપો રેટમાં ઘટાડો થવાને કારણે લોનની EMI ઘટે છે, જ્યારે રેપો રેટમાં વધારો થવાથી તમામ પ્રકારની લોન મોંઘી થાય છે અને આ ક્રમમાં EMIમાં પણ વધારો થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *