પ્રેમમાં નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરશો?

Published on Trishul News at 12:31 PM, Wed, 16 October 2019

Last modified on October 16th, 2019 at 12:31 PM

પ્રેમમાં નિષ્ફળતાએ અત્યંત હૃદય-વિહારક બાબત છે. કોઈને હૃદયપૂર્વક પ્રેમ કરવો, પછી ભલે તે વ્યક્તિ તમને પ્રેમ કરે કે નહીં તે બાબત બહારથી તો ખૂબ સુંદર લાગે છે પરંતુ જ્યારે તેનો યોગ્ય પ્રતિસાદ ના મળે ત્યારે તે અત્યંત પીડાદાયક સાબિત થાય છે. સામેની વ્યક્તિ પાસે ના કહેવાનું ગમે તે કારણ હોય. પરંતુ ‘ના’ સાંભળનારની દુનિયા તહસનહસ થઈ જાય છે. અસરગ્રસ્ત વ્યક્તિ જેમ બને તેમ જલદી હતાશામાંથી બહાર આવવા માગે છે. તે માટે અઢળક પ્રયાસ પણ કરે છે. જો થોડો વિચાર કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે આ સ્થિતિમાંથી બહાર આવવું શક્ય છે. એટલું સમજો કે તમારા પ્રેમના પાત્ર પર તમારું કોઈ નિયંત્રણ નથી પરંતુ ના સાંભળ્યા બાગ થતી તમારી પ્રતિક્રિયા પર તમારું નિયંત્રણ શક્ય છે. આ નિયંત્રણ કેવી રીતે લાવશો?

પોતાની લાગણીઓને જાણો

વાસ્તવિક્તા દુઃખદ હોવાને કારણે આપણે તેનો અસ્વીકાર કરીએ છીએ. તેનાથી મોં છુપાવીએ છીએ. આમ કરવું યોગ્ય નથી. કારણ કે દબાવેલી લાગણીઓ ગમે ત્યારે પોતાનું માથું ઊંચકે છે. અને જ્યારે તે ફરી બહાર આવે છે ત્યારે જોશભેર બહાર આવે છે. તેના બદલે તમારી જાતને દિલાસો આપો કે ધીમે ધીમે બધું બરાબર થઈ જશે. જે રીતે આપણે લાગણીઓને આવવા દઈએ છીએ તે રીતે તેમને અલવિદા પણ કહી શકીએ છીએ.

જાત સાથે સહાનુભૂતિપૂર્વક વર્તો

કોઈક વ્યક્તિને તમારા સાથની ચાહના નથી. ખાસ કરીને એવી વ્યક્તિ જને તમે ચાહો છો, એ બાબત તમારા આત્મવિશ્વાસને આઘાત પહોંચાડે છે. તમને લાગે છે કે તમે તેને યોગ્ય નથી. આ પ્રકારની નકારાત્મક લાગણી તમારી ખુશી અને ઉત્સાહને નષ્ટ કરે છે. આ સ્થિતિમાં તમારી જાતને એક મિત્ર તરીકે જુઓ અને તેને ધરપત આપો. તમે જરૂર વ્યથામાંથી બહાર આવશો.

વિશ્વાસપાત્ર વ્યક્તિ સાથે વાત

જ્યારે આપણે આપણી સંવેદનાઓને સમજવા પ્રયાસ કરતા હોઈએ ત્યારે પરિસ્થિતિનું યથાર્થ- દર્શન કરવું જરૂરી છે. તે માટે તમારા હિતચિંતક સાથે વાત કરો. તે તમને બધાં પાસાનું યથાર્થ-દર્શન કરાવશે. તે સાંભળીને તમે આ સ્થિતિને સ્વીકારી શકશો. ક્યાં શું ખોટું થયું છે, તમે શું જોવાનું મૂકી ગયા છો. ક્યાં તમારો દોષ નથી વગેરે બાબતો સમજશો તો તમે નિરાશામાંથી જલદી બહાર આવશો.

જવાબ માંગવાનું ટાળો

અસ્વીકાર કરવા બદલ તે વ્યક્તિનો જવાબ માગવાની ચેષ્ટા ના કરશો. આમ કરવાથી પરિસ્થિતિ વધુ બગડશે. કોઇ તમને ના ચાહે તો તેના માટે તે વ્યક્તિને સમજાવી ના શકાય. તમને લાગશે કે તે વ્યક્તિ તમારા માટે શ્રેષ્ઠ છે પરંતુ વાસ્તવમાં એવું નથી હોતું. તમને ચાહે, પસંદ કરે એવી બીજી વ્યક્તિઓ દુનિયામાં છે તે સમજો.

જીવનમાં આગળ વધો

દુઃખમાં હિજરાયા કરવાથી કોઇ ઉકેલ મળતો નથી. ‘અસ્વીકાર’ના કારણે થયેલી નિરાશામાંથી ઝડપભેર બહાર નીકળવા કોઈ સારી પ્રવૃત્તિમાં જોડાઓ. તમારી કરિયર પર ધ્યાન આપો. જે કામ તમારે કરવા છે તે કરવાની શરૂઆત કરો. વાસ્તવમાં અત્યારનો સમય સૌથી યોગ્ય સમય છે. વ્યસ્ત રહેવાને કારણે તમે ઝડપથી તમારી નિષ્ફળતાને ભૂલી શકશો. તમારા નિયંત્રણવાળી પરિસ્થિતિમાં રહેશો તો તમારો જખમ જલદી રૂઝાવા માંડશે. તમારો આત્મવિશ્વાસ અને સ્વાભિમાન પાછા આવશે.

મન પર ના લેશો

કોઈએ તમારા પ્રેમનો અસ્વીકાર કર્યો તે કારણે તમારી ક્ષમતા કે પાત્રતા માટે શંકા ના કરશો. તે વ્યક્તિ માટે પણ આ વાતને સ્વીકારવી મુશ્કેલ હોઈ શકે છે. તેના સંજોગો કે પસંદને પણ આપણે જાણતા નથી. તેણે કરેલા અસ્વીકાર પાછળ અન્ય કોઈ પણ કારણ હોઈ શકે છે. તમે કદરૂપા કે અયોગ્ય છો એવું માનશો નહીં. તમે જેટલાં સકારાત્મક બનીને ચાલશો તેટલાં ઝડપથી સ્વસ્થ બનશો. જીવનમાં મળેલી એક નિષ્ફળતાને જીવનભરની નિષ્ફળતા ના માનશો. વધુ પરિપકવ બનીને જીવનમાં આગળ વધી જાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Be the first to comment on "પ્રેમમાં નિષ્ફળતાનો સામનો કેવી રીતે કરશો?"

Leave a comment

Your email address will not be published.


*